SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ એમના ભીતરમાં ધરબાયેલા અને હૃદયના કોઈ ખૂણે ધકેલાઈ ગયેલા તેજનું શિક્ષણના માધ્યમથી પ્રાગટ્ય કરવું છે. એ વિચારવા લાગ્યો કે આ પૃથ્વી કેટલાં બધાં રત્નોથી ભરપૂર છે! ગરીબ અને તવંગર, યુવાન અને વૃદ્ધ, ભિન્ન ભિન્ન આકાર અને કદના રંગબેરંગી માનવોથી પરિપૂર્ણ છે. અરે ! આ દુનિયા તો એક સરસ મજાના ફૂલબુટ્ટા ધરાવતી નકશીદાર ચાકળા જેવી છે અને એમાં દરેક વ્યક્તિની અંદર એક મૂલ્યવાન રત્ન છુપાયેલું છે. એ રત્નનો પ્રકાશ પામવાને માટે તમારે તમારી ભીતર જોવું પડે અને હૃદયના કોઈ ખૂણામાં છુપાયેલા એ હીરાને શોધી શોધીને બહાર આણવો પડે. બસ ! મારે કોઈ પણ ભોગે આ કામ કરવું. સાગરના તળિયે જઈને મોતી ખોળી લાવું ! આ વિચાર અને ભાવના સાથે એફરેને પોતાની શિક્ષણપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. સોળ વર્ષના આ યુવાનને એક સ્વપ્ન લાધી ગયું હતું. પોતાના આ સ્વપ્નના સથવારે કમ્પ્યૂટર ટેક્નોલૉજીમાં પદવી ધરાવનાર એફરેને કામગીરી શરૂ કરી. સામે ગટરના કીડા જેવું જીવન જીવતાં બાળકોને સુધારવાની વાત હતી અને એ માટે એફરેને વીસ સભ્યોની સાથે એક ફ્રેન્ડશિપ ક્લબ શરૂ કરી. આ ક્લબમાં એફરેનને સહુ કોઈ ‘ક્યુઆ એફ’ એટલે કે ‘બ્રધર એફ’ તરીકે ઓળખતા હતા. એણે પાંચથી પંદર વર્ષનાં રખડુ બાળકો માટે એક રમણીય કલ્પના કરી. એણે એમને ગુનાખોરીની જિંદગી જીવવાના વિકલ્પમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એ સતત કહેતો કે શાળાએ જવાની વયનાં બાળકોને માટે શાળામાં પાછા મોકલવાં છે. પોતાના સ્વપ્નની સિદ્ધિ માટે એફરેને હાથલારીઓમાં પુસ્તકો, લેખનસામગ્રી, ટેબલો અને ખુરશીઓ રાખવાનું શરૂ કર્યું. એની આ ઠેલણગાડીમાં બાળકોને અને સમય જતાં નિરક્ષર વડીલોને પણ લખવાવાંચવાની સુવિધા ઊભી કરી. આટલેથી એફરેન અટક્યો નહીં ! એનું સ્વપ્ન તો આવાં બેહાલ બાળકોના ભીતરનું તેજ પ્રગટ કરવાનું હતું. ધીરે ધીરે ઠેલણગાડીમાં ચાલતી નિશાળમાં ગરીબ બાળકોનાં કૌશલ્ય વધારવાના કાર્યક્રમો અને સ્વ-વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન કરવા લાગ્યો. આ બાળકોમાં જીવનનું મહત્ત્વ, પોતાની જાતની ઓળખ અને યુવાનીમાં નૈતિકતાનાં મૂલ્યો વિશે સભાનતા કેળવવાનું કામ શરૂ કર્યું. એની આ હાથલારીમાં ચાલતી શાળામાં અથવા કહો કે ગતિશીલ વર્ગખંડમાં ગરીબ અને રખડુ બાળકોને ગણિતશાસ્ત્રથી માંડીને આરોગ્યશાસ્ત્ર સુધીના વિષયો 68 * જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy