SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વહાલમ ! વહેલેરા પધારજો રે ! તમ કુશળનો કંથજી રે, લખજો જરૂ૨ જવાબ હો લાલ; વિશેષ વાંચી પત્ર માહો, રે બીજો પાઠવજો આપ હો લાલ, વહાલમ ! વહેલેરા પધારજો રે ! રાજ્યશ્રીને લાગ્યું કે આ તો ફક્ત વ્યવહારની વાતો થઈ. એથી કંઈ નેમને મારા અંતરની ખબર ન પડે. અને પિયુના પત્રમાં તો અંતરના ભાવ આલેખવા જોઈએ. મનમોહનથી મનચોરી કેવી ? બેનાં એક બનવું, એનું નામ અંતરપ્રીત ! રાજ્યશ્રી હવે ગંભીર થઈને લખવા લાગી : ‘વહાલા ! તમશું વિવાહ રચ્યો રે, ત્યારથી વધ્યાં મનનાં સુખ હો લાલ; નામ જાણતાં નેમજી રે, મનમાં વરસ્યાં સુખપીયૂષ હો લાલ ! વહાલમ ! વહેલેરા પધારજો રે ! અંતરથી ભજે તમને રાજુલ નાર રે ! મનડું લાગ્યું છે માહરું રે, તમશું નેમ નગીન હો લાલ; જંપે વળે નહિ જાગતાં રે, જાય દોહ્યલી રાત હો લાલ. વાહલમ ! વહેલેરા પધારજો રે ! કીરિત સાંભળું તમ તણી રે, મારું ચળે છે ચિત્ત હો લાલ; જેમ જેમ જાય દહાડલા રે, તેમ તેમ વધે છે પ્રીત હો લાલ. વહાલમ ! વહેલેરા પધારજો રે !' પ્રભાતિયો તારો આભમાં ઊગ્યો હતો, ને દીવાની જ્યોત ઝાંખી થતી હતી. રેવતાચલની કંદરામાં ચરવા આવેલી ધેનુઓના ગળાની ઘંટડી રણઝણતી હતી. ઘંટીએ બેઠેલી ગોપનારીના કંઠનું ગીત ને વલોણે વહાલ કરતી કન્યાઓના કંકણના રણકાર શાંતિમાં સંગીત પૂરતાં હતાં. કૂકડો દૂર દૂર બોલતો સંભળાતો હતો. રાજ્યશ્રી ડરી ગઈ. રખેને હમણાં કોઈ સખી જાગી જાય અને પોતાનું કાર્ય અડધે અટકી જાય, એ બીકે જલદી જલદી લખવા માંડ્યું. 300 ] પ્રેમાવતાર ‘લાડ કરીશ તમ કને રે, જોતું માગીશ જરૂર હો લાલ; વાતો કરીશ વહાલથી રે, ત્યારે ધરશે ધીર ઉર હો લાલ. વહાલમ ! વહેલેરા પધારજો રે ! સુખના સાગર નેમજી રે, પૂરા કરો મુજ કોડ હો લાલ; જાન જબરી લઈ આવજો રે. પુરવા રાજુલની આશ હો લાલ. વહાલમ ! વહેલેરા પધારજો રે !' કાગળ લખાઈ ગયો. રાજ્યશ્રીએ ફરી ફરીને એ વાંચ્યો. ત્યાં તો સૂરજનો સારથિ અરુણ દ્વાર પર આવીને ઊભો. આ વખતે રાજ્યશ્રી સ્વયં પ્રકાશમૂર્તિ બની ગઈ હતી. એણે ગડી વાળીને પત્ર તૈયાર કર્યો. ત્યારે એને યાદ આવ્યું કે પત્ર પાઠવવા માટે સુજાન સખીની આવશ્યકતા છે. મનમાં પ્રશ્ન થયો : કઈ સખીને મોકલું? કુંવારીને ? ના રે, એને શી ગમ પડે વાગુદત્તાની વેદનાની ? પરણેલીને બોલાવું ? ના રે, એનો રસ કુરસ થઈ ગયો હોય, એને આ બધામાં કંટાળો આવે. છેવટે એણે નિશ્ચય કર્યો કે આ કામ માટે મધુમાલતી જ યોગ્ય છે. એ પણ મારી જેમ વાગ્દત્તા છે; અને એનો નાવલિયો કુરુક્ષેત્રના સમરાંગણે સંચર્યો છે ! રાજ્યશ્રીએ સૂતેલી સખીઓમાંથી મધુમાલતીને ધીરેથી જગાડી. લાલ કમળ જેવા નયનવાળી મધુમાલતી કાષ્ઠપૂતળીની જેમ ખડી થઈ ગઈ. રાજ્યશ્રીએ એને પોતાની પાછળ પાછળ આવવા સંકેત કર્યો. મધુમાલતી ચકોર સખી હતી. એણે પગનાં ઝાંઝર ધીરેથી ઊંચાં કરી લીધાં, ને ઊંચે પગે રાજ્યશ્રીની પાછળ પાછળ ચાલી. બંને જણા અંદરના ખંડમાં પ્રવેશ્યાં. દીવે શગ ચઢી હતી,. પથારી એમની એમ પડી હતી. લખવાનાં સાધનો અહીંતહીં વેરાયાં હતાં. ‘સખી ! શું આખી રાત જાગી છે ?' મધુમાલતીએ સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો. ‘મુજ જેવીને ઊંઘ ક્યાંથી ? પ્રેમપત્ર – 301
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy