SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળે તો ઇગ્નાઝ છેક હંગેરી દેશના બુડાપેસ્ટથી વિયેનામાં કાયદાનો અભ્યાસ કરવા આવ્યો હતો. એક વાર પોતાના ડૉક્ટર દોસ્તની સાથે પ્રદર્શનમાં લટાર મારવા નીકળ્યો. શરીરવિજ્ઞાનનું એ પ્રદર્શન જોઈને ઇગ્નાઝને એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે એણે કાયદાનાં પુસ્તકો બારી બહાર ફેંકી દીધો અને તબીબી વિદ્યામાં પ્રવેશ મેળવ્યો. એની આંખોમાં અનેરું તેજ હતું. ચિત્તમાં સતત જિજ્ઞાસા રહેતી, કોઈ પણ વાતને એ રહસ્યમય માનીને ચિત્તમાંથી તિલાંજલિ આપતો નહીં, પણ એ કોયડાઓ ઉકેલીને જ ચિત્ત-શાંતિ પામતો ! ડૉક્ટરીનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે વિષયની પસંદગી પણ વિચિત્ર રીતે કરી. લોકો સરળ વિષય પસંદ કરે, એને બદલે ઇગ્નાઝે એ સમયે અઘરામાં અઘરો વિષય ગણાતા પ્રસૂતિશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. એમ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી એ વિયેનાના પ્રસૂતિ વિભાગમાં જોડાયો. એણે પહેલે જ મહિને જોયું કે આ પ્રસૂતિવિભાગમાં એ દાખલ થયો ત્યારે ૨૦૮ સ્ત્રીઓ છે અને મહિનાને આખરે એમાંની ૩૬ મૃત્યુ પામી છે. આટલાં બધાં મૃત્યુએ ઇગ્નાઝના અંતરને વલોવી નાખ્યું. એણે જોયું કે એ સમયે બાળકને જન્મ આપવો એટલે માતાને માટે મૃત્યુની સાથે ખેલ ખેલવાનું ગણાતું હતું. શિશુને નવજીવન મળે અને એની માતાને અકાળ મૃત્યુ સાંપડે. બગલાની પાંખ જેવા ધોળા-લાંબા ઝભા પહેરીને અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને, મેડિકલ સાયન્સના મોટા મોટા વજનદાર શબ્દોનો ઉપયોગ કરતા અને વોર્ડમાં ફરતા ડૉક્ટરોથી ઇગ્નાઝ જુદો તરી આવતો હતો. પ્રસૂતિગૃહના બીજા ડૉક્ટરોને માટે આટલાં બધાં મૃત્યુની સહેજે ચિંતા થતી નહોતી, કારણ કે તેઓ આવાં મૃત્યુ જોવા માટે ટેવાઈ ગયા હતા, પરંતુ આ પ્રસૂતાઓનું અકાળે થતું મોત ઇગ્નાઝના હૃદયને ભડકે બળતું હતું. એના દિલમાં સૌથી વધુ વેદના તો એ હતી કે એ વોર્ડમાં ફરતી વખતે આ સ્ત્રીઓ સમક્ષ જતો, ત્યારે આ સ્ત્રીઓ એની સામે કરગરીને કહેતી, સાહેબ, મને સારું થઈ જશે ને ? હું જીવતી તો રહીશ ને?” આવી સ્ત્રીઓના દયામણા ચહેરા જોઈને ઇગ્નાઝ ચહેરા પર કૃત્રિમ હાસ્ય ચોંટાડીને કહેતો. ‘ના, ના, બહેન ગભરાઈશ નહીં, તને સારું થઈ 1l4 • માટીએ ઘડ્યાં માનવી પ્રસૂતિ કરાવતી સ્ત્રી અને ડૉ. ઇગ્નાઝ જશે.’ હોઠથી આ શબ્દો ઉચ્ચારતો હતો, પણ એના હૃદયમાં ચીરા પડતા હતા. એ જાણતો હતો કે એના આ શબ્દો દંભી છે, એના આ શબ્દોમાં ભારોભાર જૂઠાણું છે. આવી રોગગ્રસ્ત માતાઓ આતુર નયને જાણે કોઈ ઉદ્ધારક કે તારણહારને જોઈ રહી હોય, એ રીતે ઇગ્નાઝ તરફ આશાભરી આંખો માંડતી હતી. એ આંખોમાં યાચના હતી, જિ જીવિષા હતી, જિંદગી જીવવાના કોડ હતા. એ રોગગ્રસ્ત સ્ત્રી થોડું પાણી માગતી. હજી એ એનો ઘૂંટડો પૂરો થાય તે પહેલાં ફરી પાણી માગતી. એ પીવે તે પહેલાં વળી પાછી માગતી. ઇગ્નાઝ એમના તરફ જોતો હતો. દિલમાં ભારે ભય હતો. મુખ પર બનાવટી ફૂલો જેવું સ્મિત રાખતો અને સાથે એમના નાડીના ધબકારા ગયે જતો હતો. એના ધબકારા નિયમિત થતાં ઇગ્નાઝના ચહેરા પર આનંદ છવાઈ જતો હતો. ઘણી વાર એવું પણ બનતું કે આ માતાઓના હાથ, પગ અને મુખ પર ભૂરા રંગના ડાઘ ઊપસી આવતા. આ ભૂરા રંગના ડાઘ શા માટે છે એમ દર્દીને સહેતુક પૂછતો નહીં, એ માટે ઇનાઝ એમને બીજી વાત તરફ વાળતો હતો. પહેલું ક્લિનિક * 115
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy