SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારની સ્ત્રીઓને તમારા વિકારનું પાત્ર બનાવનારા તમે તમારી સ્ત્રી સામે કોઈ મેલી નજરે નીરખે, એ વિચાર પણ કેમ સહી શકતા નથી ? જેના તેના તરફ તમે નજર નાખતા ફરો છો, જેને તેને લૂંટો છો, જેને તેને બદનામ કરો છો, ત્યારે એ પણ તમારી પત્ની જેવી પત્ની, તમારી માતા જેવી માતા અને તમારી બહેન જેવી બહેન છે, એ વાત કેમ સાવ ભૂલી જાઓ છો ? અપની લાપસી ઔર પરાઈ ફૂસકી – આજ સુધી એમ જ કર્યા કર્યું. શું તમે એમ માની લીધું કે કર્મરાજાના દરબારમાંથી ન્યાયાધીશ ગુજરી ગયો છે; અને તમારો ન્યાય કદી ચૂકવાશે નહિ ? રે મૂર્ખ ! રે શતાનિક, સંસારમાં તેં આજ સુધી શું સારાં કામ કર્યાં છે કે આજ દયા માગવાનો તારો અધિકાર રહે ? તેં જે બીજા સાથે આચર્યું એ જ આચરણનું આ પ્રત્યાચરણ માત્ર છે ! તારાં અગણિત અપકૃત્યોનો આજ તને ન્યાય મળે છે. દયાનો હકદાર તું રહ્યો નથી ! નિર્બળ પર જુલમ ગુજારનાર એ દિવસે ભૂલી જાય છે, કે એક દહાડો મારાથી અધિકો સબળ જ્યારે મારા પર જુલામ ગુજારશે, ત્યારે દયા માગવાનો મને લવલેશ પણ અધિકાર નહિ રહે. શતાનિક પાગલની જેમ પોતાના પડછાયા સામે જોઈ રહ્યો. એમાંથી મારમાર કરતો પ્રદ્યોત ધસી આવતો દેખાયો. થોડી વારમાં પ્રદ્યોત અદૃશ્ય થયો ને દધિવાહન દેખાયો. એ જાણે ભયંકર ગર્જના કરતો સંભળાયો : યાદ આવે છે ચંપાની તમારી ચઢાઈ ? સગપણે તો સગો સાઢુ થતો હતો, પણ રાજકીય બહાના નીચે એને હણી નાખ્યો. એની સ્ત્રીની શી દશા થઈ, એની તને ખબર પડી ને ? એની પુત્રી તો તારા નગરના ગુલામ-બજારમાં છડે ચોક વેચાણી ! ભગવાન મહાવીર કહેતા હતા કે પૃથ્વી તો પ્રેમનું મંદિર છે, એને દ્વેષનું નરકાગાર ન બનાવો. હસતાં કરેલાં કર્મ રડીરડીને ભોગવતાં પણ આરો આવતો નથી, પાપનું પ્રાયશ્ચિત કરવાની ઘડી આવી પહોંચી છે ! શતાનિક હવે શા માટે ભીરુ થઈ પાછો ભાગે છે ? મર્દની જેમ મેદાને પડ ! તારા એક યુદ્ધ પછી હજારો સ્ત્રીઓ ગુલામ બની છે. તેં અનેક સ્ત્રીઓને વિધવા, નિરાધાર બનાવી છે. તારા યુદ્ધના પરિણામે કરોડો સ્ત્રીઓએ શીલ વેચવાનાં હાટ માંડ્યાં છે. કેટલાંક આશાસ્પદ બાળકો જિંદગી વેડફી ગલીએ ગલીએ પેટ માટે ભીખ માગતાં થયાં છે. ને માગી ભીખ ન મળી ત્યારે લુચ્ચાઈ, દોંગાઈ ને દુષ્ટતાને પંથે પળ્યાં છે ! જે ચોરને તું દંડે છે, જે ખૂનીને તું શૂળીએ ચઢાવે છે, એ ખરી રીતે તેં જ સરજાવેલી ભૂતાવળો છે. વિચારવાની ઘડી હતી ત્યારે તેં તારા પગ નીચે દબાયેલી કીડીની સ્થિતિ ન 90 D પ્રેમનું મંદિર વિચારી. હવે હાથીના પગ તળે દબાયેલા એવા તારી સ્થિતિનો કોણ વિચાર કરશે ? પ્રજાની સેવા માટે રાજા છે, એ નિયમ તું ભુલી ગયો. પ્રજાને તારી જાતની સેવા માટે વાપરી ! જે ચોકીદાર ગામની રક્ષા માટે હતો, એને બદલે ગામે ચોકીદારની રક્ષા કરી ! રાજા શતાનિક સામે જાણે સમગ્ર સંસારનો નકશો ચીતરાતો ચાલ્યો. એ નકશો જાણે કહેતો હતો : અરે રાજા ! શેરને માથે સવાશેર છે, એ પાઠ તું કેમ ભૂલી ગયો ? સબળાની ફરજ નિર્બળનું રક્ષણ કરવાની, શ્રીમંતની ફરજ ગરીબને મદદ આપવાની, એ સિદ્ધાંત તેં વિસાર્યો; ને વાડીની ચોકી કરનાર વાડે નિરાંતે નિષ્ઠુર ભાવે ચીભડાં ગળ્યાં ! રાજાની પવિત્ર સંસ્થાએ પૃથ્વી પર ભારે અનર્થ જન્માવ્યા. તમે જન્માવેલ અનર્થોએ દુનિયા આખી જર્જરિત બની ગઈ. તમે તમારા વિલાસ, વિકાર અને વૈભવ પોષવા હજારો તૂત ખડાં કર્યાં. તમને એ ખોટા તૂત માટે દુન્યવી ઇન્સાફ અડી ન શકે, ને પ્રજાને એ માટે સજા ! કેવો તમારો ન્યાય ! પણ આજ દૈવી ન્યાય ચૂકવાય છે. તમારું યુદ્ધ બીજા યુદ્ધને ખેંચી લાવ્યું ! રે, બાવળ વાવીને કમળફૂલ વીણવાની આશા રાખવી નકામી છે. રાજાએ નાની એવી બારી વાટે દૂર દૂર નીરખ્યું. બે પ્રકાશમાન તારલિયાઓ પર એની ઉન્મત્ત દૃષ્ટિ સ્થિર બની અરે, એ તો મહાકામી ને મહાક્રોધી પ્રદ્યોતની આંખો છે ! એ આંખો પોતાની રૂપસુંદર રાણી મૃગાવતીને વિલાસ માટે માપતી હતી, મૃગાવતીનાં રૂપભર્યાં અંગોને એ આંખો જાણે ગળી જતી હતી. સુંદરીઓ ! તમારા મોં પર પડદા નાખો ! તમારા મોહક ચહેરા પુરુષોની સુખ-શાન્તિને હરી લે છે. તમારા આકર્ષક અવયવ ઉપર આવરણ નાખો, જેથી પુરુષની આંખો એને નીરખી પણ ન શકે ! ચૌદ ચૌદ ખંડિયા રાજાઓનું સૈન્ય લઈને અવંતીનો પ્રદ્યોત આવ્યો છે. વિકરાળ, ખૂની, જલ્લાદ ક્રોધી પ્રદ્યોત મારી નગરીને ખેદાનમેદાન કરશે, મારા નગરની દોલતને લૂંટી જશે. રે, એક પણ સૌંદર્યવતીને સ્પર્ધા વિના એ કેડો નહિ છોડે ! એટલું જ નહિ મારી રાણી મૃગાવતીને પણ એ લઈ જશે, એની લાજ લૂંટશે : મારા કુમાર ઉદયનને પકડીને એ હાથીના પગતળે ચગદર્શ ! વિનાશનો ઝંઝાવાત મારા સમગ્ર રાજ્યને આવરી લેશે. તો હું શું કરું ? મૃગાવતીને સોંપી દઉં ? હજાર રોગનું એક ઔષધ ! પણ ના, ના, એ ન બને ! એ તો કાયરનું કામ ! તો શું મૃગાવતીને ઝેર આપી મારી નાખું ? એનું ગળું પીસીને એનો જીવ લઉં ? તોય એ રૂપલાલચુ પ્રદ્યોતને શી ખાતરી થશે કે મૃગાવતી મરી ગઈ છે ? હાથનાં કર્યાં હૈયે 91
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy