SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૩૧ અશુભ એ માંકડાની ચળ છે ! તમારી વિચિત્રતાને ચાહતા રહેજો ! માનવી હંમેશાં પોતાની વિશેષતાનો વિચાર કરે છે, પરંતુ ક્યારેક સમય કાઢીને નિરાંતે પોતાની વિચિત્રતાઓનો વિચાર કરતો નથી. ગમે તેવી મહાન વ્યક્તિ હોય, પણ એનામાં કોઈ ને કોઈ વિચિત્રતા વસેલી હોય છે. કોઈને એવી ભૂખ લાગતી હોય છે કે એ બાળકની માફક રઘવાયો થઈને તોફાન મચાવી દેતો હોય છે. ક્યારેક કોઈને પાછલી રાત્રે જ ઊંઘ બરાબર ઘેરાતી હોય છે. ગમે તેટલો મહાવિદ્વાન હોય, તોપણ એને રસ્તા પર મળતાં ગાંઠિયા કે મરચાંનાં ભજિયાં ખાવામાં જલસો પડતો હોય છે. કોઈ આઇસક્રીમ જોઈને તો કોઈ કેરીનો રસ જોઈને સઘળું ભાન ભૂલી આરોગવા માંડે છે. કેટલાક અમુક રંગનાં જ વસ્ત્રો પહેરતાં હોય છે, તો કેટલાકને પ્લેનને બદલે ટ્રેનની સફર ગમતી હોય છે. કોઈ દિવસમાં બે વાર અતિ લાંબી દોડ દોડે છે, તો કોઈના પગ માત્ર બંગલામાં અને મોટરમાં જ ગતિ કરતા હોય છે. તમારી પણ આવી જ કોઈ વિચિત્રતા હશે, પણ એના તરફ ધૃણા દાખવવાને બદલે પ્રેમ દાખવજો. આઇન્સ્ટાઇનના પહેરવેશ અને દેખાવમાં કેટલી બધી વિચિત્રતા હતી ! વીસમી સદીના સૌથી બુદ્ધિમાન માનવીને મોજા પહેરવાં સહેજે પસંદ નહોતાં. આવી વિચિત્રતાઓ એ જ મનુષ્યના સાહજિક અસ્તિત્વનો અણસાર આપે છે. વિચિત્રતા જોતાં એમ લાગે કે એ વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય, પરંતુ આના મનની સહજતા સાંગોપાંગ જળવાઈ રહી છે. જો માનવીમાં વિચિત્રતાઓ ન હોય, તો આ જગત પૂર્વ નિર્ધારિત એક તાલે ચાલતું હોત. એ તદ્દન શુષ્ક, એકસુરીલું અને નિરસ લાગે. સાચું પૂછો તો આ વિચિત્રતામાં કશું વિચિત્ર નથી, એ અતિ સહજ અને પૂર્ણ વાસ્તવિક છે. વ્યક્તિના મોજીલા કે મસ્તીભર્યા વ્યક્તિત્વમાંથી નીકળેલી આવી વિચિત્રતાઓ એના જીવનને અવનવા રંગો અને રોમાંચથી ભરી દે છે. ચિત્તમાં મલિન અને સાત્ત્વિક બંને વિચારો સાથોસાથ જાગે છે. મન મલિન વિચાર તરફ તત્કણ આકર્ષાય છે. એને નકારાત્મકતા વધુ પસંદ પડે છે. એ તરત સાત્ત્વિક વાતનો નિષેધ, ઇન્કાર કે અસ્વીકાર કરશે અથવા તો એની ઠઠ્ઠા-મશ્કરી ઉડાવશે. દુષ્ટ, નિમ્ન કે મલિન વિચાર ધરાવનારમાં એક એવી વિકૃતિ હોય છે કે એના મનમાં કોઈ સારો, ઉચ્ચ કે સાત્ત્વિક વિચાર જાગે, તો તે ભીતરમાં ભયભીત થઈ જાય છે. દાનવને બીક લાગે છે કે દેવ ક્યાંક પેસી તો નહીં જાય ને ! પરિણામે નકારાત્મક વિચારધારા ધરાવનાર, પહેલું કામ તો વિધેયાત્મક વિચારોનો છેદ ઉડાડવાનું કરશે. સારા વિચારની વ્યર્થતા બતાવશે અને આગળ વધીને એ સાવ વ્યર્થ અને વાહિયાત છે તે પુરવાર કરશે. તામસી વિચારને દૂર ખસેડીને સાત્ત્વિક વિચારની પ્રતિષ્ઠા કરવી એમાં અતિ મોટું પરાક્રમ રહેલું છે. અનિષ્ટનો હુમલો ખાળવા માટે ઇષ્ટનું પ્રબળ બળ જોઈએ. તમસના નાશ કાજે પ્રકાશની તીવ્રતા જોઈએ. એ પ્રકાશ મંદ હશે તો તમસ એને થોડી ક્ષણોમાં ઘેરી વળશે. આને માટે તમારે મનમાં જાગતા વિચાર સાથે વિવેકને જોડવો પડશે. સારા-નરસાનો ખ્યાલ કરવો પડશે અને ચિત્તને ઊર્ધ્વ અને યોગ્ય વિચાર માટે ઉત્સાહિત કરવું પડશે. અશુભ માટે પ્રયત્ન કરવાનો રહેતો નથી, પણ શુભનું બળ જગાડવા માટે શુભ સંકલ્પની જરૂર પડે છે. જેનું આવું સંકલ્પબળ ઓછું, એની અશુભ પ્રત્યે ગતિ વધારે. વળી શુભ વિચાર એક-એક ડગલું ભરી આગળ વધે છે. અશુભ તો હરણફાળ ભરે છે. અશુભ માંકડાની ચળ છે, તો શુભ એ સસલાની દોડ છે. અશુભ એ કોઈનું અહિત કે અનિષ્ટ કરવાનો વિચાર આવે કે તરત જ એના પરિણામનો અને એમાંથી મળનારા તીવ્ર આનંદનો વિચાર કરવા માંડે છે. 32 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 33
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy