SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ખોટો ભય સેવીને શા માટે ડરપોક બનવું ?' ‘ભાભી ! મારા કહેવાનો ખોટો અર્થ ન કરો. હું નિરર્થક હત્યાઓની વાત કરું છું. ગુનો કર્યો આ યુધિષ્ઠિરે કે દુર્યોધને, પણ એની સજા આખા ભારતવર્ષને શા માટે?’ ‘કોઈ પણ વૃક્ષનું પાંદડું વૃક્ષની જાણ વગર પીળું પડતું નથી; કોઈ પણ પાપ કોઈની પણ જાણકારી વગર આચરી શકાતું નથી. જે પાપ સામે લડે છે, એ સાચા છે. જે પાપ સામે મૌન રહે છે, એ વધુ પાપી છે.' દ્રૌપદી બોલી. એની છટા, એની મુખમુદ્રા, એની બોલવાની ઢબ, ઊભા રહેવાની પદ્ધતિ આકર્ષક હતી. તે અન્ય યાદવ સ્ત્રીઓને ઝાંખી પાડતી હતી. ધારે ત્યારે એના ઓષ્ઠ પર મધના કુંભ છલકાતા, ધારે ત્યારે ત્યાંથી ઝેરની વર્ષા થતી. ‘હું યુદ્ધનો વિરોધી છું; બાકી જો સમસ્ત પ્રજાવર્ગ પાપનો સામનો કરવા તૈયાર થાય તો કાલે પૃથ્વી પર સ્વર્ગ રચાઈ જાય. અહિંસા ને સત્ય તો શિરનાં સાટાં માર્ગ છે.’ ‘હું બીજી વાત નથી કરતી. હું જાણું છું કે મહારથી અર્જુન અંદરખાનેથી સંધિના પક્ષમાં છે. વિગ્રહની ઇચ્છા કરે તો એને ઘણું ઘણું શોષવું પડે તેમ છે. કાલે એનું કંઈ થાય તો એની પાછળ એકત્ર કરેલી આ ધનદોલતનું શું ? એની રૂપાળી દ્રૌપદીનું શું થાય ? સુંદર સુભદ્રાનું શું થાય ? એવી બીજી બેચારને કોણ ભોગવે ? રે શ્રીકૃષ્ણ ! સંસાર સંધિની વાતો ભલે કરે કૃપા કરી, તમે એવી વાતમાં ન પડશો. તમે ક્રૂર કંસની સાથે કાલયવનની સાથે ક્યાં સમજૂતીની વાતો કરી હતી ? ચિંતા ન કરશો. પાંડવો શત્રુઓને પ્રેમ કરશે તો મારા વૃદ્ધ પિતા યુદ્ધે સંચરશે. મારા ભાઈઓ સાથ આપશે, મારા પાંચે પુત્રો અભિમન્યુને આગળ કરીને લડશે. આ મારા ચોટલાના ચૂંથનાર દુઃશાસન અને એના સાગરીતોના કપાયેલા હાથ અને મસ્તક ધૂળમાં રગદોળાતાં ન જોઉં ત્યાં સુધી મને શાંતિ નથી! મરવું એક વાર છે. ઇજ્જત માટે વહેલાં મરવું એ બેઇજ્જતીથી દીર્ઘકાળ જીવવા કરતાં શ્રેષ્ઠ છે.' દ્રૌપદીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. દ્રૌપદીને કોઈએ જવાબ ન આપ્યો. હવામાં એક નાદ ગુંજી રહ્યો : યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધ ! યુદ્ધ એ જ યુગધર્મ ! ચાલો, કદમ બઢાવો ! સત્ય માટે, હક માટે, હદ માટે માથાં આપો, માથું લો! આવા યુદ્ધના ધમકારાથી દિશાઓ ભરાઈ ગઈ. સાત્યકિએ રથની લગામ હાથમાં લીધી, અર્જુન, દ્રૌપદી અને છેલ્લે શ્રીકૃષ્ણ રથમાં ગોઠવાયાં, ને રથ ઊપડ્યો. 280 – પ્રેમાવતાર 37 સહુ સહુના રાહ ન્યારા ચિંતાભરી કેટલીક રાતો ઊગી અને આથમી. દ્વારિકાનાં સરોવરોમાં કેટલાંય કમળફૂલ ખીલ્યાં ને કરમાયાં. તર્ક અને વિતર્કથી ભર્યા કેટલાય દિવસો પસાર થઈ ગયા. સહુનાં હૈયાં નવી નવી વાતો જાણવા ખૂબ ઇંતેજાર હતાં. યુદ્ધની કથા હંમેશાં શ્રવણરમ્ય હોય છે. આજ વહેલી સવારે મહારથી સાત્યકિ શ્રીકૃષ્ણને લઈને હસ્તિનાપુર પાછો આવી ગયો હતો. કેટલાંક કામ એવાં હોય છે કે એ પૂરાં થાય તે પહેલાં એને વિષે અનેક પ્રકારની કિંવદંતીઓ ચાલુ થઈ ગઈ હોય છે. એક કિંવદંતી એવી પ્રચલિત થઈ હતી કે સંધિના કાર્યમાં શ્રીકૃષ્ણને નિષ્ફળતા સાંપડી છે, અને યુદ્ધનો આદેશ અપાઈ ગયો છે; કુરુક્ષેત્રના આરે આખું આર્યાવર્ત આવવાનું છે. આર્યાવર્તનું આભ યુદ્ધનાં વાદળોથી છવાતું જાય છે. બલરામજીના આવાસે આ સમાચાર પહોંચ્યા, ત્યારથી એ ઉપરતળે થઈ રહ્યા : ક્યારે શ્રીકૃષ્ણ આવે અને ક્યારે બધી વાત જાણું. પોતાના સ્વભાવ મુજબ તેઓ વગર માગ્યો અભિપ્રાય આપતા હતા કે જો યાદવો યુદ્ધમાં ભાગ લેશે તો હું તીર્થયાત્રાએ ચાલ્યો જઈશ. આ મૂર્ખાઓનાં કામમાં આપણી મદદ ન હોય. નમકુમારના અંતરમાં એક નવું યુદ્ધ જાગી ઊઠ્યું હતું. એ વિચારતા હતા કે આ બધાં યુદ્ધોની જન્મભૂમિ મૂળ તો માનવનું મન છે. રાજસંન્યાસીઓ જે સિંહાસનને કાષ્ઠનો ટુકડો સમજી તજી દે છે, એ કાષ્ઠના સિંહાસન ખાતર આ બધા આખી દુનિયાને સળગાવવા તૈયાર થયા છે. એ માનવમનને કેળવવું જોઈએ, એના રાગ અને દ્વેષ દૂર થાય તેમ કરવું જોઈએ. આ વિચારણામાં નેમકુમારને અરણ્ય ઘર જેવું લાગવા માંડ્યું. કેવું અરણ્ય, જ્યાં પોતાનું પારકાને આપવાનો ધર્મ સહુ સ્વીકારી બેઠા છે ! આંબો કેરી પકવે છે,
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy