SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ “અરે, પણ એથી શું કામ સર્યું ! તું રાક્ષસ બન્યો, પિશાચની પ્રતિમૂર્તિ તરીકે પંકાયો. તારા કુળની શી પ્રતિષ્ઠા વધારી ? તારા કુળને તાર્યું ? અને નાનાશા તીરે તારી પ્રતિજ્ઞામાં ધૂળ ભેળવી. લોકો જાણશે ત્યારે તારા નામ પર નહિ થૂંકે ?” રોહિણેય નિરાશામાં બેસી ગયો. તરસથી એનું ગળું સુકાઈ રહ્યું હતું. એણે ચારે તરફ નજર ફેંકી. થોડે દૂર એક નાનો કૂવો દેખાતો હતો. એ કૂવા તરફ ચાલ્યો. કૂવો પાણીથી છલોછલ ભરેલો હતો. એણે કાંઠે બેસી* પીવા માટે ખોબો ભર્યો, પણ તરત કોઈ ગંધે એના નાકને ચમકાવી દીધું. એણે ફરીથી જરા સાવચેતીથી પાણી સૂંધ્યું, અને તરત જ ખોબો ઢોળી નાખી ઊભો થયો : “હટ, આખરે આવો પ્રપંચ ! પાણીમાં પણ કેફી વિષનો પ્રયોગ !" પણ સાથે જ ઝાડ પરથી કોઈના સરકવાનો અવાજ આવ્યો. થાકેલો, નિરાશ બનેલો રોહિણેય સાવચેત બને તે પહેલાં તે બંદીવાન બની ગયો. “દો !” “બરાબર, દગાખોર સાથે દો !" મહામંત્રીએ એના પાશ મજબૂત કર્યા. થોડી વારમાં આજુબાજુ છુપાયેલા સૈનિકોથી એ સ્થળ ઊભરાઈ ગયું. રોહિણેયને મજબૂત રીતે બાંધીને બધા પાછા વળ્યા. આજે સર્વના દિલમાં આનંદ સમાતો નહોતો. મગધનો મહાન ચોર મહામુશ્કેલીએ જીવતો પકડાયો હતો. મહામંત્રીની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી અને મગધની પ્રજાના માથેથી સદા તોળાઈ રહેલી એક આફત પણ ઊતરી ચૂકી હતી. અત્યંત સાવધાનીપૂર્વક બધા પાટનગર તરફ વળ્યા. પણ અરે, આ શું ? કાર્ચીડો પોતાના રંગ બદલે એમ આ રોહિણેય ધીરે ધીરે પોતાની આખી આકૃતિ પલટી રહ્યો હતો. વેશપરિવર્તનમાં નિપુણ રોહિણેય મુદ્રા-પરિવર્તનમાં પણ અજબ કૌશલ્ય ધરાવતો લાગ્યો. છતાંય આખા માર્ગ દરમિયાન રોહિણેય શું કરી રહ્યો હતો, એની સૈનિકોને પૂરી જાણ ન થઈ શકી. જ્યારે તેઓ ગર્વોન્નત મસ્તકે રાજગૃહીની બજારોમાં થઈને નીકળ્યા, ત્યારે તેનું તેમને ભાન થઈ આવ્યું. રાજમાર્ગો, વીથિકાઓ, શેરીઓ ને ઝરૂખાઓ માનવમેદનીથી ભરપૂર હતા. મગધના પાટનગરને લૂંટી શકે અને મહાઅમાત્ય જેવા મહાઅમાત્યને પણ ક્ષણભર હેરાન પરેશાન કરી મૂકે તેવા પુરુષને જોવાની સહુને અજબ ઇંતેજારી હતી. તેમાં પણ જ્યારે તેઓએ જાણ્યું કે સાર્થવાહના વેશે વર્ષો સુધી રોહિણેય ગણિકા દેવદત્તાના પ્રમોદભવનમાં જઈને રહ્યો હતો, ત્યારે તો સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓએ દેવદત્તા પાસેથી તેનું અનેક વાર વર્ણન મેળવ્યું, ને અંતરથી આકર્ષાયેલી દેવદત્તાએ પોતાના રસિયા પ્રીતમના રૂપવર્ણનમાં કંઈ પણ મણા ન રાખી. * આવા કૂવાઓ અત્યારે પણ સમેતશિખર પર્વત (પાર્શ્વનાથ હીલ) પર મોજૂદ છે, જેના કાંઠે બેસી મુસાફર ખોબાથી પાણી પી શકે છે. 172 D સંસારસેતુ આવા વીર, બહાદુર, સુંદર ને ચતુર ચોરને નિહાળવાની ઇચ્છા કોને ન થાય ! નગરજનોને તો કોઈ ને કોઈ સ્વરૂપે રોહિણેય હંમેશાં સ્વપ્નમાં દેખાતો, એટલે સહુએ એની મનઃકલ્પિત આકૃતિઓ નિર્માણ જ કરી લીધી હતી. પણ આ પુરુષ એ કલ્પનાઓથી તદ્દન નિરાળો હતો. “અરે, શું આ જ રોહિણેય !" એક ભડભડિયા પ્રજાજને ઉતાવળમાં બોલી નાખ્યું : “અરે, એના લબડતા હોઠ તો જુઓ ! ઠંડો એનો હાથ તો જુઓ ! દેવદત્તાએ વખાણેલો રોહિણેય શું આ જ ?" સૈનિકોના કાન પર આ ટીકા અથડાઈ. શું ખરેખર રોહિણેય એવો છે ? તેઓએ એના સામે જોયું અને જોતાં વેંત જ આશ્ચર્યમાં ડૂબી ગયા. ક્ષણભર તેઓને પણ વિમાસણ થઈ આવી. આ તો કોક કુટુમ્બી૦ જેવો લાગે છે ! અરે, અનેક ગુપ્ત વિદ્યાઓનો જાણકાર રોહિણય બીજાને બાંધીને છટકી તો નથી ગયો ને ! જેને મહામંત્રીએ પકડ્યો એ આવો નહોતો ! “અરે, પણ એની આંખો તો જુઓ, બિચારાને કીકીઓ જ ક્યાં છે ? રતાંધળો લાગે છે. મહામંત્રીએ ‘આલાને બદલે માલાને’ પકડી લાવવા જેવું તો નથી કર્યું ! આ તો રોહિણય નથી જ !" આમ ટીકાનો વિસ્તાર વધતો ચાલ્યો. લોકો મૂછમાં હસવા લાગ્યા. જે નગરજનોએ લૂંટારા તરીકે એને નીરખેલો, તેઓએ તો ચોખ્ખીચટ ના ભણી કે આ રોહિણેય નથી જ ! કેટલાક ઉત્સાહી નગરજનો દેવદત્તાને પૂછી આવ્યા. જાણે પોતાની આંખ દગો દેતી હોય તેમ એણે વારેઘડીએ ઉઘાડમીંચ કરતાં ધીરેથી ડોકું ધુણાવી ના પાડી. દેવદત્તાની દાસી ઘણીવાર શેખી કરતી કે એ છેલછબીલા સાર્થવાહને સર્વ પહેલાં પાનનાં બીડાં મેં જ આપેલાં. કેટલાક ટીખળી લોકો દોડીને એને ઘસડી લાવ્યા ને પેલા માણસને બતાવીને પૂછ્યું : “બોલ જો, આ જ પેલો સાર્થવાહ ને ? તારી દેવદત્તાની સેજનો સાથી !” દાસી છંછેડાઈ પડી. એને એવા અણઘડ પુરુષનો સંબંધ પોતાની રૂપશાલિની દેવદત્તા સાથે જોડવાથી ખોટું લાગ્યું. એ બોલી : “ફરીથી બોલ્યા છો તો ખબર જ લઈ નાખીશ. અરે, આ માણસ તે કંઈ માણસમાં છે ! મને તો પંઢ જેવો લાગે છે. એની ચાલ ને લાળ ટપકતા હોઠ તો જુઓ !” “અરે, પણ કુમાર મેતાર્યને જ પૂછો ને ?” કુમાર મેતાર્ય રાજમહેલે હતા. એમણે પણ સામેથી જંજીરોમાં જકડાઈને આવતા રોહિણેયને જોઈ કહ્યું : “મહારાજ ! આ શું ? આ રોહિણેય ન હોય !” ૦ કણબી કોણ સાચું ? D 173
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy