SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્યોધનને પોતાના મંત્રીઓને એણે કહેતો સાંભળ્યો હતો કે શ્રીકૃષ્ણ વગરના પાંડવો દાંત વગરના સાપ જેવા છે. એ દાંતને જ દૂર કરીએ. પછી આપણે સાપ પાસે ધાર્યો નાચ નચાવી શકીશું. - વિદુરજી, જેને ત્યાં શ્રીકૃષ્ણ મહેમાન થયા હતા, તેઓને પણ સાત્યકિએ સચેત કર્યા હતા : ‘રખેને તમારો ગાફેલ અતિથિધર્મ તમારા આતિથ્યને કલંકિત ન કરે !” વિદુર સીધા દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા ને બોલ્યા, ‘આ તમારો અભાગિયો છોકરો શ્રીકૃષ્ણને પકડવા તૈયાર થયો છે. એ એટલો બધો અવિચારી બન્યો છે કે પોતે સાપના દરમાં કે સિંહની બોડમાં હાથ નાખવા તૈયાર થયો છે એ જોખમનું પણ એને ભાન નથી !' ધૃતરાષ્ટ્ર મોં પહોળું કરીને સાંભળી રહ્યા. એ દીકરાથી ડરતા હતા. | વિનોદી શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રની મુલાકાત લેતાં કહ્યું, ‘કાકા ! આ આખો દાવાનળ પાણીના એક ટીપાથી બુઝાઈ શકે તેમ છે.' ધૃતરાષ્ટ્ર કહે, ‘એ શું ?” શ્રીકૃષ્ણ કહે ‘મને આપ દુર્યોધનને પકડી લેવાની મંજૂરી આપો. યુદ્ધનું મૂળ જ કાઢી નાખું, પછી ન રહે વાંસ ન બજે વાંસળી ' ધૃતરાષ્ટ્ર સ્પષ્ટ જવાબ આપી ન શક્યા, પણ એમણે દુર્યોધનને બોલાવ્યો. દુર્યોધન તો પોતાનું કાવતરું ફૂટી જવાથી ધૂંવાંપૂવાં થયેલો હતો. એણે બૂઢા બાપની એક પણ વાત ન સાંભળી, વૃદ્ધ પિતા પણ પુત્રપ્રેમને લીધે કંઈ સ્પષ્ટ કહી શક્યા નહિ. એમણે ફક્ત શ્રીકૃષ્ણને એટલું કહ્યું : | ‘મારો પુત્ર મારું પણ સાંભળતો નથી. જુઓ ને કેવો અવિવેક દાખવીને ચાલ્યો ગયો ? હે જનાર્દન ! મારું કંઈ ચાલતું નથી, બાકી પાંડવો તરફ મને લગીરે દ્વેષભાવ નથી.' શ્રીકૃષ્ણ પોતાના વિષ્ટિકાર્યની પૂર્ણાહુતિ કરતાં કહ્યું, “આર્યાવર્તને આગમાંથી બચાવવા હું આવ્યો હતો, પણ મને લાગે છે કે ભાવી કંઈ જુદું જ નિર્માણ થયું છે. સહુની દૃષ્ટિ એટલી ટૂંકી થઈ ગઈ છે અને મન એટલા નબળાં થયાં છે કે એ દૂરનું દેખી શકતાં નથી. હું આ આગનું મૂળ ડામવા ચાહતો હતો, દુર્યોધનને પકડી લેવા માગતો હતો; પણ વડીલ ધૃતરાષ્ટ્ર કંઈ આજ્ઞા આપી શક્યા નહિ. હવે બુંદથી બગડેલી હોજથી સુધરશે કે નહિ, એ સવાલ છે. એમનો પુત્રપ્રેમ પરમ અંધ છે. હું હવે પાંડવો પાસે જાઉં છું, પણ છેલ્લે એક નીતિસૂત્ર કહેતો જાઉ છું.’ શ્રીકૃષ્ણ કણ વાર થોભ્યા. એમણે એક નજર ચારે તરફ ફેરવી. બધા ચિત્રની જેમ સ્થિર થઈને વાત સાંભળી રહ્યા હતા. 284 પ્રેમાવતાર શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, ‘રે વડીલ ! તમારા ઉદ્ધત અને ટૂંકી દૃષ્ટિવાળા પુત્રને કબજામાં રાખજો, નહિ રાખો તો ભયંકર કાલાગ્નિ સળગી ઊઠશે. નીતિનું સૂત્ર છે કે સંગ્રામ ન કરો. સલાહ કરો. ઓછીવત્તી વહેંચણી કરો, પણ કોઈને સાવ રઝળતા ન કરો. વળી કોઈની સમાધાનવૃત્તિને નબળાઈ ન માનો. એક તણખલું પણ જ્યારે ઊડીને આંખમાં પડે છે, ત્યારે માનવીને હેરાન હેરાન કરી મૂકે છે. પુત્ર ન માને તો પુત્રનો ત્યાગ કરો. નીતિકારનું એક વચન છે કે આખા કુટુંબને બચાવવા એક માણસનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો; આખા ગામને બચાવવા એક કુટુંબનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો; અને આખા દેશને બચાવવા માટે ગામનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો, અત્યારે લાખો માનવીઓના ઉગાર કે સંહારનો આધાર તમારા એક પુત્ર પર જ છે.' ધૃતરાષ્ટ્ર કંઈ જવાબ આપી ન શક્યા. દુર્યોધને દૂર ઊભા ઊભા હસ્યા કર્યું; એણે ફક્ત એટલું જ કહ્યું, ‘માગે કંઈ મળતું નથી. યુદ્ધ વગર સોયની અણી જેટલી ભૂમિ પણ પાંડવોને મળશે નહિ.' સાત્યકિની વાત પૂરી થઈ કે યાદવસભામાં ચારે તરફથી અવાજો ઊડ્યો, યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ !” ‘શું યુદ્ધ ? કેવું યુદ્ધ ?' બલરામ વચ્ચે ખડા થઈને કહ્યું, ‘યુદ્ધ એટલે શત્રુ ને મિત્ર બંનેનો વિનાશ, એ જાણો છો ?' - ‘જાણીએ છીએ, પણ કેટલીક વાર જીવન કરતાં જીવનના વિનાશથી તૈયાર કરેલું ખાતર દેશની વાડીઓને પ્રફુલ્લાવે છે.' પાસે બેઠેલા ભીમે કહ્યું, ‘તમે બધા નચિંત રહેજો. આ ગદાના પહેલા યા બીજા પ્રહારે જ દુર્યોધનનું ઢીમ ઢાળી દઈશ!' | ‘ભીમ ! ઢીમ ઢાળીને પણ સંતોષ નહિ થાય.' બલરામે કહ્યું ને યુદ્ધના જુસ્સાને ઠંડો પાડવા તેઓએ શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો, ‘શું કુંતા ફોઈ મળ્યાં હતાં? શું એ કંઈ બોલ્યાં ? સો સામે પાંચને લડવાની શિખામણ આપી ખરી ?' બલરામ માનતા હતા કે માતા કુંતાએ દીકરાઓને બળિયા કૌરવોથી બાથ ભરવાની ના કહેવરાવી હશે. શ્રીકૃષ્ણ સભામાં ઊભા થઈને બોલ્યા, ‘માતા કુંતા પણ ત્યાં જ હતાં; મારો ઉતારો પણ ત્યાં હતો. રવાના થતી વખતે હું વંદન કરવા ગયો, ને કહ્યું કે ભીમ માટે કંઈ ભાતું મોકલવું છે ? ત્યારે એ બોલ્યાં કે ભાતામાં એક વાર્તા આપું છું. મારી પાસેથી બરાબર સાંભળીને યથાવતું ત્યાં કહેજો.’ ‘એ વાત જલદી કહો.” ઉતાવળા બલરામ ઉતાવળ કરી રહ્યા. કુંતા ફોઈએ વિદુલા અને તેના પુત્રની વાર્તા મને કહી, એ વાત હું ભીમને તથા તમને સહુને કહું છું.’ સહુ સહુના રાહે ન્યારા 1 285
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy