SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 44 મુનિનું સમર્પણ ‘પ્રેમ ચિરંજીવ હો !' આકાશમાં જયધ્વનિ ગુંજી રહ્યો. આ તો વિના શસ્ત્રની લડાઈ. રક્તદાનની સંપૂર્ણ તૈયારી સાથે પ્રેમીસમાજ મેદાને પડયો હતો. આ સમાચાર મગધના સેનાપતિ પાસે વહેલાં પહોંચી ગયા હતા. વૈશાલીમાં પ્રમુખ અને સેનાપતિ જુદા હતા. મગધમાં જે રાજા એ જ સેનાપતિ હતો, અને એ સેના સાથેના સતત સંપર્કનું મહત્ત્વ બરાબર સમજતો હતો. મગધ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રેમીસમાજનો સામનો શસ્ત્રથી નહિ થાય ! અને આ સમાચારથી પ્રેમીસમાજમાં વિશેષ ભરતી થઈ હતી. કેટલાક જાણીતા યોદ્ધાઓ પણ શસ્ત્રો તજી અહિંસા-પ્રેમનો સૂત્રોચ્ચાર કરતા એમાં જોડાઈ ગયા હતા. તેઓને એવી ખાતરી હતી કે બીજું ગમે તે બને, પણ જાનહાનિ તો થવાની નથી જ. જીતશું કે હારશું, બંને સમાન બનશે. અને આમ જ શનો જશ મળશે, ને જાતરાની જાતરા થશે ! અને જ્યાં મહામુનિ વેલાકૂલ આગેવાન હોય, પછી બીજી ચિંતા પણ શી ? એ મંત્રવેત્તા પણ હતા. કોઈ બાબતથી કોઈના ચિત્તમાં સંક્ષોભ નહોતો. પ્રેમીસમાજની સેના ખૂબ ઉત્સાહપૂર્વક આગળ વધી રહી. મગધની સેના હજી દૂર હતી, અને તેની કૂચ ભારે હતી. થોડી વારમાં મગધની સેનાના શિબિરો નજરે પડ્યા. એ શિબિરોમાં સૈનિકો બેઠા હતા, પણ બહાર કોઈ નહોતું. ફક્ત થોડેક દૂર હાથી જેવું એક મોટું મંત્ર ઊભું હતું. રાજા અજાતશત્રુની યુયુત્સાએ જે નવાં નવાં લડાયક સાધનો સર્જાવ્યાં હતાં, એમાં સૌથી અદ્ભુત અને ભયંકર હતાં બે સંહારયંત્રો : એકનું નામ હતું મહાશિલાકંટક અને બીજાનું નામ હતું રથમુશલ. આ યંત્રો નીરખીને એક વાર તો પ્રેમીસમાજના આગેવાનની અહિંસાની શક્તિમાંથી શ્રદ્ધા ડગી ગઈ હતી, ને હિંસાને જ એ મહાશક્તિ માની બેઠા હતા ! એ બે યંત્રોમાંનું એક યંત્ર સામે જ હતું. એનું નામ મહાશિલા કંટક ! મુનિ વેલાકુલે દૂરથી એ જોયું ને અહિંસા-પ્રેમનો જયજયકાર પોકાર્યો. તરત મગધના શિબિરોમાંથી એક ઘોડેસવાર દોડતો આવ્યો ને બોલ્યો : પ્રેમીસમાજે અહીં આ રેખા પાસે થંભી જવાનું છે, ને પોતાની માગણી મૂકવાની છે.’ ‘સારું ભાઈ !' મુનિ વેલાકુલે કહ્યું ને પોતાના સમાજને ત્યાં થંભાવી દીધો. ‘હવે તમારી માંગણી મૂકો !' મગધના સવારે કહ્યું. ‘મગધ પોતાનું લશ્કર લઈને પાછું ફરી જાય. નહિ તો યુદ્ધ કર્યાનું કલંક તેના માથે આવશે.' મુનિ વેલાકુલે અભિમાન સાથે કહ્યું. સવાર સંદેશ લઈ પાછો ફર્યો ને થોડી વારમાં પાછો આવ્યો ને નમ્રતાથી બોલ્યો, ‘યુદ્ધ એ તો ક્ષત્રિયોનો ધર્મ છે, એ કંઈ કલંક નથી !' ‘રે ! શું તારો રાજા હજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર જેવા કૂતરા-બિલાડી જેવા મુદ્ર ભેદભાવમાં માને છે ?” | ‘દૂત છું. મારાથી સવાલ-જવાબ ન થઈ શકે, પણ મને એવો ખાસ અધિકાર આપ્યો છે માટે કહ્યું છે. માણસના મનમાંથી હલકામોટાપણાની ભાવના નષ્ટ કરી શકાશે ખરી ?” ‘અવશ્ય , અમારો ધર્મ એ જ કહે છે : માનવમાત્ર સમાન.” બુદ્ધિમાન અને મૂર્ખ, રોગી ને નીરોગી, કર્તવ્યભ્રષ્ટ ને કર્તવ્યપાલક, સેનાપતિ ને સિપાઈ, પ્રભુ ને પૂજારી - આ બધા મનુષ્યો સમાન ?' દૂતે હસતાં હસતાં કહ્યું, ‘મારા રાજાએ પુછાવ્યું છે, કે આપનો પ્રેમીસમાજ શું માગે છે ?” ‘યુદ્ધ બંધ કરો ! પૃથ્વી પરથી યુદ્ધ આથમી જવું જોઈએ.’ ‘એ શી રીતે બને ? આપણા મનમાં જે સુર-અસુરનું દ્રુદ્ધ યુદ્ધ ચાલે છે, એ કદી બંધ થયું ખરું ?' દૂત મોટો તત્ત્વવેત્તા લાગ્યો, ‘છતાં યુદ્ધ એક રીતે બંધ થઈ શકે : તમારે વૈશાલીની સત્તા મગધને સોંપી દેવી.' | ‘એમ કેમ બને ? વૈશાલીની સત્તા વૈશાલી પાસે, મગધની સત્તા મગધ પાસે.” મુનિ વેલાકુલે કહ્યું, ‘પ્રેમ તો સહુને સ્વજન લેખે. આ મારું ને આ પારકું એવી ગણતરી તો લઘુચેતસની હોય. શું મગધ લઘુચેતસ છે ?' ‘હા.' “ઓહ ! હીનતા પણ તમને સ્વીકાર્ય છે ?' મુનિ વેલાકુલ બોલ્યા. મુનિનું સમર્પણ 327
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy