SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અજાતશત્રુએ પછી મહામંત્રીને શું કર્યું ?” બધેથી આતુરતાપૂર્વક પ્રશ્ન થયો. સુકાલે વાત આગળ ચલાવી : ‘વર્ષકાર મંત્રીનું શું થયું, એ પછી જણાવીશ. પણ એ વખતે મહામંત્રી વર્ણકારે જે કહ્યું તે કહું. વર્ષકાર તો અડોલ પહાડ જેવા ઊભા રહ્યા ને બોલ્યા, ‘ભૂમિ, મિત્ર ને સુવર્ણયુદ્ધનાં ત્રણ ફળ છે. મિત્રતા માગો ત્યારે મળે તે માટે ઉદાર વૈશાલીના હાથ લંબાયેલા જ છે. અને યુદ્ધથી વૈશાલીનાં ભૂમિ કે સુવર્ણ મેળવવાં દુર્લભ છે. યાદ રાખો કે ડુંગરમાં રહેલું ઉદરનું દર શોધતાં સિહ જેવાના નખ પણ તૂટી જાય છે.' ‘આ સાંભળી અજાતશત્રુ રાજાનો મિજાજ ગયો. એણે હુકમ કર્યો કે મહામંત્રીને એના પદેથી હું પદભ્રષ્ટ કરું છું. એનાં ઘરબાર લૂંટી લો, અને એ મરી ન જાય ત્યાં સુધી એને માર મારીને આપણી હદની બહાર ફેંકી આવો !' ‘ને ખરેખર, તેમ કર્યું ?” ચારે તરફથી પ્રશ્નો થયા. ‘હા. પછી વર્ષ કાર પાસેથી રાજ મુદ્રા લઈ લીધી, એને સભામાંથી ઘસડ્યો ને મારવા લીધો. પણ આ વખતે બીજા લોકો વચ્ચે પડ્યા ને બોલ્યા : ‘માથે મુંડો કરાવી, શિખા કાપી લઈ, મોંએ કાજળ ચોપડી, અવળે ગધેડે બેસાડી એને હાંકી મૂકો. એટલી સજા પૂરતી છે. સ્વમાનીને સ્વમાનભંગ મૃત્યુદંડ બરાબર છે. અને તે પ્રમાણે કરીને મહામંત્રીને આપણી હદની સમીપમાં નાખી ગયો છે !' ‘આપણી હદમાં ? વાહ, વાહ ! શું ઉત્તમ યોગ મળ્યો છે ! અરે ! ચાલો, આપણે તેમના સ્વાગતે જ ઈએ.' પ્રજાજનોએ પોકાર કર્યો. ફાલ્ગની ! ચાલો મંત્રીના સ્વાગતે જઈએ.' ના, ના. મને એ મંત્રી તરફ ભાવ નથી. એ આપણા સંબંધને હલકી નજરે નિહાળતો હતો. ખાપણું કામ પૂરું થયું. આપણે હવે પાછા ફરીએ. કર્તવ્યદેહમાં જીવતી મને આજ અપૂર્વ સંતોષ પ્રાપ્ત થયો છે.' ફાલ્ગની મુનિની નજીક જઈને બોલી. ફાલ્યુનીનું યૌવન બહારમાં હતું. મુનિ એ બહારમાં બહારની દુનિયા ભૂલી ગયા. પણ પ્રજાજનો વૈશાલીની સીમા તરફ દોડ્યાં હતાં. અરે, વૈશાલીને મન તો આખી વસુધા કુટુંબસમાન છે. આવાં નરરત્નો પાછળ તો વૈશાલી ઘેલી છે ! સુકાલસેનને બધાએ સાથે લેવા પ્રયત્ન કર્યો, પણ એને મોડું થતું હતું, જલદી ખબર પહોંચાડવાના હતા; એણે વર્ષકાર જ્યાં બેહોશ થઈને પડ્યા હતા, એ ઠેકાણું બતાવી દીધું. એક આખો જનપ્રવાહ એ તરફ વહેતો થયો. અને પ્રજાનો મોટો વર્ગ જેમાં રસ લે એમાં વૈશાલીના રાજ કર્તાઓએ પણ રસ લેવો જ પડે. સહુ ત્યાં પહોંચ્યા ત્યારે ખરેખર, મગધના મહામંત્રી વર્ષકાર નિરાશ વદને 252 શત્રુ કે અજાતશત્રુ એક ઝાડની છાયામાં બેઠા હતા. નિદાઘનો સમય હતો. સુર્ય હજાર કળાએ તપતો હતો. મસ્તકનું મુંડન કરતી વખતે નાપિતે પણ દિલની કસર કાઢી હોય એમ લાગતું હતું. વર્ષકારના મંડિત મસ્તકમાં જ્યાં ત્યાં લોહીનાં ટસિયાં ફૂટ્યાં હતાં. મોં પરનું કાજળ લૂછી નાખ્યું હતું, છતાં કાલિમા તો ત્યાં હતી જ. બધાએ ત્યાં પહોંચી જયજયકાર બોલાવ્યો. જયજયકાર તો દેવોનો હોય. હું તો શુદ્ર માનવ છું.’ વર્ષકારે ઘોર નિરાશામાં પડવા હોય તેમ કહ્યું. અમે સ્થાપિત દેવોનો તિરસ્કાર કર્યો છે. અમે તો હવે તમારા જેવા માનવદેવની પ્રતિષ્ઠા કરીએ છીએ. અમે બધી વાતો સાંભળી છે અને અમને ખાતરી થઈ છે કે તમે ખરેખર, દેવ છો. અમે આજે જ જૂના દેવોને ઉખાડવા-મૂળથી ઉખાડ્યા-અને એ સ્થળે સ્થાપનાને યોગ્ય જીવતા દેવ અમને મળી ગયા. ધન્ય અમે ! ધન્ય વૈશાલી !” વર્ષકારે ધીરેથી ઊભા થઈ, બધાને હાથ જોડતાં કહ્યું, ‘ભાઈઓ ! મહાગુરુ બુદ્ધનાં વચનો મને ખૂબ યાદ છે. તેઓ કહેતા હતા કે જેણે દેવ જોયા ન હોય એણે વૈશાલીનાં નગરજનો જોવાં. તમારા દર્શનથી હું કૃતકૃત્ય થયો છું. હવે મને મારા રસ્તે મારું કલ્યાણ સાધવા જવા દો.' ‘ક્યાં જવું છે, મંત્રીરાજ ?” લોકોએ પ્રશ્ન કર્યો. ‘બ્રાહ્મણ બીજે ક્યાં જાય ? ગંગાતીરે જ તો !' ગંગાતીરે જઈને શું કરશો ?” ‘અગ્નિનું પ્રાશન કરી દેહ પાડી દઈશ.’ ‘ કંઈ કારણ ? અધર્મ તો રાજાએ આચર્યો છે, ને પ્રાયશ્ચિત્ત તમે કરો છો ? આવું તે કંઈ હોય ?” ‘તમને એમ લાગે કે રાજાએ મારા પર જુલમ કર્યો, પણ મારું એક જૂનું પાપ છે; અંતરથી વિચારું છું ત્યારે મને સ્પષ્ટ ભાસે છે કે મારા જૂના પાપનું જ આ ફળ છે.” ‘કર્યું જૂનું પાપ ?' મારા મગધના રાજા શ્રેણિક બિંબિસાર વૈશાલીના ગણતંત્રના પરમ ઉપાસક હતા. તમને યાદ હોય તો વૈશાલીની સાથે લોહીનો સંબંધ બાંધવા તેઓ રાજ કુંવરી ચેલાનું અહીંથી હરણ કરી ગયેલા.” ‘અમને બરાબર યાદ છે. એ વેળા મગધની સુલસા નામની સતીના બત્રીસ પુત્રો ઝપાઝપીમાં ખપી ગયેલા, ને એ બાઈએ આંખમાંથી આંસુનું એક ટીપું પણ પાડેલું નહિ.” એક વૃદ્ધ સામંતે વાત કરી. વર્ષ કાર વૈશાલીમાં 1 253
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy