SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભુજબળથી સામ્રાજ્યો કદાચ રચી શકાતાં હશે, પણ સામ્રાજ્યો ટકે છે તો સદ્ગુણથી !' યોગીરાજ નેમનાથે સાવ શાંતિથી કહ્યું. પણ એ શાંત શબ્દોમાં પણ હૈયાવલાવણ વ્યથા ભરી હતી. ‘પ્રભો ! રાજકાજ એટલે પરિસ્થિતિની પારાશીશી ! એમાં તો વખત જોઈને જ વર્તાય ! એમાં સદ્ગુણ કે દુર્ગુણ, શત્રુ કે મિત્ર, કંઈ ન જોવાય. યાદવોના મતે બે કે જ વસ્તુ જરૂરી છે : એક સંઘ, બીજું સામર્થ્ય !! ‘બે નહિ, ત્રણ !’ યોગીરાજે એટલી જ સાહજિકતાથી વિશ્વબાહુના વક્તવ્યમાં સુધારો કર્યો. ‘ત્રીજું શું ?’ ‘ત્રીજો સદ્ગુણ ! જાણું છું કે મદ્ય અને દ્યૂત યાદવોના જીવનનાં અવિભાજ્ય અંગ બની ગયાં છે. દ્વારકામાં જે દારૂ ગાળશે એને શૂળીની સજા થશે એવી રાજઆજ્ઞા છતાં, રાજના સ્તંભ સમા તમે પોતે જ એની અવજ્ઞા કરો છો. અને મદ્ય અને દ્યૂતની પાછળ કયા અવગુણો નથી આવતા ?' યોગીરાજે દૃઢતાથી કહ્યું અને આગળ ચલાવ્યું : ‘બહારના શત્રુથી ડરવાની લગીરે જરૂર નથી; સાવધ રહીએ એટલે કામ સર્યું. એ શત્રુ તો આપણને સાવચેત રાખે છે. વિચાર કરો ત્યારે અંતરના શત્રુનો વિચાર કરો, એનો ભય રાખજો. માણસ જ્યારે એમ વિચારે છે, કે મારે કોઈ શત્રુ નથી, હું સર્વતંત્રસ્વતંત્ર છું, ત્યારે જ એના અંતરનો શત્રુ જાગે છે. યાદવો એ શત્રુથી સાવધ રહે.' મહારાજ ! એવી નબળી વાણી કાઢી; અપ્રતિસ્પર્ધીય યાદવ વીરોને ઢીલા ના પાડશો. આજ દિગદિગંતમાં ગુંજી રહેલી એમની પરાક્રમગાથાઓથી પ્રત્યેક યાદવવીરનું મસ્તક ગગનને સ્પર્શી રહ્યું છે. અમે તો અમારું ઉજ્જ્વળ ભાવિ જાણવા માગીએ છીએ.’ જરાકુમારે કંઈક રોષમાં કહ્યું. યાદવસેનાનો એ સુપ્રસિદ્ધ યોદ્ધો ભગવાન શ્રીકૃષ્ણના કાકાનો પુત્ર હતો. ‘તમારું ભાવિ ?’ યોગીરાજે ગગન તરફ નયનો ઊંચા કર્યાં-ત્યાં એ જાણે કંઈ લખ્યા લેખ વાંચી રહ્યા. ‘હા, યોગીનાથ !’ નેમનાથે ગંભીર ભાવે કહ્યું, ‘ભાવી ! સાચેસાચું કહું ? યાદવોને તો એમનો પોતાનો ગર્વ જ ગાળી નાખશે; એ માટે એમને બહારના દુશ્મનની જરૂર નહીં પડે. સોનાની દ્વારકા દ્વારકાવાસીઓની નજર સામે નષ્ટ થશે. યાદવ યાદવથી હણાશે. મહાન યાદવરાજ યાદવપ્રાણ શ્રીકૃષ્ણ પણ યાદવોને હાથે જ હણાશે !' 420 – પ્રેમાવતાર ‘શ્રીકૃષ્ણ યાદવને હાથે હણાશે ? અશક્ય ! ત્રણ કાળમાં અશક્ય ! ત્રણ લોકમાં અશક્ય !' જરાકુમારે તિરસ્કારમાં કહ્યું. માત્ર યાદવને હાથે જ નહિ, પણ પોતાના ભાઈને જ હાથે હણાશે ! અંતરિયાળ હણાશે.' ‘મહારાજ, અમારા પ્રાણધનને માટે અમે એક પણ કટુવચન સાંખી શકીએ તેમ નથી. સ્પષ્ટ બોલો.' જરાકુમારે કહ્યું. દીપક ભલે દૂર હોય, પણ એની જ્યોત દૂર દૂરથી પણ દેખાય છે, એમ તમારા દૂરગામી ભાવિને હું અહીંથી નીરખી રહ્યો છું. જરાકુમાર, આશ્ચર્યનો આઘાત ન લગાડીશ. તારે જ હાથે એ મહાન આત્માનું મૃત્યુ અવશ્યભાવિ છે!’ નૈમનાથે ભાવિ લેખ વાચતા હોય તેમ સ્પષ્ટ કહ્યું. ‘તો તો એ હાથ, અને હાથ ધારણ કરનારો એ દેહ અત્યારે જ પાડી નાખું છું ન રહે વાંસ, ન બજે વાંસળી !' જરાકુમારે કમર પરથી કટારી કાઢતાં કહ્યું. ‘ભાઈ ! એ કટારી મ્યાન કર !' અત્યાર સુધી શાંત બેઠેલા શ્રીકૃષ્ણે કહ્યું ને આગળ બોલ્યા. ‘યાદવોનો દૂરગામી ભાવિલેખ તો જ્યારે સાચો પડે ત્યારે ખરો, પણ તારા આ કૃત્યથી તો તું તેને કદાચ આજે ને અત્યારે જ સાચો કરી બતાવીશ. આ રીતે તો તું પોતે કમોતે મરીને મારું કમોત નિપજાવીશ. પ્રત્યેક યાદવ મારો પ્રાણ છે.’ જરાકુમારે કટારી મ્યાન કરી, પણ એ સ્વસ્થ થઈ શક્યો નહિ. સભાસ્થળ છોડીને ચાલ્યો ગયો. એના વિશાળ આવાસમાં પણ એને શાંતિ ન લાધી ! ભયંકર ભાવિના બોલ એને જાણે બધે ગાજતા લાગ્યા. એ વ્યાકુળ બની રહ્યો. ભાવીના બોલ – 421
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy