SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૧૬ – - ૧૧૭ - નવી આશા આપતી નિષ્ફળતા સંકલ્પને કોઈ સીમા હોતી નથી માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંતઃ કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતીકાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને આવતીકાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે. ‘સંજોગો માનવીને ઘડે છે' એ સુત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો . અનુકૂળ સંયોગોને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! ક્યા આનંદદાયી હતા અને કયા દુઃખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ, સંજોગ કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વનો છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે. 118 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 119
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy