SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ખીલે, પોતાની મેળે વિલાય !' રથનેમિ રાજની માતા અને સત્યારાણીનાં મન જીતી ગયો. રાજની માતા અને સત્યારાણીને હવે તો એક જ વાતની રઢ લાગી હતી કે રાજ્યશ્રી માની જાય અને રથનેમિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય ! ૨થનેમિ પણ નેમિકુમાર કરતાં ક્યાં ઓછો ઊતરે એવો હતો ? અને યૌવનના તરવરાટ અને રસિકતામાં તો એ નેમને ભુલાવી દે એવો છે. આવો વર તો શોધ્યો પણ ન જડે; અને રાજ્યશ્રીને માટે તો એ આકડે મધની જેમ સુલભ હતો. સાચે જ, રાજ્યશ્રી ભાગ્યશાળી હતી. પણ જે વાત માતા અને બહેનને સદ્ભાગ્યની સુચક લાગતી હતી, એ વાતમાં રાજ્યશ્રીનું મન જરાય પલળતું ન હતું - જાણે પથ્થર ઉપર પાણી ! છેવટે માતાએ જરાક આકળા થઈને રાજ્યશ્રીને કહ્યું, ‘રાજ ! આવી ખોટી હઠ શા કામની ? વાત જરા સમજી લે. તારાં ભાગ્ય મોટાં છે, નહિ તો એક ઠેકાણેથી પાછી ફરેલી દીકરીને ઝટ બીજું સારું ઠેકાણું નથી મળતું ! આવો વખત વારે વારે નથી આવતો, માટે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવી નાદાની ન કર !' રાજ્યશ્રીએ કંટાળીને કહ્યું, “મા, તમે બધાં આ શું લઈ બેઠાં છો ? મને તો મારું મનગમતું ઠેકાણું મળી ગયું છે, અને મારાં લગ્ન થઈ ગયા પછી આવી બધી માથાકૂટ શા માટે ?” | ‘દીવાની ન થા, દીકરી ! ઘેર બેઠાં ગંગા આવી પછી ખાળમાં મોં ધોવા ન જઈએ. રથનેમિને મેં આગ્રહ કરીને રોક્યા છે. પૂરાં ભાગ્ય હોય એને જ રથનેમિ મળે.' માતાએ ભારપૂર્વક કહ્યું. “મા ! તું બરાબર સાંભળી લે, હું તો ક્યારની પરણી ચૂકી છું. મેં તને ન કહ્યું કે, હું છાનીમાની નેમ સાથે સહસામ્રવનમાં ગઈ હતી, ને ત્યાં પ્રકૃતિને પુરોહિત બનાવી, વૃક્ષવેલીઓને જાનૈયા બનાવી, કોયલ રાણી પાસે લગ્નવાણી ઉચ્ચરાવી અમે પરણ્યાં. શું તમારે એક વાર પરણેલીને ફરી પરણાવવી છે ?” રાજે કહ્યું. ‘રાજ ! તારી આવી બધી વાતો જ કહે છે કે તારું ચિત્ત અત્યારે ઠેકાણે નથી; અને તારું હિત શેમાં છે એ તું સમજી શકતી નથી. તું જરા હોશમાં આવીને વાત કર, લગ્ન કરવાં ન કરવાં એ તારી મરજીની વાત છે, પણ જરા એટલું ડહાપણ તો વાપરજે કે જેથી પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું બની જાય નહિ. અને પાછળથી પસ્તાવું પડે નહિ.” સત્યારાણીએ કહ્યું. ‘બહેન ! તને શું વાત કરું ? હું તો પૂરેપૂરી હોશમાં છું. મને તો તમે બધાં 354 | પ્રેમાવતાર ભાનભૂલ્યાં હો એમ લાગે છે. અમે તો સોહાગરાત પણ માણી, પ્રાણમાં પ્રાણનું મિલન પણ કર્યું, તેમ જ મારા વર અને બીજા બધા પર !' રાજ બોલી. એની વાણી અપાર્થિવ હતી. રાજનાં વચનો એની માતા સાંભળી ન શકી. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું, “અરે આ હઠીલી છોકરીને સમજાવો કોઈ !' ‘મા ! મને એક જણ સમજાવી ગયો, હવે કોઈની સમજાવી હું સમજવાની નથી.’ રાજ દૃઢતાથી બોલી, સત્યારાણીએ કહ્યું, “મા, હવે અત્યારે આ વાત પડતી મેલ અને રથનેમિને હમણાં વિદાય આપ.” ‘રથનેમિ ! કયા શબ્દોમાં તમારો આભાર માનું ? કઈ જીભથી તમને વિદાય આપું ?” રાજની માએ ગળગળા સાદે કહ્યું. રથનેમિએ ગંભીર બનીને કહ્યું, “બૈર્ય ખોશો નહિ. આભાર માનવાની અહીં કંઈ પણ જરૂર નથી. હું વિદાય તો લઉં છું. પણ એક વચન આપીને. મારે સંસારમાં રાજ સિવાય તમામ સ્ત્રીઓ મા-બહેન સમાન છે. રથનેમિ વરે તો રાજને વરે, નહિ તો એ પણ રેવતગિરિની કોઈ ગુફામાં બેસી તપ કરશે.” અને રથનેમિ ધીરે ધીરે દૃષ્ટિ બહાર ચાલ્યો ગયો. હાય દીકરી ! આજ તે પોતે ખોટ ખાધી, અને અમને સહુને પણ ખોટ ખવરાવી. હાથમાં આવેલો હીરો હાથથી ખોયો !' રાજની મા આક્રંદ કરી રહી. ‘મા ! શોક ન કરીશ. હું મારા સ્વામીના સંદેશની રાહમાં છું. સંદેશ આવ્યો કે સાસરે ચાલી જઈશ.” ‘ક્યાં છે તારું સાસરું ?” ‘રેવતાચલમાં ?” ‘એના પાણામાં ?” ‘ના, તેમના હૃદયમાં.” દીકરી ! આ તે કેવી વાતો કરે છે ? કોઈ આવા મનમોજીના હૃદયમાં ઘર કરી શક્યું છે ખરું ? ગાંડી નહી તો !' | ‘મા ! જોજે ને, તારી ગાંડી દીકરી એક વાર સાસરે જશે, પછી એ કદી પાછી પિયર નહિ આવે. પછી તો આખો સંસાર એનું પિયર અને આખો સંસાર એનું સાસરું બની જશે.' ‘ઘેલી વાતો ન કર. કહે તો રથનેમિને હજી પાછો બોલાવું. બાજી હાથમાં છે.” આશા નિરાશા D 355
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy