SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એમ તો પ્રજાના અધિકારો રાજતંત્રમાં પણ હતા. પણ જ્યાં સુધી એ કોઈ સ્થાપિત હકવાળા સાથે અથડામણમાં ન આવે ત્યાં સુધી જ જળવાતા. પણ હવે તો એક જ કાટલે પ્રજા અને રાજકર્તા વર્ગ જોખાતો હતો. છેલ્લા વખતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર મગધમાં વધુ ઘૂમતા થયા હતા. ને લોકોને વહેમ હતો કે તેઓ ધર્મચર્ચાની આડમાં ગણતંત્રના સિદ્ધાંતોનો પ્રચાર કરે છે. તે બંને રાજસંન્યાસીઓ વ્યક્તિસ્વાતંત્ર્યમાં માનતા. યજ્ઞ કે જેનાથી શ્રીમંતો ને રાજાઓ પોતાનો વૈભવ દેખાડી શકતા, તેનો તેઓ વિરોધ કરતા. જોકે યજ્ઞનો વિરોધ તો આ પહેલાં પણ હતો, એટલે એ કંઈ સાવ નવી વાત ન હતી; પણ એમનો ચારે વર્ણ સમાન હોવાનો સિદ્ધાંત ભારે ભયંકર હતો; એમની એ વાત કોઈ રીતે ગળે ન ઊતરતી. એની સામે સજ્જડ વિરોધ જાગ્યો હતો. લોકો તો માનતા કે નક્કી, ગણતંત્રના લોકોનો આ પ્રચાર છે. તથાગતે ‘બહુજનસુખાય ને બહુજનહિતાય'નું સૂત્ર પ્રસાર્યું, એમાં રાજાના સુખ માટે, સામંતના સુખ માટે એવો કોઈ ઉલ્લેખ નહોતો. ભગવાન મહાવીરે ‘સવી જીવ કરું શાસનરસી'ની હાકલ કરી. સહુ જીવને સમાનતા મળે તો જ શાસનપ્રેમ જાગે. અરે, શું તમારા શાસનમાં શુદ્ર, હીન, અંત્યજ બધાને સમાવશો? સહુને એક આરે પાણી પાશો ? એક વાર વર્ધમાન આવ્યા કે રાજા બિંબિસાર ભગવાન બુદ્ધના અનુયાયી બન્યા છે, અને એમણે હિંસક યજ્ઞો બંધ કર્યા છે. વાત તો સામાન્ય હતી, પણ એક યજ્ઞ જતાં અનેકના હક પર તરાપ પડતી હતી, અનેકના પેટ પર પાટું પડતું હતું. બ્રાહ્મણો, જે આમાં સાર્વભોમ સત્તા જમાવતા, તેઓની સત્તા ચાલી ગઈ. પશુપાલકો ને બીજી સામગ્રીનો વેપાર કરનારાઓને પણ આમાં બહુ સહન કરવાનું આવ્યું. યજ્ઞ પછી યુદ્ધ પ્રત્યે પણ નારાજગી દેખાવા માંડી. એક દહાડો બિંબિસાર ભગવાન મહાવીરના અનુયાયી બન્યા ને યુદ્ધને દેશવટો મળ્યો. શત્રુ સાથે પહેલાં વાત કરવામાં પણ અપમાન લેખાતું, હવે છડેચોક વાટાઘાટો ચાલતી. ને થોડુંઘણું આપીને પણ યુદ્ધ રોકી શકાય તો રોકવામાં સહુ માનતા. યુદ્ધ ગયું એટલે સામંતવર્ગનાં અને સેનાનાં લાડ પણ ઓછાં થયાં. પહેલાં બ્રાહ્મણોનું વર્ચસ્વ ગયું હતું; હવે ક્ષત્રિયોનું વર્ચસ્વ ઓછું થયું. ઓછામાં પૂરું એક શૂદ્ર પાસેથી રાજાએ વિદ્યા લીધી. એ શૂદ્ર દૂર બેઠો બેઠો રાજબાગની કેરીઓ મંગાવતો. રાજા કહે, આ વિદ્યા મને બતાવ. શૂદ્ર કહે, શિષ્ય બનો તો શિખાય. રાજા નીચે બેઠો, ને શૂદ્ર સિંહાસને બેઠો. વિદ્યા લીધી. પણ આથી એક સામાન્ય સિદ્ધાંત પ્રચલિત થયો કે ગા વાળે તે ગોવાળ; લડે તે ક્ષત્રિય; વિદ્યા 36 D શત્રુ કે અજાતશત્રુ આપે તે બ્રાહ્મણ; વેપાર કરે તે વૈશ્ય અને સેવા કરે એ શૂદ્ર ! સહુ કામ સરખાં. એમાં ઊંચ-નીચ કોઈ નહિ. સહુ સમાન. મગધમાં આ બધી વાતોએ એક પક્ષમાં આનંદ ને બીજા પક્ષમાં ચિંતા પેદા કરી હતી. અને મોટી ચિંતા તો એ હતી કે મગધરાજ શ્રેણિક ખુદ નવી હવાના પક્ષમાં હતા. વાડ ચીભડાં ગળે એવો ઘાટ લાગતો હતો. આખરે, રાજકારણમાં સદા બનતું આવ્યું છે એમ, સેનાપતિઓ, સામંતો ને સ્થાપિત હિતવાળાઓનું એક મંડળ એકત્ર થયું . એ મંડળને મહાન જ્ઞાની અને મહાન વૈજ્ઞાનિક સંન્યાસી દેવદત્તે સંબોધ્યું. એણે છેલ્લે છેલ્લે સહુને રહસ્ય આપતાં કહ્યું, ‘ચિંતા ન કરશો. મહારાણી પદ્મા, મહામંત્રી વસકાર અને યુવરાજ અશોક આપણી સાથે છે !' બધેથી ખુશાલીના પોકારો થયા, અને આ કાર્ય માટે એક સમિતિ નીમવામાં આવી. સમિતિના મુખ્ય નિયામકો યુવરાજ અશોક અને મહામંત્રી વસકાર વચ્ચે ખૂબ ગુપ્ત રીતે ચર્ચાઓ ચાલી. યુવરાજ અશોકે કહ્યું, ‘મારા સિંહપાદ સૈનિકો તૈયાર છે. મૂળને ડામવા સિવાય આ વિષવૃક્ષને ઊગતું કોઈ રોકી શકે નહિ.' સંન્યાસી દેવદત્તે કહ્યું, ‘મૂળમાં આપના પિતા છે, એનો આપને ખ્યાલ હશે જ. યુવરાજે માથું ધુણાવ્યું ને કહ્યું, ‘મારી પ્રતિજ્ઞા છે કે વૈશાલીને ખંડેર બનાવીને છોડીશ. ગણતંત્ર મરકીના રોગ કરતાં પણ ભયંકર છે. રોગથી એક માણસ જ મરે છે. આમાં તો કુળનાં કુળ ભિખારી થઈ ભૂખે મરતાં થાય છે.’ મહામંત્રી વસકાર જે અત્યાર સુધી શાંત હતા, એ ધીરેથી બોલ્યા, ‘મેં મારા જીવનના અંતિમ દિવસો આ માટે જ ખર્ચવાનો નિર્ણય કર્યો છે. કિલ્લો તોડવા માટે આડા ઊંટ ઊભા રાખી હાથીને છોડવામાં આવે છે. હાથી જોરથી ધક્કો મારે છે. ઊંટ દરવાજાના ખીલામાં વીંધાઈને મૃત્યુ પામે છે, ને દરવાજો તૂટે છે. વિજય ગજરાજના નામ પર અંકાય છે. રાજકારણમાં મંત્રીનું સ્થાન ઊંટનું છે.' ‘હાથી પણ પાછા નહીં પડે મંત્રીરાજ ! આપ અને મહાભિખ્ખુ દેવદત્ત મારા ગુરુસ્થાને છો.' યુવરાજે કહ્યું. ‘અહીં માત્ર બળનું કામ નથી, કળનું પણ કામ છે. જો પ્રજા સવેળા જાગી ગઈ તો કામ મુશ્કેલ છે.' મહામંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી. “આપ અને મહાસંન્યાસી દેવદત્ત જે આજ્ઞા આપો એ મારે શિરોધાર્ય છે. રાજકૈદીની ગઈકાલ D 37
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy