SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાડી શકશો ? જો એ કરી શકશો તો જ તમે મહારાજને પકડી શકશો !” “મહારાજ ?” પલ્લીવાસીના મહારાજ શબ્દને મહાઅમાત્યે તુચ્છકારપૂર્વક ઉચ્ચાર્યો : “મહારાજ ! વાહ રે મહારાજ ! કાયરની જેમ ભાગી છૂટ્યો તમારો નામર્દ મહારાજ !" “મંત્રીરાજ, મુકાબલો થાય ત્યારે જ ખબર પડે કે કોણ નામર્દ ને કોણ વીર ? આજે મહારાજ રોહિણેય જગતમાં મગધના કહેવાતા બુદ્ધિનિધાન મહામંત્રીની બુદ્ધિની ફજેતી કરવા જ નજર સામેથી નાસી છૂટ્યા છે. મગધની ભરબજારો વચ્ચેથી જ્યારે આપણે નીકળીશું, અને મગધની પ્રજા કે જેણે મહારાજ રોહિણેયને આંખ ભરી ભરીને નીરખ્યા છે : એ જોશે કે આ તો રોહિણેય નહિ, પણ એના દાસાનુદાસ ચંદનને રોહિણેય સમજીને મહામંત્રી પકડી લાવ્યા છે, ત્યારે તમારી ધીરતા, વીરતા ને બુદ્ધિમત્તાની કેવી હાંસી થશે ? એ વખતે બુદ્ધિનિધાન મંત્રીની હોશિયારી પર કેવા વ્યંગબાણો ઝરશે ? મહામંત્રી પ્રજા એ વખતે કોને ધન્ય ધન્ય કહેશે ? એ વખતે અંતરમાં કોની બુદ્ધિની વાહવાહ પોકારશે ? કુશળ માછીમારની જાળમાં મગરમત્સ્યને બદલે એક નાનું મત્સ્ય સપડાયેલું જોઈ લોકો શું શું કહેશે ? ચાલો, જલદી પગ ઉપાડો ! મગધની શેરીએ શેરી અમારા જયજયકાર માટે રાહ જોતી ઊભી હશે." આ શબ્દો નહોતા, એકેક ભાલાનો ઘા હતો. અને જો આ વાચાળ લૂંટારાની વાતો સાચી હોય તો બદનામીનો ક્યાં આરો ઓવારો રહેવાનો હતો ! મહામંત્રીએ તરત કુમાર મેતાર્ય અને માતંગને સાચા રોહિણેયને પરખવા માટે તેડું મોકલ્યું. મગધમાં પવનવેગે મહાઅમાત્યની યશગાથાઓ પહોંચી ગઈ હતી. અજેય એવા રોહિણેય વશ કરીને જીવતો પકડી લાવનાર મહાઅમાત્યના સ્વાગતની તૈયારીઓ પણ ચાલી રહી હતી. એવામાં કુમાર મેતાર્ય અને માતંગના તેડાના સમાચારે એક નવી જ હવા જ પ્રસરાવી. પ્રજા અનેક જાતના તર્કવિતર્ક કરતી રાહ જોવા લાગી. મહાઅમાત્ય અભયે સૈન્ય સાથે ગંગાતટે પડાવ નાખ્યો હતો. પલ્લીવાસીઓ અત્યંત ગેલમાં હતા. સૈનિકો આ નવી જાતની શંકાથી વ્યગ્ર બની રહ્યા હતા, ને તેઓનો પુરુષાર્થ આમ એળે જાય એ તેમને રુચતું નહોતું. સહુ કાગના ડોળે મેતાર્ય ને માતંગની રાહ જોતા હતા. માતંગ તો રોહિણેયનાં સ્વજનોમાંનો એક હતો. એણે બાળપણથી એને નિહાળ્યો હતો. મેતાર્યને પણ રાજગૃહીની લૂંટમાં એનો પૂરતો પરિચય થયો હતો. મેતાર્ય અને માતંગ બંને ટૂંક સમયમાં અશ્વો ખેલાવતા છાવણીમાં આવી પહોંચ્યા. તેઓના આવતાંની સાથે જ મહામંત્રીએ વેશધારી રોહિણેયને સામે ઉપસ્થિત કર્યો. 114 D સંસારસેતુ મેતાર્યે શાંતિથી નજર નાખી ધીરેથી મસ્તક હલાવી ઇનકાર ભણ્યો, પણ માતંગ તો ખડખડાટ હસી પડ્યો. “અરે, આ તો રોહિણેયનો વફાદાર સાથી કેયૂર !" “કેયૂરે મને છેતર્યો ? દગો ! એને કૂતરાને મોતે મરવું પડશે.” છોભીલા પડેલા મહાઅમાત્યનો ક્રોધભર્યો અવાજ ગર્જ્યો. ભલભલાને ગભરાવી મૂકે એવો આ પડકાર હતો, પણ જાણે કેયૂર પણ કશી જ અસર નહોતી. “મંત્રીરાજ, મહારાજ રોહિણેયની સલામતી માટે ગમે તેવા ક્રૂર મોતથી પણ કેયૂર ડરતો નથી. અને વળી વિચાર તો કરો કે જ્યારે મેં મહારાજ રોહિણેયનો આ ઉષ્ણીય પહેર્યો, ત્યારે હું કંઈ મોજ માણવા મેદાને પડતો નથી : પણ એક મગધના સમર્થ વીર સામે બાકરી બાંધું છું, એનું મને પૂરેપૂરું ભાન નહિ હોય ? શસ્ત્રોથી ન ડરનાર શબ્દોથી ડરશે, એમ માનો છો મંત્રીરાજ !” કેયૂર પૂર્ણ સ્વસ્થતાથી બોલતો હતો. “તારે રોહિણેયનો પત્તો આપવો પડશે." “મારા રાઈ રાઈ જેવડા કટકા કરો તોપણ નહિ ! સૂર્યને પશ્ચિમમાં ઉગાડી શકો તોપણ નહિ !” કેયૂરે છાતી ફુલાવતાં ને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, અને સાથે ઉમેર્યું : “હું તો શું, પણ મારા આ સામાન્ય પલ્લીવાસીઓ પાસેથી પણ એવી વ્યર્થ આશા સેવશો નહિ ! મૂર્ખ તો ઠર્યા છો, મૂર્ખશિરોમણિ બનવા પ્રયત્ન ન કરશો." “મંત્રીરાજ, આવા નરને તો મગધમાં કોઈ સેનાપતિનો હોદ્દો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી !” કુમાર મેતાર્યથી ન રહેવાયું. તે વચ્ચે બોલી ઊઠ્યો. “પછી મારી પ્રતિજ્ઞાનું શું ?" મહામાત્ય અભયે કંઈક ખેદપૂર્વક વચ્ચે પડેલા મેતાર્યને પ્રશ્ન કર્યો. “પ્રતિજ્ઞા પૂરી કરી શકો છો, અને તે પણ કેવળ લૂંટારાઓને પકડીને, જેર કરીને કે મારીને નહિ, પણ તેમને મગધના શક્તિસ્તંભ બનાવીને ! બુદ્ધિનિધાન, આપ કાં ભૂલો છો ? આ પણ પ્રતિજ્ઞાની પ્રથમ પાદપૂર્તિ છે. અજેય એવી પલ્લી આપે નષ્ટભષ્ટ કરી, કેયૂર જેવા વીર ને વિચક્ષણ સાથીદારોને આપે કેદ કર્યા; હવે બાકી રહ્યો કેવલ રોહિણેય ! એ આપના પરાક્રમ સામે કેટલે સુધી બચશે ? મારું તો કહેવું માત્ર એટલું જ છે કે, આ શક્તિના સ્ફુલિંગોને સારે રસ્તે વાળો, એમની બોલવાની છટા, ચાલવાની છટા, લડવાની છટા શું સામાન્ય છે ? મંત્રીરાજ, રોહિણેયનો દાદો કેવલ લૂંટારો નહોતો. એ તો મહાન સુધારાઓની આશા સેવનાર વીરનર હતો.” મેતાર્યનાં ચતુરાઈથી ભરેલાં વાક્યોએ દુભાયેલા દિલ પર શાંતિના જળનો છંટકાવ કર્યો. આ પ્રસંગથી પોતાની જાતની થયેલી અવમાનનાનો ક્રોધ દૂર થઈ હાથતાળી – 115
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy