SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નરકવાસી બનવા માનવી તડપે છે સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ અને નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ, જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે આ કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ . પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભા કરેલાં દુ:ખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોત તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યા? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે. - ૧૪૧ સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુઃખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય, પોતાના જીવનની સ્વકેન્ડી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેય એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે. ક્ષણનો ઉત્સવ 143 142 ક્ષણનો ઉત્સવ
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy