SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખું” પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખ્ખજૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિમાદિત્ય હેમુ’માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખએ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખ્ખની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ” છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ’ શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન', “કંચન અને કામિની', ‘યાદવાસ્થળી', પારકા ઘરની લક્ષ્મી', ‘પ્રેમપંથ પાવકની જ્વાલા’, ‘શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખનું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. | ‘જયભિખુનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨00૮ - ધીરુભાઈ ઠાકર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy