SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 54 અરુણોદયા રથનેમિ અને રાજ્યશ્રીની રેવતાચળ પરની ઘટના ઘરથરની ધર્મકથા બની ગઈ. જે વાત રથનેમિ માટે કલંકરૂપ બનવાની હતી, તે રાજ્યશ્રીની વૈરાગ્યપ્રેરણાથી શોભારૂપ બની ગઈ - જાણે ટૂંકા સમયમાં વાસનાવિજયનું મોટું નાટક રચાઈ ગયું. એ નાટકે એક પતિત આત્માનો ઉદ્ધાર કર્યો, અને અનેક આત્માઓને આત્મવિજયનો માર્ગ દર્શાવ્યો. આમ રથનેમિના અંતરમાં જાગેલું વાસનાઓનું સમુદ્રમંથન શાંત થઈ ગયું અને વૈરાગ્યના શાંત સમીર લહેરાવા લાગ્યા. - બીજી બાજુ મહાભારતના યુદ્ધની આગના અંગારા હોલવાઈ ગયા હતા, અને હવે તો માત્ર એની રાખ શેષ રહી હતી. આખું આર્યાવર્ત જાણે રાંડી બેઠું હતું. અનેક રાજ્યો શુન્યમાં મળી ગયાં હતાં. અનેક નગર-ગ્રામોમાં અંધકાર વ્યાપી ગયો હતો. પૃથ્વીપટ પર પોતાની બુદ્ધિથી પૂજાતા ને પરાક્રમથી પંકાતા રાજવીઓ નામશેષ બન્યા હતા. એમના ખજાના લૂંટાઈ ગયા હતા ને એમનાં અંતઃપુરો અપહરણોનાં ધામ બન્યાં હતાં. નીતિનો ભંશ, ન્યાયની ભ્રષ્ટતા અને છલપ્રપંચી બુદ્ધિની બોલબાલા જામી હતી. અર્થ, સ્ત્રી, પશુ ને સુવર્ણ પાછળ સહુ ઘેલાં બન્યાં હતાં. લોકો કોઈ પણ અપકૃત્ય આચરતાં પાછું વાળીને જોતા ન હતા. યુદ્ધ તો ગયું હતું, પણ એ ન્યાય, નીતિ અને માનવતાનો ભંગાર રચતું હતું ! એ ભંગારની કાલિમા બધે ફરી વળી હતી. લોકો કહેતા કે કલિયુગનો હવે પ્રારંભ થઈ ગયો. માણસો સર્પ જેવા થશે. પોતાનાંને સંહારશે, પારકાને સંહારશે, સંહારમાં શૌર્ય માનશે. સંહારમાં ધર્મ માનશે. જેઓના પરાક્રમથી પૃથ્વીતળ ધમધમતું એ મહાપુરુષો ગઈ ગુજરી બન્યા હતા. એક માત્ર પાંડવો અને યાદવોની બોલબાલા હતી. એમાંય પાંડવો જીત્યા હતા, તોય એમની જીત હાર જેવી આકરી બની હતી. પોતાનો વંશ રાખે તેવો એક પણ બાળક કે યુવાને જીવતો નહોતો રહ્યો ! એકમાત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા તરફ સહુની આશાની મીટ મંડાયેલી હતી; એ ગર્ભવતી હતી, એ સિવાય બીજું એક પણ આશાચિન દૃષ્ટિગોચર થતું નહોતું; જો ઉત્તરાને પુત્ર ન જન્મે તો પાંડવોને તો સગી આંખે પોતાના વંશનું નિકંદન જોવાનું હતું ! પછી તો શું જય અને શું વિજય ! એવામાં એક દહાડો અંતઃપુરમાંથી સ્ત્રીઓના રુદનના વેદનાભર્યા સ્વરો આવ્યા. એ રૂદન હૈયાફાટ હતું. પાંડવોની આશાના તમામ મિનારા આજે એકસાથે જમીનદોસ્ત થયા હતા. પાંડવકુળનો આખો વંશવેલો ઇતિહાસમાંથી આજે લુપ્ત થતો હતો. ઉત્તરાએ મરેલા પુત્રને જન્મ આપ્યો હતો ! યુધિષ્ઠિર સ્તબ્ધ ખેડા હતા. એમનો ધર્મ આજ કંઈ કરવા લાચાર હતો. અર્જુન અસ્વસ્થ બનીને આંસુ સારતો હતો. એના પ્રખ્યાત ગાંડિવમાં હણવાની તાકાત હતી, કોઈને જિવાડવાની લેશ પણ શક્તિ નહોતી. ભીમ તો એના બળને ખુદ નિર્બળ થતું જોઈ રહ્યો. રૂપવાન નકુલ આજે વિલાઈ ગયો હતો, અને જગતના જોશ જોવામાં પાવરધા લેખાતા સહદેવને કશું સૂઝતું ન હતું. દ્રૌપદીનું રુદન કલેજું કંપાવી રહ્યું હતું. ‘રે ! મૃતપુત્રને સજીવન કોણ કરી શકે?’ સર્વત્ર અનાથતા વ્યાપી રહી, દ્રૌપદીએ આક્રંદ કરતાં કહ્યું, ‘આ પ્રસંગે અગર કોઈ કંઈક કરી શકે તો શ્રીકૃષ્ણ જ કરી શકે. અગાધ એમની શક્તિ છે. એ કળ એમની માયા છે. અનાથ પાંડવોના નાથ અને નિરાધાર કુરુકુળના તારણહાર એ જ બની શકે એમ છે. દૈવત હાર્યું છે, દુઆ જરૂરી છે.’ આ વખતે શ્રીકૃષ્ણ વગર બોલાવ્યા આવી રહેલા જણાયા. આજે એમની મુખમુદ્રા પર અનેરા ભાવ છવાયા હતા. યુદ્ધ કાળ દરમિયાન કદી ન દેખાયેલી ગંભીરતા અત્યારે તેમના ચહેરા પર પ્રસરેલી હતી. સુવર્ણ પાત્રમાં ભરેલા તપ્ત અગ્નિ જેવું તેજસ્વી એમનું મુખ હતું. મીટ માંડી મંડાય તેમ નહોતી. અરુણોદય D 395
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy