SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ખોજવાની. એ કાયર આઠ આઠ રાજકુમારોની હત્યા કરીને આખરે નાસી છૂટ્યો ! અરે, પણ નાસી નાસીને છેવટે જશે ક્યાં ? અજાતશત્રુના હાથ બ્રહ્માંડને વીંટી વળી શકે એવા છે. પણ ગણનાયકનો ક્યાંય પત્તો નહોતો મળતો, અને જેમ જેમ પત્તો નહોતો મળતો એમ એમ મગધપતિનો ક્રોધ બમણો થતો જતો હતો. સામે આઠ રાજ કુમારની એક્યાસી રાણીઓ પોતપોતાના પતિના હત્યારાને જીવતો યા મૂએલો જોવા માગતી હતી, અને ત્યાં સુધી અંતિમ સંસ્કારની ના પાડતી હતી. મગધપતિની તમામ શોધ નિરર્થક થઈ. આખરે વિધવાઓએ શોધ આદરી. એ શોધમાં પણ સફળતા પ્રાપ્ત ન થઈ. ભયંકર બોકાસો બોલી ગયો. મગધરાજે ખાવું-પીવું મૂકી દીધું ને ભમવા માંડ્યું. પણ એ ભ્રમણનો કંઈ અર્થ નહોતો. મરનાર કુમારોની પત્નીઓ ક્રોધે ભરાઈને કહેતી હતી, ‘રે અજાતશત્રુ, તું ખરેખર અમારો શત્રુ નીવડ્યો ! અમને વિધવા બનાવી, હવે તું તારી રાણીઓ સાથે રંગમહેલમાં સુખેથી રંગરાગ માણીશ, કાં ?” મગધપતિ જેવો મગધપતિ આનો જરા સરખો પણ જવાબ ન વાળી શકતો. અને હવે તો પ્રજામાંથી પણ ભયંકર પોકારો આવતા હતા : ‘રે રાજા ! શા કાજે આ યુદ્ધ ને આ આગ ? આનાથી તેં શું હાંસલ કર્યું ? એક મૂઠીભર માનવીઓના સ્વર્ગ કાજે તેં પૃથ્વી પર રૌરવ નરક માં ઉતાર્યું ? ઓ સ્મશાન નગરીના સ્વામી ! જા, અમારા પુત્ર, પતિ ને ભાઈનાં મડદાંનો મહારાજા થા !૨, તારા જેવા પાપિયાનું મોં પણ પ્રાતઃકાલે કોણ જોશે ? એક માણસની હત્યા કરનાર-કરાવનાર ખૂની-હત્યારો લેખાય છે; તેં કેટલી હત્યાઓ કરી ? તને શેનું બિરુદ આપવું ?” અને જાણે આ બોલ અસહ્ય થઈ પડ્યા હોય એમ અજાતશત્રુ સ્મશાનભૂમિ સમી બનેલી સંગ્રામભૂમિ તરફ દોડી ગયો. ત્યાં પેલી બે સ્ત્રીઓ મડદાંઓની દુર્ગધ વચ્ચે, કાળી રાતે ઘૂમતી હતી. તેઓના હાથમાં શીતળ જળના કુંભ હતા અને તેઓના મુખમાં શાંતિનો મંત્ર હતો. અજાતશત્રુએ શાંતિથી એ મંત્ર સાંભળ્યો. અને તરત યાદ આવ્યું કે એક મંત્ર તો ભગવાન બુદ્ધની પરિષદામાં સાંભળ્યો હતો : બહુજનસુખાય, બહુજનહિતાય - - ઝાઝા માણસોને સુખ મળે એ રીતે જીવો ! ઝાઝા માણસોનું હિત થાય એ રીતે જીવો ! અરે, આ વાક્યોમાં તો નરવા ગણતંત્રની હિમાયત છે, ને હું આ શું કરી બેઠો ? પોતાને પહાડ જેવો અડોલ ને વજ જેવો વીર માનનાર અજાતશત્રુ ક્ષણભર વિમાસણમાં પડી ગયો. પછી એ બીજો મંત્ર યાદ કરી રહ્યો : 356 | શત્રુ કે અજાતશત્રુ સર્વે જીવો સુખને ઇચ્છે છે – જેમ તું ઇચ્છે છે તેમ ! સર્વે જીવો જીવનને ઇચ્છે છે – જેમ તું ઇચ્છે છે તેમ ! અન્ય જીવોનું પ્રિય એ તારું પ્રિય બનો ! અરે, આ મંત્ર તો ભગવાન મહાવીરની પરિષદામાં સાંભળ્યો હતો. આવા મંત્રોથી કેવળ લાગણીના વેવલાવેડા વધે છે, એમ કહીને આજ સુધી મેં એનો તિરસ્કાર કર્યો હતો. પણ આજે એ મંત્ર પોતાના વિજયી છતાં વિષાદપૂર્ણ હૈયાને આશ્વાસન આપતો લાગ્યો. તપ્ત હૈયા પર કોઈ શીતળ વાદળી જલવર્ષા કરતી લાગી. એ થોડી વાર ત્યાં ઊભો રહ્યો, પછી ધીરેથી આગળ સર્યો, ને પેલી બે સ્ત્રીઓની નજીક જઈ ઊભો. સ્ત્રીઓનો વેશ વિચિત્ર હતો : કોઈ વાર એ સ્વર્ગની પરી જેવી લાગતી, તો કોઈ વાર સ્મશાનની ડાકણ જેવી લાગતી. બન્નેની પીઠ જોતાં નક્કી ચુડેલ જણાતી. એમની પીઠ પર પાટા, મલમ અને પાણીની બતકો હતી. કોણ છો તમે ?' રાજાએ પૂછવું. ‘અમને પૂછનાર તું કોણ છે ?” ‘હું...' રાજા થંભ્ય ને પછી બોલ્યો, ‘હું અજાતશત્રુ ! મગધપતિ !' ‘તું અજાતશત્રુ ? ના, ના, તું જગતશત્રુ ! તું મગધપતિ ? ના, ના, તું મૃત્યુપતિ યમ ! અમે તને અમારું નામ નહિ આપીએ.” ‘આપવું પડશે.’ મગધરાજે દમ ભિડાવ્યો. ‘નહિ તો...?” ‘નહિ તો... સ્ત્રી છો, એટલે શું કરું ? છતાં નાક કાપી લઈશ.” ‘આટલાં નાક, કાન ને મસ્તક કાપ્યા પછી પણ જો તારા આત્માને શાંતિ ન વળી હોય તો લે કાપી લે !' એક સ્ત્રીએ આગળ વધીને પોતાનું મોં આગળ ધર્યું. રાજા એ મોં જોઈ પાછો હટી ગયો; આશ્ચર્યમાં ધ્રૂજી રહ્યો. સર્વનાશ ! 357
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy