SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેજમાં માતંગે જોઈ લીધાં : આ તો કોઈ સ્ત્રી ! કોઈ અભિસારિકા તો ન હોય ? ભલે વેશ છોડ્યો, પણ વાસના કંઈ છોડાય છે ? માથું મુંડાવાથી કંઈ મન મુંડાય છે ? બહાર અને ભીતર વચ્ચે ભારે ભેદ આ દુનિયામાં ચાલે છે ? બતાવવાના જુદા ને ચાવવાના જુદા જેવો ઘાટ છે. માતંગને પેલા મુનિરાજ કોઈ છદ્મવેશી લાગ્યા. રાત તો આગળ વધતી જતી હતી. વનેચરોય હવે બોર્ડ તરફ પાછાં ફરતાં હતાં. અત્યાર સુધી ત્યાં પલ્લીમાં ન જાણે શું થયું હશે ! છતાં અભુતતા પ્રત્યેની માનવસહજ જિજ્ઞાસા માતંગને પકડી રહી. એણે વૃક્ષની ઓથે લપાઈ બધું નીરખવાનો નિર્ણય કર્યો ને સવારે જ્ઞાતપુત્રના ધર્મ પર કલંક સમાન આ સ્વાર્થસાધુઓને છડેચોક ઉઘાડા પાડવાની ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી. પેલી સ્ત્રી ધીરે ધીરે આગળ વધતી હતી, પણ મુનિરાજની શાન્તિમાં લેશમાત્ર ખલેલ નહોતી પહોંચી. એ તો હતા તેવા ને તેવા ધ્યાનસ્થ ખડી હતા ! મારા બેટાં ઠગ ! પેલા પુરાણી ખરું કહેતા હતા કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર દેવો પણ નથી જાણી શક્તા, તો બિચારા માનવીનું શું ગજું "| આવનાર શ્યામ-વસ્ત્રધારી સ્ત્રી વનપ્રદેશમાં ચાલવાને અજાણી લાગતી હતી. એ વારે વારે ઠોકર ખાતી હતી, છતાં અવાજ ન થઈ જાય તે રીતે સાવધાનીથી આગળ વધતી હતી. થોડીવારમાં એ ઠેઠ મુનિરાજની પાસે પહોંચી ગઈ. ક્ષણવાર એ ધારી ધારીને મુનિરાજને જોઈ રહી. મુનિરાજ તો હજીય પ્રતિમાશા નિષ્કપ ખડા હતા ! “પૂરો પાખંડી !” માતંગ મનમાં બબડ્યો. એના દિલમાં જબરો પુણ્યપ્રકોપ જાગી ઊઠ્યો હતો. પેલી સ્ત્રી વૃક્ષને વેલી વીંટાય, વાંદરીને બચ્ચે વળગી પડે તેમ જોરથી મુનિને વળગી પડી. પણ આ શું ? તેનો એક હાથ સાહસા ઊંચો થયો. એ હાથમાં તારાઓના ઝાંખા પ્રકાશમાં પણ તેજ કણ વેરી રહેલી ધારદાર છરી તોળાઈ રહેલી દેખાઈ. એ છરી બે વાર ઊંચી થઈ ને બે વાર નીચી નમી. કોઈ કુમળું વૃક્ષ મૂળથી ઉખડી પડે એમ મુનિરાજ ધરણી પર ઢળી પડ્યા. ઓરત એક હાથમાં છરી પકડી પાછે પગલે નાઠી ! - “ખૂન ! કતલ !” માતંગે અચાનક બૂમ પાડી. આ બૂમ ગંગાના નીરવ જળ પર થઈને સામાં કોતરમાં પડઘા પાડવા લાગી. પોતાના કુકૃત્યને કોઈ અજાણી આંખો નીરખી રહી છે. એનું ભાન આવતાં પેલી સ્ત્રી મૂઠીઓ વાળી હોડી તરફ નાસી. માતંગ એનો પીછો પકડવા જેવો આગળ ધસ્યો કે ગિરિ કંદરાઓને ધ્રુજાવતો ઘુઘવાટો સંભળાયો. અંધારી રાત નદીકિનારો અને નિર્જન જંગલ ! આખાય પ્રદેશ પર હક જમાવતો એ ઘુઘવાટો જાણે ધરતીના છેડા સુધી સામ્રાજ્ય જમાવી ગયો. નાટકનો પડદો ખેંચાય ને ભયંકર દૃશ્ય રજૂ થાય એમ એક બનાવ બની ગયો : જોતજોતામાં નાની એવી ટેકરી પરથી મોટી પુંછડી પછાડતો એક વાઘ ઊતરી આવ્યો. વનના આ બેતાજ બાદશાહની હાક પાસે ભલભલા વીરનો મદ ગળી જાય ! માતંગ ભયથી પાછો હટી ગયો. ભેદી રમણી પણ ડગલુંય આગળ વધી શકી નહીં. પોતાના પાપકર્મનો આખરી ફેંસલો અહીં આવેલો જોઈ, એની સૂધબૂધ ખસી ગઈ. યમરાજનો અવતાર બનીને આવેલો વનનો રાજા ફરીથી ગર્યો. જેમ માનવી શોકના પ્રસંગે હસે છે, ને મસ્તીના પ્રસંગે કંઈક ધીમો ગુંજારવ કરે છે, એમ પશુઓ પણ જુદા જુદા સૂર કાઢે છે. માતંગ સમજી ગયો કે આ ગર્જના હર્ષની હતી, ક્ષુધાતુર હિંસક પશુને શિકાર હાથવગે થયાની હતી. વનના રાજાએ એક જ છલાંગ ભરી અને સ્ત્રીના દેહને પંજા વચ્ચે પકડી લીધો, એક જ પંજો, છેલ્લી હૃદયભેદક કરુણ ચીસ અને બધો ખેલ ખતમ ! લોહીના ફુવારાઓ ગંગાના તીરને રંગી રહ્યા. ઓરતના નિર્જીવ દેહને થોડે દૂર ઘટાદાર વૃક્ષ નીચે ઘસડી જઈ આ વનરાજ પોતાનું ભોજન પૂરું કરી લેવા વ્યગ્ર બન્યો. માતંગે વનરાજના પાછા ફરી જવા સુધી શાન્ત રહેવામાં જ ડહાપણ માન્યું. જીભના લપકારા અને વાઘના મોંની દુર્ગધ આખા વાતાવરણને ભરી રહી હતી. એક તરફ નિર્જીવ લોહીતરબોળ મુનિરાજનું શબ; બીજી તરફ ખૂની ઓરતનો ભક્ષ કરતો વનનું વિકરાળ પશુ, અને માથેથી સમસમોટ કરતી વહે જતી ઘનઘોર રાત્રિ ! માતંગના દિલને આશ્વાસન આવા એકાદ જળચર પાણીયે બોલતું નહોતું, જાણે બબ્બે માનવજીવનના કરુણ અંતનો બધે સોંપો પડી ગયો ! વીજળી અને વરસાદથી તોફાની બનેલી અંધારી રાત્રે પણ જોજનના જોજનનો પંથ કાપનાર માતંગ આજે કમજોર દિલ બની ગયો. એને જમીન ભારે લાગવા માંડી, આસમાન ઉપરથી પડું પડું થતું લાગ્યું. પગને જાણે કોઈએ સીસાના રસથી ભરી દીધા : કેમે કરી ઊપડે જ નહિ ! માતંગ મંત્ર ઉપર મંત્ર બોલવા લાગ્યો. ચારે. દિશાના દેવોને મદદ માટે આહ્વાન આપવા લાગ્યો. થોડી વારે એના દિલને શાતા વળી: પગ હળવા થતાં લાગ્યાં. વાઘ પણ આજ પૂરતું ભોજન જમી ઓરતની લાશને એક ખાડામાં સંતાડી ધીરે ધીરે ટેકરી પાછળ અદૃશ્ય થઈ ગયો. માતંગને પોતાના શિર પરથી આકાશનો બોજ હળવો થતો લાગ્યો. એ આગળ વધવાને બદલે ઘર તરફ વળ્યો. સોએક ડગલાં ચાલ્યો હશે ને વળી વિચાર આવ્યો : લાવ ને, જોઉં તો ખરો, પેલી સ્ત્રી કોણ હતી ? સદાને માટે અજાણ્યો રહેનાર આ કોયડો ઉકેલતો'તો જાઉં. કર્મની ગત 1 19. 18 D સંસારસેતુ
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy