SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણકારે આ રંગીન વૈશાલી જોઈ, એનું ઊર્મિ અને થનગનાટભર્યું જીવન જોયું; નિત્ય આનંદ, નિત્ય ઓચ્છવ, નિત્ય નંદકુમાર જેવા નરને નીરખવા : આમાં વૈકુંઠ કોને વહાલું લાગે ? મરવું કોને ગમે ? સંધ્યાનો સૂરજ ધીરે ધીરે આથમણા આભમાં ડૂબી ગયો, ને નિશાસુંદરી કાળું ઓઢણું ઓઢીને આવી પહોંચી. તારાઓ સુંદરીના સાળુની ટીપકી બનીને ચમકી રહ્યા, ને વૈશાલી નગરી દીવાઓથી ઝળહળી ઊઠી.. અહીં રોજ દિવાળી હતી. અહીંનું જીવન રાતમાં જ જાગતું. મહત્ત્વના નિર્ણયો રાતે લેવાતા. હમણાં હમણાં શ્રમણ સાધુઓનો પગદંડો આ તરફ વધી ગયો હતો; અને તેઓ વારંવાર લોકજીવનમાં દખલ કરતા હતા, બોધ દેવાની એમને ભારે ચળ રહેતી. મોજીલા લોકો રોજ આ કરવું ને આ ન કરવું સાંભળી સાંભળીને કંટાળી ગયા હતા. આખરે આ કંટાળો સંથાગાર સુધી પહોંચ્યો. સંથાગારમાં આ વિશે ભારે ઊહાપોહ જાગ્યો. સામાન્ય રીતે શ્રમણો સામે કંઈ બોલવાની તેમની હિંમત નહોતી; ગણતંત્રના મૂળ નિયમોમાં તેઓનો મોટો હિસ્સો હતો ને બહારની દુનિયામાં એની પ્રતિષ્ઠા પણ એ કારણે જ હતી. પણ અહીંના મનોવિજ્ઞાનશાસ્ત્રીઓએ જાહેર રીતે કહ્યું કે આ પ્રકારના બોધથી માણસની સ્વાભાવિક બુદ્ધિપ્રતિભા કુંઠિત થઈ જાય છે, અને મનમાં સૂતેલું એક તત્ત્વ એવું વિચિત્ર છે કે, જો એને કહીએ કે આ ન કરવું તો એ કરવા તરફ વધારે પ્રેરાય છે; એને આવા બોધથી પ્રોત્સાહન મળે છે. માટે ભલે ઉપાશ્રયો ને વિહારોમાં બોધપ્રદ ભાષણો થાય, પણ છડેચોક આવું બોધપ્રદ ભાષણ કે લેખન થવું હિતાવહ નથી. ગણતંત્ર તો આદર્શ માનવ ઘડનાર તંત્ર છે. વિશ્વમાંથી યુદ્ધને દેશનિકાલ કરવાની ચળવળ ચાલતી હતી. ‘યુદ્ધ નહિ’ - ની પરિષદો ભરાતી, એમાં મહાવીર કે બુદ્ધને બોલાવાતા, પણ માણસનું અંતર તો જૂથમય બની ગયું હતું. પ્રાંતે પ્રાંત કે દેશદેશનો વિરોધ તો દૂર રહ્યો, પણ અહીં એક મહોલ્લો બીજા મહોલ્લાનો વિરોધી બન્યો હતો ! અને ન જાણે પરસ્પર ક્યારે યુદ્ધમાં ઝંપલાવી દેશે, તે કંઈ કહેવાતું નહોતું ! ભગવાન મહાવીરે એક વાર સૂત્ર આપ્યું : “તું તારી જાત સાથે યુદ્ધ કર ! અંદર યુદ્ધ કર ! બહાર યુદ્ધ કરવાથી શું ?' સહુ આ સૂત્રથી વિરુદ્ધ અર્થ અને આચરણ કરીને બેઠાં હતાં. સૌ પોતાની જાતિ સાથે રોજ સંઘર્ષ કરતા, અંદરોઅંદર લેષભાવ કેળવતા અને બહાર શાંતિનાં રણશીંગાં ફૂંકતા : ‘અમે શાંતિપ્રેમી ' વર્ષકારે આ બધું જોયું. એ વિચક્ષણ પુરુષ વૈશાલીના અંતરંગ રાજ કારણની 260 શત્રુ કે અજાતશત્રુ વિચારણામાં ઊંડો ઊતરી ગયો. અચાનક નૂપુરઝંકારથી એની વિચારમાળા તૂટી. એણે જોયું તો મગધપ્રિયાને બોલાવે તેવી એક નૃત્યાંગના છમ છમ કરતી ત્યાં આવી રહી હતી. વિશ્વામિત્રને ચળાવવા આવતી મેનકા જેવી એની રૂપછબી હતી. માણસને પીધા જ કરવાનું મન થાય તેવી એની સૌંદર્યસુધા હતી. એ ઠમક ઠમક કરતી, કમરથી લચકાતી, અંગમરોડ રચતી વર્ષકાર પાસે આવીને નમી રહી. કવિત્વમય બાનીમાં એ બોલી, ‘નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો.’ ‘રે સુભગ ! તું કોણ છે ?' ‘આપે કેમ જાણ્યું કે મારું નામ સુભગા છે ?' નૃત્યાંગના આશ્ચર્ય અનુભવી રહી. ‘કેમ વળી ?' વર્ષકારે પૂરો જવાબ ન આપ્યો. કાકતાલીય રીતે પ્રાપ્ત થયેલ તકનો એ લાભ લઈ રહ્યા. - ‘આપે વગર કહ્યું મારું નામ જાણી લીધું. ખરેખર, આપ માનવદેવ છો, અમારા પૂજનીય છો. આપના ચરણ ચાંપવાની મને અનુમતિ આપો. અમારા શ્રમણો કહે છે કે સાધુના સંગથી મુક્તિ મળે, તો સાધુના સ્પર્શથી તો ન જાણે શુંયે મળે ?” ને નટી આગળ વધી. એ રાજ ની મહાન નાટ્યશાળાની અધિષ્ઠાત્રી હતી. | ‘રે દેવી ! હું બ્રાહ્મણ છું, સ્ત્રીથી અસ્પૃશ્ય છું, એમાંય નટ-વિટ સ્ત્રીઓથી તો ખાસ.' | તમારા દેશ તરફ અમને તિરસ્કાર છૂટે છે. કલાકારો તરફ આટલું હીન વર્તન ! અહીં નટ અને નદીઓને મહામાન્ય રાજ પુરુષો સાથે સ્થાન મળે છે. જુઓ, ખરું કહીએ તો રાજકારણ અમારા રૂપકલાકારોના હાથમાં છે. સંભળાય છે કે મગધ વૈશાલી પર ચઢી આવ્યું છે. હિંસક યુદ્ધ કરવું કે શાંતિનાં કબૂતર ઉડાડવાં એનો નિર્ણય આજે થવાનો છે. શાંતિવાદી જૂથ યુદ્ધના વિપક્ષમાં છે. એ પક્ષ તરફથી હું અત્રે ઉપસ્થિત થઈ છું.’ નૃત્યાંગના સુભગાએ કહ્યું. ‘તમે શું કરશો ?” ‘હું જૂથનાં તમામ સભ્યોને અહીં એકત્ર કરીશ.” ‘તમે કેવી રીતે એકત્ર કરશો ? એ બધાને તમે નિમંત્રણ મોકલ્યાં છે ખરાં ?” વર્ષકારે પ્રશ્ન કર્યો. કોરાં નિમંત્રણથી કોઈ ન આવે. આ તો જનગણનું કામ. એટલે જો તેઓને કાને મારું નામ જાય, હું થોડુંક નૃત્ય કરીશ, એમ તેઓ જાણે તો આવે. માને કે ચાલો, કર્ણનું અમૃત ને ચક્ષુની સુરા તો મળશે.” જૂથબંધી D 261
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy