SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રે મૂરખ દીકરી !' પિતાજીનો કોપ કાબૂમાં ન રહ્યો, ‘સાંભળવામાં તારું શું જાય છે ? હા ભોજ, તો કહે ચક્રવર્તી મહારાજે કોનું નામ દીધું ?” ‘મહારાજ શિશુપાલનું !' ભોજ એટલું બોલી શાંત રહ્યો. બહેનના સુંદર ચહેરા પર ઊઠતી મનોભાવનાની રેખાઓ વાંચી રહ્યો. ‘મારે શિશુપાલ વિશે કંઈ કહેવું નથી.' રુકિમણી બોલી. ‘એમાં કહેવા જેવું છે જ શું ?' ભોજે કહ્યું. ‘મારો સ્વામી તો ગોપાલકૃષ્ણ જ છે.’ રુકિમણી બોલી. ‘એ ગોવાળિયો તારો સ્વામી ? કદાપિ નહિ બને. મહારાજ જરાસંધનો એ ગુનેગાર રાજા ભીષ્મકની પુત્રીનો હાથ નહિ ચોરી શકે.’ ભોજે આવેશપૂર્વક કહ્યું. ‘રાજા ભીષ્મકની પુત્રીનો કેવળ હાથ જ નહિ, એ તો એનું દિલ પણ ચોરી ગયો છે !' રુકિમણી બોલી. *જરૂર પડે તો એ હાથ અને એ દિલ બંનેને નષ્ટભ્રષ્ટ કરવાં પડશે. આ કંઈ છોકરાંનાં ખેલ નથી કે માંકડાં રમાડવાનાં નથી, કે ગાયો દોહવાની નથી!’ ભોજ બોલ્યો. ‘ગમે તે થશે, થઈ થઈને પણ વિશેષ કંઈ થવાનું નથી. મારો નિર્ણય અફર છે; કોઈ કાળે એ બદલાશે નહિ. મેં સુભદ્રને એની પાસે મોકલ્યો છે.’ ‘જેને એ ગોવાળો પાસે જવું હશે, એને સ્મશાનની વાટ પકડવી પડશે.' ‘ભલે.’ રુકિમણી આગળ કંઈ ન બોલી. ‘પિતાજી, આપે ઢીલો દોર રાખ્યો, એનું જ આ પરિણામ આવ્યું. ચાલો, મહારાજ શિશુપાલન મેં સંદેશ મોકલી દીધો છે. આપણે તૈયારીઓ કરીએ. બોલાવી પુરોહિતને, કંકુ છાંટીને કંકોતરીઓ લખે !' આટલું કહી ભોજ ગુસ્સામાં ચાલ્યો ગયો. પિતા-પુત્રી ત્યાં બેઠાં રહ્યાં - ન જાણે ક્યાં સુધી ? 128 – પ્રેમાવતાર 17 રુકિમણીનું હરણ આખા નગરમાં ધોળ-મંગળ ગવાય છે, રાજા ભીષ્મકની પુત્રી રુકિમણી રાજા શિશુપાલને વરવાની છે, એ સમાચારે બધે ઉત્સાહ પ્રગટાવ્યો છે; અને લગ્નને આર્યાવર્તના ચક્રવર્તી રાજવી જરાસંધની સંમતિ છે એ વર્તમાને એમાંથી સંશય કાઢી નાખ્યો છે. કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર, એ કહેવત મુજબ રુકિમણી જેવી દેવકન્યાને યોગ્ય કયો વર કહેવાય, એની ખૂબ ચર્ચા થતી પણ એકમતે કંઈ પણ નિર્ણય થઈ શકતો નહિ. શિશુપાલ બળવાન હતો, આર્યાવર્તના ચક્રવર્તીની સેનાનો સેનાપતિ હતો; છતાં રુકિમણી જેવી સુંદરી માટે એ યોગ્ય વર નહોતો, એમ ઘણા માનતા. સરખેસરખી સ્ત્રીઓ વાતો કરતી કે હંમેશાં ધોળી કન્યાને કાળો વર અને ગુણિયલ કન્યારત્નને નસીબે અડબૂથ ધણી લખાયેલો હોય છે ! સરખું જોડું તો વિધાતા સરજે ત્યારે. કોઈ વાર ચામડીના રંગમાં અને દેહના ઘાટમાં સરખાપણું દેખાય છે, પણ ગુણમાં જુઓ તો ઘોડા ને ગધેડા જેવું કજોડું હોય છે ! ઘણી વાર કાગડા જ દહીંથરું લઈ જાય છે, હંસ બિચારા વા ખાતા રહી જાય છે; અને સરવાળે કાગડાનું અને હંસનું – બંનેનું બગડે છે. શિશુપાલ બીજી રીતે ગમે તેવો લાયક હોય, રુકિમણીના પતિ તરીકે તો સાવ નકામો ! ક્યાં આ સંસ્કારી ને ગુણિયલ સુંદરી ને ક્યાં જડસુ શિશુપાલ ! લોકો મનમાં મોં ઘાલીને વાત કરતાં કે રુકિમણી તો શ્રીકૃષ્ણને વરવા માગે છે, અને મા-બાપનો પણ એમાં વિરોધ નથી; પણ તેના ભાઈ રુકિમનો - ભોજનો એમાં ભયંકર વિરોધ છે. વળી શિશુપાલ તો શ્રીકૃષ્ણની ફોઈનો દીકરો ! એને માટે નિર્માયેલી કન્યાને શ્રીકૃષ્ણ શી રીતે વરે ?
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy