SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પરાક્રમી સેચનક ખાઈમાં ભડભડતી જ્વાલાઓમાં જલી રહ્યો હતો. એના મુખમાંથી એક ચીસ પણ નીકળતી નહોતી. બધા લોકો એને ભાવથી નીરખી રહ્યા. પુરુષ તો આવો અર્પણભાવ ભાગ્યે જ બતાવે, પણ સતી થનારી આર્ય રમણીઓના ચિતાસ્નાનની પવિત્રતાને પણ ભુલાવે એવો આ પ્રસંગ હતો. વૈશાલીમાં આ વાતની વાયુવેગે ખબર પડી ગઈ. અને વૈશાલીના રાજાઓ પાલખીઓમાં બેસીને ત્યાં આવી પહોંચ્યા. નગરસુંદરીઓ પણ શોકપૂર્ણ વદને ત્યાં આવી પહોંચી. કોઈ મહાન પુરુષની સ્મશાનયાત્રામાં નગરલોકના ટોળેટોળાં ઊમટે એવુ દૃશ્ય રચાઈ ગયું. વા ફરી ગયો, અને જાણે વાત પણ ફરી ગઈ. ગઈ કાલે સેચનકની નિંદા કરતાં નગરલોકો આજ એનાં બબ્બે મોંએ વખાણ કરી રહ્યાં. ‘અરે, એક પશુએ માનવજાતને સ્વામીભક્તિની શિખામણ આપી. આવા આત્માઓ માટે તો મૃત્યુ-ઉત્સવ ઊજવવો જોઈએ.’ થોડી વારમાં સુરંગમાં પાણી છંટાયા, દોરડાં નાંખવામાં આવ્યા, ને ગજરાજનાં અસ્થિફૂલ એકત્ર કરવામાં આવ્યાં. નગરસુંદરીઓએ એ ફૂલને સુવર્ણકલશમાં મૂક્યાં. નગરવધૂઓએ ગીત આરંભ્યાં. વૈશાલીની સેના સલામીએ આવી. વૈશાલીના રાજાઓ મૂક વદને આગળ ચાલ્યા. સરઘસ વૈશાલીની શેરીઓમાં ફર્યું. ફરીને એક ચત્વરમાં ઊતર્યું. ત્યાં એકત્ર થયેલી માનવમેદનીએ સ્તૂપની રચના કરી અને અસ્થિને એમાં પધરાવી દીધાં. વૈશાલીમાં આવા સ્તૂપો અનેક હતા. દેશ માટે અર્પણ થનાર વીરોનાં એ સ્મારક હતાં. એ સ્તૂપ વૈશાલીના ગૌરવનાં સીમાચિહ્નો લેખાતાં. હલ્લકુમારે આ પ્રસંગે પ્રવચન આપતાં કહ્યું, ‘ગજરાજ સેચનક સામાન્ય આત્મા નહોતો. એ દેવતાઈ હાથી હતો. જે લડાઈમાં એ જતો, એ લડાઈ ફતેહ થતી. મગધરાજે એને રાજહાથી તરીકે સન્માન્યો હતો.' વિહલ્લકુમાર વાત કરતાં થોભ્યા. એમનું મન હવે આગળની વાત કહેતાં આર્દ્ર થયું હતું. લોકો બોલ્યા, ‘તમને એ હાથી કેવી રીતે મળ્યો, તેની કથા અમને કહો.' ‘અમને સેચનક કેવી રીતે મળ્યો, અને તે લડાઈનું નિમિત્ત કેવી રીતે બન્યો, તે સઘળું કહું છું. મગધરાજ શ્રેણિક બિંબિસારને અનેક પુત્રો હતા. એમાં અભયકુમાર વડા હતા, પણ તે વૈશ્ય માતાનું સંતાન હતા. ક્ષત્રિયજાયો જ ગાદી પર આવે, એવી રાજતંત્રોમાં રૂઢ માન્યતા છે. આ કારણે અમારા ભાઈ અશોકચંદ્ર, જેમનું બીજું નામ કુણિક છે, એ ભારે વિવાદ કરતા. પણ અભયકુમાર તો સહુને વિવાદ કરતા રાખી 118 D શત્રુ કે અજાતશત્રુ પોતે વૈરાગી બની ચાલતા થયા. ‘આ વખતે અમારા પિતા શ્રેણિક બિંબિસાર જીવતા હતા. તેઓએ વિચાર્યું કે અભયકુમાર પછી રાજગાદી ઉપર જેનો હક્ક લાગે એવો યુવરાજ અશોકચંદ્ર અતિ મહત્ત્વાકાંક્ષી છે. કાલે બીજા પુત્રોને કંઈ લાગ-ભાગ ન પણ આપે-એ શંકાથી એમણે બધા કુમારોને કંઈ ને કંઈ વહેંચી આપ્યું. તેમાં અમને બંને ભાઈઓને થોડી જાગીર આપવાની સાથે ગજરાજ સેચનક અને એક દિવ્ય હાર આપ્યો. પણ જેમ નદી નાનાં નાનાં ઝરણાંથી પુલકિત રહે છે ને સાગર હજાર હજાર નદીઓનો સંગમ પામીને પણ ખારોધ રહે છે, એમ રાજા અશોકચંદ્રને અમને મળેલી આ વસ્તુઓ ખટકવા લાગી. ‘પિતાજી વૃદ્ધ થયા હતા. યુવરાજ અશોકચંદ્ર જ મોટે ભાગે રાજકાજ કરતા. તેઓએ રાજમંડળને પોતાનું કરી પિતાજીને કેદમાં નાખ્યા ને પોતે ગાદીપતિ બન્યા. પિતાજીનું ન કળી શકાય તે રીતે મૃત્યુ થયું ને રાજા અશોકચંદ્ર નિર્ભય થયા. તેઓએ પહેલો પંજો અમારા પર ઉગામ્યો. એમાં નિમિત્ત બન્યાં પદ્મારાણી. એમણે હાથી અને હારની માગણી કરી. સંભવ છે, એમણે એ નિર્દોષ ભાવે માગ્યાં હશે, પણ રાજકારણમાં અનેક શંકા-ચુડેલો રાસડા લેતી ફરે છે. અમને લાગ્યું કે અમારી પાસેથી બધું પડાવી લેવાનો આ દાવ છે ! અમે બંને વસ્તુ લઈને ભાગ્યા ને અહીં આવ્યા.' ‘અમારું મોસાળ વૈશાલી છે, પણ અમને તો આ આખો પ્રદેશ મોસાળ જેવો વહાલો લાગ્યો. અમે વૈશાલીની નાગરિકતા સ્વીકારી. ને બીજી તરફથી મગધે અમને ચોર ઠરાવી ચોરીના માલ સાથે સુપરત કરવાની માગણી કરી; નહિ તો યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું. પરિણામે હાથી સેચનકને કારણે વૈશાલીને યુદ્ધ જાહેર કરવું પડ્યું. અને સેચનક યુદ્ધ લડતાં ખપી ગયો ! શત્રુ જ્યારે શૌર્યથી ફાવતો નથી ત્યારે ષત્ર્યંત્રનો આશ્રય લે છે. રાજગૃહી પાસે એવા મહાન ષડયંત્રકારીઓ છે. હવે સમજ પડે છે કે તેઓએ આ ખાડો ખોદી એમાં અગ્નિ પાથર્યો હશે, પણ સર્ચનક તો આવી ખાઈઓથી નાનપણથી જ જાણીતો હતો. એ ખાઈથી દૂર રહેવા લાગ્યો, પણ આપણે એનું રહસ્ય ન સમજી શક્યા. કેટલાક ભયોને જાનવર જાતસંજ્ઞાથી પારખે છે. આપણે એ વસ્તુને એની કાયરતા માની. આખરે આપણા સત્યાગ્રહ સામે એણે આત્મસમર્પણ કર્યું. આહ, આવા જાનવરને જનસમૂહની વંદના હજો !’ વિહલ્લકુમાર આટલું બોલતા બોલતા ઢીલા થઈ ગયા, ને બાળકની જેમ રડી પડ્યા. હલ્લકુમાર તો આ કથાશ્રવણની સાથે જ આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવી સેચનકનું સમર્પણ – 119
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy