SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 18 લોખંડી પુરુષ સૃષ્ટિ ગાતી હતી. નવલખ તારલા નાચતા હતા. ચંદ્રની કૌમુદી રસ ઢોળતી હતી. મદભર્યા મદ્યના પ્યાલા જેવી એકાંત રાત જામતી હતી. સરિતાનાં શાંત જળ નીલમ જેવાં ચમકતાં હતાં. કાંઠા પરની ટેકરીઓ પણ ધવલ ચાંદનીમાં પોતાના કઠોર દેહને નિખારી રહી હતી. સરિતાનાં જળ પર એક નૌકા લાંગરેલી હતી. એ રાજૌકા હતી, એનું નામ રાજહંસ હતું. રાજહંસના રાતા પગની જેમ એનું તળિયું લાલ હતું ને આગળનો મહોરો પણ રાતી ચાંચવાળો હતો. સ્ફટિક નૌકાદીપ આગળના ભાગમાં ચમકતો હતો. રાજવંશીઓ માટેની આ વિહારનૌકા હતી. આ નૌકાઓમાં કેટલીય અભિસારિકાઓ રાજવંશીઓને યૌવનનાં દાન આપી ગઈ હતી, અગણિત નર્તિકાઓ અહીં નૃત્યનો ઠમકો અને રૂપની છટા વિખેરી ગઈ હતી. રાજવંશીઓના જીવનમાં સંગ્રામ અને સૌંદર્યે ઘર કર્યું હતું. આની પાછળ એમની ઘેલછા જગજાહે૨ હતી. કર્મમાં શૂરવીર ક્ષત્રિય અગણિત હતા; સૌંદર્યઘેલાનો પણ કોઈ સુમાર ન હતો; પણ ધર્મમાં શુરવીર તો આંગળીને વેઢે ગણાય તેટલાય માંડ મળતા. જગતસુંદરી સુનયના થોડી વાર પહેલાં જ ત્યાં આવી હતી. સુવર્ણ-પાલખીમાં રાજસેવકો એને મૂકી ગયા હતા. આ સેવકોએ અનેક સુંદરીઓને અહીં પહોંચતી કરી હતી, પણ આજની આ સુંદરી અપૂર્વ હતી. એનું છકેલું રૂપ ભલભલા શાન્ત યોગીનેય બહાવરો બનાવે એવું હતું. રાજકુમાર કાલકની ધર્મપ્રિયતા સેવકો જાણતા હતા. સાથે તેઓને એ અનુભવ પણ હતો કે ધર્મમાં આગેવાન રાજાઓ પણ આવા સૌંદર્ય-ઝરણની સામે પોતાનો સંયમ જાળવવામાં ઢીલા સાબિત થયા હતા. નૌકાના મખમલી પગથાર પર ધીરે ધીરે ચઢી રહેલી સુનયનાને જોઈ રાજસેવકો પણ કવિ બની ગયા. તેઓ ચંદા વધુ સુંદર કે આ ચંદ્રમુખી વધુ સુંદર, એની મનોમન કે હરીફાઈ માંડી બેઠા. નૌકાની સંભાળ સશસ્ત્ર યવનીઓ રાખી રહી હતી. તેઓ જ નૌકા ચલાવતી, તેઓ જ નૌકા સજાવતી, અને રૂઠેલી કોઈ સૌંદર્યભરી નારીને સીધી કરવાનું કઠોર કામ પણ તેઓ જ કરતી. યવનીઓ આજની સુંદરીને નીરખી રહી. જેવું રાજકુમાર કાલકનું યૌવન હતું એવું જ આ નવર્ષાવનાનું હતું. આ નૌકામાં આજે પહેલી જ વાર કાલકકુમાર પધારતા હતા અને જીવનમાં પહેલી જ વાર સૌંદર્યભરી નારીનો સંગ સાધતા હતા. યવનીઓ ભારે હોંશમાં હતી. તેઓને ખાતરી થઈ ગઈ હતી કે, રાજકુમાર અજબ મૈના ઉપાડી લાવ્યા છે. સુનયના મંદ ગતિએ અંદરના ખંડમાં પ્રવેશી. આ ખંડની શોભા અપરંપાર હતી. સ્ફટિકના ઝુમ્મરોમાંથી દીવા તેજ-કિરણાવલ ઢોળી રહ્યા હતા. જુદા જુદા કાચના રંગમાંથી નીતરતો પ્રકાશ સુનયનાનાં નમણાં અંગોને અનેરા રંગે રંગી રહ્યો હતો. સુનયનાએ દીર્ઘ કેશાલિને મોતીની માળાથી ગૂંથી હતી. માથે ચમકતી દામિની બાંધી હતી. વક્ષસ્થળ પર નામમાત્રનો પારદર્શક ઉરબંધ બાંધ્યો હતો. એના ગૌર દેહને સંતાડતા રત્નજડિત હાર કંઠમાં ઝૂલી રહ્યા હતા. પાનાગારમાંથી નીકળીને આવતી હોય એમ એની આંખમાં ઊંઘ, મદ અને આલસ્ય ભરેલાં હતાં. ચાંદનીના ધવલ મિશ્રણથી બનેલા એના ગૌર દેહ પર નીલરંગી ઉત્તરીય નાખ્યું હતું. આ ભારતનું સુપ્રસિદ્ધ હંસલક્ષણ પટકૂળ હતું, એની કિંમત અમૂલ્ય હતી. ને સુંદરીઓ એને ફક્ત એક રાત જ દેહ પર ધારણ કરી શકતી. પણ આમાં ગૂંથેલી સોનાસળીઓ ને રજતશલાકાઓ ગૌરાંગનાના દેહ પર ધૂપ-છાંવની શોભા ખડી કરી દેતી. સુંદરી સુનયના ધીરેથી ફૂલ-બિછાવેલી શય્યા પર આડી પડી. દેહછટા દ્વારા અંગોને સુલિત દેખાડવાની કલામાં એ નિપુણ લાગી. એક તરફથી જોતાં એ અર્ધનગ્ન કિન્નરી લાગતી; બીજી તરફથી જોતાં એ અપ્સરા જેવી વસ્ત્રહીન ભાસતી. ફૂલશય્યાની પાછળ એક મોટી બારી હતી. બારી વાટે ચંદ્રની રસળતી ચાંદની અંદર પ્રવેશતી. એ ચાંદની એના ભરાવદાર મુખ પર તેજછાયા ઢોળતી. ખીલતી કળી જેવા એના લાલ ઓષ્ઠ રક્ત કમળની પાંદડીઓની જેમ ખૂલતા અને બંધ થતા હતા. કમળની દાંડી જેવી એની નાસિકા મુખની મોહિનીમાં ઓર વધારો કરતી. લોખંડી પુરુષ – 137
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy