SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જતી વખતે તેઓએ કહ્યું કે, ‘ત્યાં બેઠો બેઠો હું પ્રાર્થના કરીશ કે જેઓ માર્ગ ભૂલ્યા છે, તે સાચા માર્ગે આવી જાય, ગણનાયકે અહિંસાનું ખૂન કર્યું છે. યુદ્ધને આવકારવું એનું નામ જો અહિંસાધર્મ હોય તો પછી હિંસા ધર્મ કેવો ? પણ મહામુનિ વેલાકુલથી ગણનાયક ચેટકનો પૂરો પ્રતિકાર ન થઈ શક્યો. પ્રેમીસમાજની માન્યતા એ હતી કે છેવટે ચેટક યુદ્ધ માટે મંદોત્સાહ થઈ જશે; પણ તેમ ન બન્યું. એટલે આવેશમાં આવીને તેઓએ પડકાર સાથે કહ્યું: ‘અમે બીજાના ભૂમિભાગને લેશ પણ દબાવવા ઇચ્છતા નથી. અમે યુદ્ધ પણ ઇચ્છતા નથી. અમે તો માત્ર અમારું સંરક્ષણ ઇચ્છીએ છીએ. અને એ સંરક્ષણ માટે સન્માનભર્યું કોઈ કામ કરવાનું અમે બાકી નહિ મૂકીએ.’ આ નિવેદનના વિવિધ પડઘા પડ્યા. સંથાગારોમાં ગણનાયક અને ગણપતિએ પોતાનાં કામ ચાલુ રાખ્યાં. મંત્રણામાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે ‘આપણે સામે જઈને યુદ્ધ આદરવું, કે આવી પડે ત્યારે યુદ્ધ આપવું ? સામાન્ય રીતે નિયમ એવો છે કે, દુશ્મનને આપણી સીમાઓથી દૂર રોકવો સારો. જો આપણી ભૂમિ પર યુદ્ધ આવે અને ફતેહ આપણને મળે તોય ઘણું નુકસાન સહેવું પડે.” યુદ્ધની દૃષ્ટિથી આ વાત બરાબર હતી, પણ સિદ્ધાન્તની રીતે એ નીતિવિરુદ્ધ હતું. આપણે યુદ્ધ આરંભીએ એનો અર્થ એ કે આપણે સામે ચાલીને યુદ્ધ આપીએ છીએ અને આપણી અહિંસા પોથીમાના રીંગણ જેવી ઠરે. સંથાગારના સભ્ય રાજાઓને આક્રમણની વાત મનમાં યોગ્ય લાગી, પણ એથી વૈશાલી આક્રમક લેખાઈ જાય એમ હતું. અને તો વૈશાલીનું ઊભું કરેલું કીર્તિમંદિર નષ્ટ થઈ જાય. આખરે એક યુદ્ધ પરિષદ યોજવામાં આવી, અને ગુપ્તચરોને સમાચારો લાવીને તેઓને પહોંચાડવાનું કહેવામાં આવ્યું. આમાં ગણનાયક અને ગણપતિ મુખ્ય રહ્યા. ગુપ્તચરોએ પોતાનું કામ ઉપાડી લીધું ને અગત્યની માહિતી લાવી લાવીને પહોંચાડવા માંડી. સમાચારો બહુ અવનવીન આવતા હતા. એક સમાચાર એવા હતા કે, *અજાતશત્રુ પોતાના રાજ્યની આવક કોષમાં એકત્ર કરી રહ્યા છે. અને મગધ અને અંગના યુદ્ધ સિવાયનાં બીજાં બધાં કામો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે.' આ સમાચારો ખાસ અસરકારક ન નીવડ્યા. વૈશાલીનો રાજ કોષ છલોછલ હતો. બીજા સમાચાર આવ્યા, ‘ગંગા અને સોન નદી પરના કિલ્લાઓમાં સમારકામ ચાલી રહ્યું છે. મુખ્ય મથકે નવા સોળ દુર્ગો ખડા કરવામાં આવ્યા છે, જે દરેક દુર્ગને પાયદળ, સવાર, રથ ને હાથીથી સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યા છે. અનાજ અને 288 D શત્રુ કે અજાતશત્રુ પાણી પણ પૂરતાં ભરેલાં છે.' વૈશાલીમાં નવા દુર્ગો ખડા કરવા એ પણ એની આક્રમક નીતિ લાગે, એ માટે તે પર ખાસ લક્ષ આપવામાં ન આવ્યું. વળી શત્રુદળના વિષેશ સમાચાર આવ્યા : અજાતશત્રુએ નૌકાસૈન્ય પણ તૈયાર કર્યું છે. દરેક નૌકામાં કુશળ તીરંદાજોનો બેડો ગોઠવવામાં આવ્યો છે. ને અંદર ફેંકી શકાય તેવા સળગતા અગ્નિગોળા ભર્યા છે. નૌકાની આગળ ખીલા રાખ્યા છે, જે શત્રુનૌકા સાથે ભટકાય તો શત્રુનૌકાને જ નુકસાન કરે.” - ‘આપણું નૌકાસૈન્ય ક્યારનું સંપૂર્ણ રીતે સજ્જ છે. બાકી કેટલીક કૂટનીતિઓ અજમાવવામાં વૈશાલી માનતું નથી.’ યુદ્ધપરિષદે નિર્ણય આપ્યો. ‘યુદ્ધને અને પ્રેમને કોઈ નિયમ સ્પર્શતા નથી.' એકે કહ્યું. પણ તે પર કોઈએ લક્ષ ન આપ્યું. ગુપ્તચરો વળી સમાચાર લાવ્યા કે ‘રાજા અજાતશત્રુએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે, અને વેણુવન ભગવાન બુદ્ધને ભેટ આપ્યું છે, અને જ્યારે ભગવાન બુદ્ધ આવે છે, ત્યારે ગૃદ્ધ ફૂટ સુધી જઈ તેમનો ઉપદેશ સાંભળે છે. રાજા આ રીતે પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે.” ‘વૈશાલીને હવે નવો પ્રભાવ વધારવાનો નથી.’ યુદ્ધ પરિષદે અભિપ્રાય આપ્યો. આ અભિપ્રાય પાછળ બહુમતી હતી. અહીં તો બહુજન કહે, એ સિદ્ધાંત જ સાચો ! ગુપ્તચરોએ કહ્યું : ‘મગધ અને અંગ અત્યારે એક બનીને રહ્યાં છે. અંગને મગધે જીત્યું છે પણ અંદરથી અંગ મગધને ચાહતું નથી, જો અંગ અને મગધ વચ્ચે ભેદ પડાવવામાં આવે તો....' ‘એ કૂટનીતિ અમે ઇરછતા નથી,’ યુદ્ધપરિષદના કેટલાક સભ્યોએ કહ્યું, ‘રાજ્ય નશ્વર છે. કીર્તિ અનશ્વર છે. ભલે વૈશાલી ભાંગીને ભુક્કો થઈ જાય, પણ એનું કીર્તિમંદિર ઢળવા ન દેશો.* કૂટનીતિ એ રાજ્ય માટે મહાનીતિ છે. મહાન્યાયમૂર્તિ મગધના મહામંત્રી વર્ષકારને પૂછો.” એકે વાત કરી. ‘ફૂટનીતિજ્ઞ લેખાતા મહામંત્રી વર્ષકારની સ્થિતિ શું થઈ તે તો તમે જાણો છો ને ?’ સામેથી જવાબ આવ્યો. ‘ખુદ ન્યાયદેવતા વર્ષમાર કહે છે, કે ધર્મનીતિ એ જ સાચી નીતિ છે. જે ધર્મનીતિ પાળશે, એનો જ છેવટે વિજય છે.” | ‘પોપટિયાં વાક્યો ન રટો.’ ગણપતિએ વાતને અટકાવી. એ ક્ષણે ક્ષણે આવતા શત્રુના સમાચારથી વ્યગ્ર બની ગયા હતા. એ બોલ્યા, ‘ધર્મ જીતશે એ સૂત્ર સાચું છે. પણ મહાભારતના યુદ્ધમાં વિજય માટે શું બન્યું તે જાણો છો ? મહારથી ભીમને વિખવાદ D 289
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy