SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 17 રંગમાં ભંગા મતાર્યના કેટલાક દિવસો આ પછી ઉગ્ર મનોવ્યથામાં વીત્યા. પ્રેમ અને સૌંદર્યથી ભરીભરી લાગતી આ સંસારની સપાટીની નીચે પણ એક અજબ સ્રોત વહેતો હોય છે, એની એને વિચારણા થવા લાગી. સંસારની શેરીઓમાં જે પ્રેમ છે, જે પ્રેમથી પિતા પુત્ર માટે મરે છે, ને પુત્ર પિતા માટે બલિ આપે છે, પત્ની પતિ માટે સતી થાય છે, ને પતિ માટે જીવતી ચિતામાં જલે છે; એ અવશ્ય પ્રેમ હશે : પણ એથીય ઊંડાણમાં ઊતરીએ, તો એ પ્રેમ નથી લાગતો. મેતાર્યને લાગ્યું કે એ સ્વાર્થની કંઈક માયાજાળ છે. મમતાના ઉધામા છે. પેલો પ્રેમ તો નિર્વાજ, નિર્દભ, નિર્મળ બની પોતાના પ્રેમપાત્રને વધાવે છે. એને ભાવીની કોઈ આશા કે વર્તમાનની કોઈ શુભેચ્છાની આકાંક્ષા હોતી નથી. વિરૂપાએ એવો પ્રેમ ચરિતાર્થ કરી બતાવ્યો. એ પ્રેમમાં નબળાઈ નહોતી, કીર્તિલોભ કે અર્થલોભ નહોતો. એણે પોતાની વાડી ઉજ્જડ બનાવીને ધનદત્ત વ્યવહારીઆની વેરાન વાડીમાં અમૂલખ છોડ વાવ્યો હતો. આ ઓછું શૌર્ય નહોતું. શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેડતા યોદ્ધા કરતાં આ જંગ સામાન્ય નહોતો. મેતાર્ય જેમ જેમ વિચાર કરતો ગયો એમ એમ એને વિરૂપા અત્યંત મહત્ત્વશાલિની લાગવા માંડી. ધનદત્ત અને પોતાની માતા એની પાસે ફિક્કા લાગવા માંડ્યાં. વિરૂપાના શબ્દોમાં જે માર્દવ ને દર્દ હતું એ બીજે નહોતું. પોતાને ‘બેટા’ કહીને સંબોધતાં એની આંખોની કીકીઓ જે નૃત્ય કરતી ઊઠતી, એ વર્ણવવું અશક્ય હતું. મેતાર્ય વધુ ને વધુ લાગણીપ્રધાન બનતો ચાલ્યો. એને અંતરમાં લાગી આવ્યું કે, શા માટે જેના ઉદરમાં માંસ-મજ્જાથી આ હાડચામ બંધાયાં, એના પુત્ર થઈ ન જવું ? આ વિદ્વત્તા, આ કુશળતા, આ નિપુણ વ્યાવહારિકપણું શા માટે ભરેલામાં ભરવા માટે વ્યય કરવું ? શા માટે મેતકુળોને બુદ્ધિ, લક્ષમી ને કીર્તિથી ઉજ્જવળ ન કરવાં ? શા માટે આ બાહુઓની પ્રચંડ તાકાતથી ને આ કુશાગ્ર બુદ્ધિથી દરેક મતનું ઘર સમૃદ્ધિથી ભરી ન નાખવું ? કુળસેવા, માતૃપિતૃ સેવા શું એ નથી માગતી ? મેત બનીને જીવતાં મેતાર્યને શા શા અંતરાયો નડશે ? અને નડશે તોયે મહાસતી ચંદના જેવી રાજકુંવરીને અધમ દાસીપદથી તો ઓછાંને ! જે એક કોમળ સ્ત્રી કરી શકી, એ કઠોર પુરુષ નહીં કરી શકે ? | વિરૂપા ! વિરૂપા ! મેતાર્ય ઊભો થઈ ગયો. ખંડમાં ચારે તરફ આંટા મારવા લાગ્યો, ત્યાં જાણે કોઈ પોકાર પાડીને કહેતું લાગ્યું : કુમાર ! વિરૂપાની વાત ભૂલી ગયો ? તું જેને મા માને છે, એની જ આજ્ઞા વીસરી ગયો ? ઘેલી વિરૂપાના એ વ્યર્થ બકવાદને આજ પછી તારે કદી સ્મરવો નહિ ! તું શ્રેષ્ઠીપુત્ર ! પ્રખ્યાત ધનદત્ત વ્યવહારીઆનું પુત્રરત્ન, જીર્ણશીર્ણ થયેલ વિરૂપાના દિલને શાતા પહોંચાડવા તારે આટલું કરવું જ રહ્યું ! ઊર્મિલ ન થતો, કુમાર ! એ જ ઊર્મિલતા વિરૂપાના દેહને ખાઈ ગઈ ! એના તનમનના રસકસ ચૂસી લીધા. ઘણીય વંધ્યા સ્ત્રીઓને સંસાર ઉજાળતી મેં નીરખી છે ! વિરૂપાના નસીબમાં એવું કંઈય રાખતો જા ! શાન્ત થા ! સ્વસ્થ થા ! રાજગૃહીનાં અતિથિગૃહોમાં તને વરવા હોંશે હોંશે આવેલી પેલી સાત સુંદરીઓનો વિચાર કર ! જરા નીચે વાગી રહેલાં વાઘોના મીઠા સ્વર તરફ લક્ષ આપ ! કેવા મીઠા સૂર ! કેવો મધુર સમય !” અદૃષ્ટ રીતે અપાઈ રહેલ આ ઠપકો જાણે મેતાર્યને લાગ્યો. એણે નીચે નજર કરી. અને વાત સાચી હતી. ભવનના મોટા ચોકમાં વિવિધ જાતનાં વાજિંત્રોના સૂર બેવડાઈ રહ્યા હતા. નટ, નર્તકી ને મલ્લો આજના ઉત્સવમાં વિવિધ પ્રકારે મનોરંજન કરવા તૈયારી કરી રહ્યા હતા. કથક, રાસક ને આખ્યાતાઓ વિવિધ પ્રકારની વાણી વડે પ્રશંસાભર્યાં કથાનકો ઉચ્ચારી રહ્યા હતા. હય ને રથીઓની હારમાળા ખડી હતી. અપૂર્વ એવો ઉત્સવ આજ રચાયો હતો. ગ્રામ, નગરપુરપાટણ, આકર, દ્રોણમુખ ને દૂરદૂરના મંડપોમાંથી* પ્રજનકુળો જળના સ્રોતની જેમ ચાલ્યાં આવતાં હતાં. ધનદત્ત વ્યવહારીઆનો વ્યવહાર દૂરદૂરના દેશો સાથે ચાલતો હતો. એ દેશોથી પણ ઘણા વ્યવહારીઆ રાજગૃહી આવ્યા હતા. * ગ્રામ-ફરતી વાડી હોય તે. નગર-રાજધાની ક્યાં હોય તે પુરપાટણ-જળ ને સ્થળના માર્ગ જ્યાં હોય તે દ્રોણમુખ-જળમાર્ગ હોય તે. મંડપ-અઢી ગાઉં ફરતાં ગામ ન હોય તે પ્રદેશ, રંગમાં ભંગ 145
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy