SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બાળક વળી કૂતરાનાં બચ્ચાંને લાકડીએ મારે છે. કૂતરું બિલાડીને દેખ્યું છોડતું નથી, ને બિલાડી પારેવાને પકડીને છૂંદે છે. પારેવું ઝીણાં જંતુને છોડતું નથી. જંતુ વળી એનાથી નાનાં જંતુને સંહારી જાય છે. છોડ વળી ધરતી કે જેના પર એ ઊભા છે, એનો રસકસ પીધા કરે છે : આમ સબળ નિર્બળને ખાય એ વિશ્વનો નિયમ છે, ત્યાં દયા ને માયાનો પ્રશ્ન કેવો ! “સંસારના આ વિષમ ચક્રનો કોઈ આદિ કે અન્ન નથી. સદોષ કોણ કે નિર્દોષ કોણ એનો નિર્ણય કરવો એ સામાન્ય વાત નથી. ખૂન કોનું ને ખૂની કોણ, એ નિર્ણય કરવો મુશ્કેલ છે. જે સાપ દેડકાને ખાવા તૈયાર થયો છે, એ સાપને મારવા નોળિયો પાછળ ખડો છે; ને જે દેડકો અત્યારે નિર્દોષ રીતે હણાતો દેખાય છે, એ ઘડી પહેલાં નિરાંતે અનેક ઊડતાં જંતુનો નાસ્તો કરી ગયો હતો. “દયા એક જાતની કાયરના મનમાં વસેલી નિર્બળતા છે, માત્ર શક્તિશૈથિલ્ય છે. હું કૌશાંબી પાસેથી, કૌશાંબીના રાજા પાસેથી, એની પ્રજા પાસેથી પૂરેપૂરો બદલો લઈશ." એ હંમેશાંની સ્વસ્થ રીતભાત ભૂલી ગયો. ઊભો થયો તે પણ ઠેકડો મારીને પગ માંડ્યા તે પણ છલાંગ મારીને એ દોડ્યો. આહ ! શું શક્તિનો ધોધ છૂટો હતો ! ક્ષણ વારમાં એ અદૃશ્ય થઈ ગયો. ચિતારો દબાતે પગલે દોડ્યો. રાતના પહોર વધતા ચાલ્યા. ચંદ્રરેખા આથમી ગઈ. મધરાતને પહોર પેલો ચિતારો કંઈ લઈને નાસતો જોવાયો. પૃથ્વીનું એક કણ આજ મહાવંટોળ આણવા જતું હતું જે કીડીની હંમેશાં ઉપેક્ષા થઈ હતી, એ કીડી હાથીનું કટક નોતરવા હાલી નીકળી હતી ! રોગ ને શોક ક્યાંથી, યે અજાણ્યે ખૂણેથી આવે છે ને આવશે, એ કોણ જાણે છે ? 70 E પ્રેમનું મંદિર 11 અવંતીપતિ પ્રધોત ક્ષિપ્રા નદીના સુંદર તટ પર અવન્તીનું પાટનગર ઉજ્જૈની આવેલું છે. એ વખતે ગગનચુંબી મહાલયો ને આભ ઊંચી અટ્ટાલિકાઓથી શોભતું એ નગર હતું. કાવ્ય, સાહિત્ય ને શૃંગારની અહીં ભરપટ્ટ નદીઓ વહેતી. વિલાસ આ નગરપ્રજાનો ખાસ ગુણ હતો; વિકાર અહીંનું ખાસ ગીત-કાવ્ય હતું. કારણ કે અહીંના કવિ-કલાકારોનો નાયક રાજા મહાસેન પ્રદ્યોત, શૃંગારરસ અને વીરરસનો સ્વામી હતો. યુદ્ધની વાત આવી કે એ ચારે પગે સજ્જ થઈ જતો. શૃંગારની સામગ્રી આવી કે ભૂખડી બારસની જેમ તૂટી પડતો. આ બે એના રસાસ્વાદ; એમાં જે વિઘ્ન નાખે, એની સામે એ યમરાજની અદાથી, ભયંકર કાળસ્વરૂપ બનીને ઝૂઝતો, એ વેળા એના ક્રોધને સીમા ન રહેતી. સદોષ કે નિર્દોષ; શત્રુ કે મિત્ર, જે કોઈ વચ્ચે આવ્યું એ છૂંદાઈ જતું, એના કોપાનલને શાન્ત કરવો સામાન્ય વાત નહોતી, આ કારણે એને ઘણા ચંડ(-પ્રચંડ)પ્રદ્યોત કહેતા. યુદ્ધના મેદાનમાં એના તલવારના વાર જોવા એ ખરેખર, લહાવો હતો. સો સેનાઓનું સામર્થ્ય એના એકમાં દેખાતું. એના નામ માત્રથી ભલભલા ભડવીરોના છક્કા છૂટી જતા. બળવાન શત્રુસેનાની હિંમત એના નામ માત્રથી નાસી જતી ! આ અવંતીપતિ પ્રદ્યોતે પોતાની સાથે પોતાના જેવા ચૌદ રાજાઓને રાખ્યા હતા, જે એના ખંડિયા હતા ને એની સામંતગીરી કરતા હતા. આ અલબેલી ઉજ્જૈનીના તીરે, થાક્યોપાક્યો ચિત્રકાર ચાલતો ચાલતો આવી પહોંચ્યો. માર્ગની મુશ્કેલીઓએ, ક્ષુધા અને તૃષાએ એના વેરભાવને બમણો બનાવ્યો હતો. થાક્યો-હાર્યો ચિત્રકાર સંધ્યા સમય થઈ જવાથી શહેરની બહાર એક વટવૃક્ષ
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy