SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એકનું નામ વિશ્વામિત્ર, બીજાનું નામ કવ અને ત્રીજાનું નામ નારદ!' ‘ઓહો ! ત્યારે તો અમે પણ ભાવિ જાણવા આવીશું. તમારા ચોખલિયા ઋષિઓ અમારો તિરસ્કાર તો નહિ કરે ને ?' સ્વૈરવિહારી જૂથે પ્રશ્ન કર્યો. ‘ઋષિઓ ઉદારચિત્ત હોય છે. જરૂર આવજો.' સ્વૈરવિહારી જૂથે હરણાંનો પીછો લીધો. એના પ્રચંડ ગતિવેગને પોતાના અશ્વખેલનથી ઝાંખો પાડી દીધો. રે ! શિકાર એ તો શત્રુને હણવાની કસરત છે, અને શત્રુને હણ્યા વગર સ્વાતંત્ર્ય ક્યાંથી ? પછી યાદવો શેતરંજ બિછાવીને બેઠા. હાર-જીત આરંભી, ધનદોલત, અશ્વ, ગાય, રાજપાટ ને છેવટે પત્ની પણ જુગારના પાટ પર મૂકીને રમવા લાગ્યા. કેવી મજા ! પૈસા કરતાં પ્રેયસીઓની હાર-જીત વધુ આકર્ષક પુરવાર થઈ. યાદવો હવે પૂરેપૂરો માર્ગ ચૂક્યા હતા. કેટલાક યાદવો રમતાં રમતાં બોલ્યા : ‘જગતનો કાયદો છે કે વિજેતા વિશ્વને વરે. સત્યવાદી યુધિષ્ઠિર હિસ્તનાપુરમાં જુગટુ રમતાં દ્રૌપદીને હાર્યા; તો પછી દ્રૌપદીની સાથે ગમે તે ચેષ્ટા કરવાને વિજેતાને હક્ક હતો. એમાં આડખીલી કરનાર અપરાધી ઠરે.' ‘બિલકુલ સાચી વાત.’ વાતનું સમર્થન કરતાં એક જુવાન યાદવે કહ્યું, ‘પણ જુઓને ! આપણા નેતા શ્રીકૃષ્ણને ન રુચ્યું. તેઓ દ્રૌપદીની વહારે ધાયા. કોઈના હક પર આ તરાપ ન ગણાય ?' ‘ચોખ્ખી તરાપ ! આ રીતે આપણી વચ્ચે આવે તો ખબર પાડી દઈએ !' એક જુવાન યાદવ તપી ગયો. એને જૂનીપુરાણી વાતોનાં પોપડાં ઉખેળતો બોલ્યો, ‘અને પેલા સ્યમંતક મણિના નામે ખેલાયેલી કૃષ્ણલીલા ક્યાં ભૂલી ભુલાય એવી છે !' ‘આગેવાનનું ઘસાતું બોલવું આપણને ન છાજે.' એક ડાહ્યા જુવાને વૃદ્ધની અદાથી કહ્યું. ‘સાચી વાત તો પરમેશ્વરને પણ કહેવી જોઈએ. યાદવો કંઈ બાપના કૂવામાં બૂડી મરનારા નથી.' સામે જવાબ મળ્યો. ‘અરે, આવી નિંદા-કૂથલીમાં વખત કાં બગાડો ? કામણગારી સુંદરીઓનાં અંગો ઉપર કવિતા રચો ને !' એક રસિક યાદવે વાતને નવો વળાંક આપવા કહ્યું. અને પછી તો સુંદરીના એક એક અંગની શત શત મુખે પ્રશંસા કરતી કવિતાની જાણે ત્યાં સરિતા જ વહી નીકળી. એટલામાં કોઈકે ટકોર કરી. ‘અરે વિનતાનાં અંગોનાં તો બહુ વખાણ કર્યાં, પણ વારુણી વગર એનો રંગ જામતો નથી. આવા સ્નેહમિલનમાં તો દારૂનો દેવ પહેલાં હાજર થવો જોઈએ.' 424 – પ્રેમાવતાર થોડી વારમાં એક કાવડ આવી. એમાં બે ઘડા છલોછલ ભરાઈને મદિરા આવી. યાદવો દોડ્યા. સુંદરીઓ જરાક સંકોચાઈ. યાદવોએ પાત્ર ઉઠાવ્યાં. ‘અરે ! મદિરાક્ષીઓને મદિરા કાં નહિ ?' તૃણબાહુ નામના યાદવે ટકોર કરી. સુવર્ણપાત્ર ભરાયાં અને યાદવો ધસ્યા. સુંદરીઓએ પોતાના કોમળ હાથોથી તેઓને ત્યાં થંભાવી દીધા, ને કહ્યું. ‘જે કવિએ જે સુંદરીનાં સૌંદર્યમય અવયવનું કાવ્ય રચ્યું હોય; એ એને મદિરા પાય !' તરત સુંદરીઓની સૂચનાનો અમલ થયો. પોતાના પ્રિયપાત્ર પાસે પાત્ર ધરવામાં અજબ લહેજત આવી. ‘કહે છે કે દેવો મરીને યાદવ થાય છે ! પણ હું કહું છું કે આપણું જીવન દેવો જુએ તો એમનું અભિમાન ઊતરી જાય !' એક રંગીલા યાદવે કહ્યું. પરિષદ બરાબર રંગ પર આવી રહી હતી. થોડી વારમાં તો બધાં મદ્યપાત્રો ખાલી થઈ ગયાં; અને યાદવો નશામાં ચકચૂર બનીને ડોલી રહ્યા. નશાબાજને નવરું કે ચૂપ બેસવું ગમે જ નહીં, એટલે તેઓ કંઈક નવી પ્રવૃત્તિ, નવું ટીખળ શોધી રહ્યા. એક મનચલા યાદવે કહ્યું, ‘ચાલો, ચાલો, પેલા ચોખલિયા ઋષિમુનિઓની ખબર લઈએ. મારા બેટા બેઠા બેઠા ડિંગો હાંકે રાખે છે !' ‘હા, એ વાત બહુ મજાની કરી. હમણાં હમણાં એમની ફાટ બહુ વધી ગઈ છે ! આજ એમની ખબર લઈ નાખીએ અને એમની પૂરી ફજેતી થાય તેમ કરીએ.' એકે આગળ ડગ ભરતાં કહ્યું. જુઓ. તમાશો બરાબર ગોઠવીએ ને એમનું ભોપાળું ખુલ્લું પાડીએ. એક છોકરાને છોકરી બનાવો !’ એક ટીખળી યાદવે નવો તુક્કો સુઝાડ્યો. ‘બરાબર, પછી શું ?' ‘પછી એના પેટે પોટલું બાંધો.’ ‘શા માટે ?’ “એમ લાગે કે છોકરી ગર્ભવતી છે.' વાહ વાહ, પછી ' ‘પછી જઈને એ દાઢીવાળાઓને પૂછીએ કે આ છોકરીને શું અવતરશે? સાવરણી કે સૂંથિયું ? દીકરો કે દીકરી ? એમના ભૂત, ભાવિ ને વર્તમાન જ્ઞાનની તરત પરીક્ષા થઈ જશે.' ‘શાબાશ, શાબાશ ! શું બુદ્ધિ લડાવી છે ને ! કેવી સરસ યુક્તિ શોધી કાઢી. ખરેખર જ્ઞાની બનવાનો ડોળ કરનારા ભોંઠા પડશે ત્યારે એમનાં મોં જોવાની ખૂબ ઉન્માદ 0 425
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy