SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ યાદી અને ડાયરીનું સમયપત્રક જરૂરી છે ! સાવ નજીક હોય તેનું ઘણી વાર સદંતર વિસ્મરણ થાય છે. વ્યક્તિની પડખોપડખ નહીં, પણ સાથોસાથ એનો સમય વીતતો હોય છે, પરંતુ પોતાના સમયના મૂલ્ય અંગે એ સહેજે સભાન હોતો નથી. સમયની ચિંતા કરનારી વ્યક્તિઓ બે પ્રકારે સમયનું આયોજન કરતી હોય છે. પહેલા પ્રકારની વ્યક્તિઓ રાત્રે સૂતી વખતે પછીના દિવસની આખી રૂપરેખા બનાવે છે. આવતીકાલે જ્યાં જ્યાં જવાનું હોય અને જે કાર્ય કરવાનાં હોય, તેને માટે યોગ્ય સમય ફાળવશે. વિદ્યાર્થી જેમ સમયપત્રક લઈને વર્ગમાં જાય, એ રીતે આવી વ્યક્તિ સવારે ઊઠીને એ સમયપત્રક પ્રમાણે કામ કરશે. આ સમયપત્રકનું આયોજન પણ એવું હશે કે જેમાં મહત્ત્વનાં કામોની અગ્રતાક્રમે નોંધ કરવામાં આવી હોય. એમાં પણ જે તત્કાળ અને અતિ આવશ્યક હોય, એ યાદીમાં સૌથી મોખરે હશે. સમયપત્રક પ્રમાણે કામ ચાલે એ માટે વ્યક્તિએ પૂરતી તૈયારી રાખવાની હોય છે અને અણધારી ઘટનાઓ માટે પણ એણે જોગવાઈ રાખવી પડે છે. સમયપત્રક તૈયાર થયા પછી એનો ચુસ્ત રીતે અમલ કરવો પડે છે. બીજા પ્રકારના સમયની ખેવના કરનારા લોકો દિનચર્યા પૂર્ણ થયા બાદ ડાયરી ખોલીને દિવસભરના કામની નોંધ કરે છે અને વિચારે છે કે આજે કરેલાં કામોમાં કેટલો સમય આપ્યો છે. ક્યાંય કોઈ કાર્યમાં વધુ પડતો સમય વેડફી નાખ્યો નથી ને ! એનો વિચાર કરશે અને એ રીતે પોતાના જીવનને સમયની બાબતમાં શિસ્તબદ્ધ રાખવાની કોશિશ કરશે. આમ જે સમયનું વ્યવસ્થિત આયોજન કરે છે, એ જ જીવનનું વ્યવસ્થિત આયોજન કરી શકે છે. સમયનું યોગ્ય આયોજન એ જ કાર્યસિદ્ધિની સીડી છે ! ૨૫ પ્રશંસામાં સાવ કંજૂસ અને નિંદામાં અતિ ઉદાર નીવડેલા કલાકારને પણ પ્રેક્ષકોને કહેવું પડે કે ભાઈઓ અને બહેનો ! આ કાર્યક્રમમાં તાલીઓ પાડવા પર કોઈ ટૅક્સ નથી ! નાટકના રંગમંચ પર અભિનેતા સુંદર અભિનય કરે અને દર્શકો આનંદિત થાય, પણ તાલીઓ ભાગ્યે જ સંભળાય. પશ્ચિમના દેશોમાં કોઈ સુંદર ખેલ જુએ અને લોકો કલાકારને તાલીઓના હર્ષધ્વનિથી વધાવી લે છે. ઇંગ્લેન્ડના રંગમંચ પર ઘણી વાર નાટક પૂર્ણ થયા બાદ કલાકારો મંચ પર આવે, ત્યારે પ્રેક્ષકોના ઊભા થઈને લાંબા સમય સુધી એમને તાલીઓથી વધાવતા જોયા છે. આપણે પ્રશંસામાં અનુદાર અને નિંદામાં ઉદાર છીએ. એક કલાકારને માટે કલદાર કરતાં પ્રેક્ષકોનો આનંદ વધુ મહત્ત્વનો હોય છે. આપણે આનંદ અનુભવીએ છીએ, પણ એની અભિવ્યક્તિને ગુંગળાવી નાખીએ છીએ. ઉત્કૃષ્ટ કલાકાર પણ તમારી પાસેથી અભિવાદન અને ઉત્તેજન ઇચ્છતો હોય છે. પ્રત્યેક વ્યક્તિના અંતઃસ્તલમાં ઊંડેઊંડે પ્રશંસાની ખેવના હોય છે. યોગ્ય પ્રશંસા એ વ્યક્તિને પોતાના કામના શિરપાવરૂપ લાગે છે. આમેય પ્રશંસાની ઇચ્છા એ વ્યક્તિની ભીતરી પ્રવૃત્તિનો એક હિસ્સો છે. એ સાચું છે કે આવી પ્રશંસા કે અભિવાદન ખુશામત ન હોવી જોઈએ. એ પ્રશંસા સ્પષ્ટ હોવી જોઈએ, તત્કાળ કરવી જોઈએ અને એ હૃદયથી પ્રગટેલી હોવી જોઈએ. તમે જેની પ્રશંસા કરો, કશાય વળતરની આશા વિના કરજો. વળી ભવિષ્યમાં તમે આવું કાર્ય કરો તો એ વ્યક્તિ આવી જ રીતે તમારી પ્રશંસા કરે, એવી અપેક્ષા પણ કદી રાખશો નહીં. તમારા હૃદયને વફાદાર રહીને તમે કરેલી પ્રશંસામાં સચ્ચાઈનો અંશ હોય છે, જે સામી વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે. એને માટે આવી પ્રશંસા એ પ્રગતિનો રાહ રચનારી, આદરેલા સાહસની વૃદ્ધિ કરનારી અને કાર્ય પ્રત્યે સંતુષ્ટિ આપનારી હોય છે. 26 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 27
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy