SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જેવી હું અબળા છું, એવી જ અડગ સબળા છું. હું પણ કંઈ તારાથી ઊતરું એવી નથી.” આમ અમે એકબીજાને પડકાર આપીને જુદાં પડ્યાં. મેં સાંભળ્યું છે કે એણે પત્ર લખ્યો છે. કંઈ કંઈ આશાના મિનારા તને તેણે બતાવ્યા હશે, પણ આ પત્રથી તને જણાવું છું, કે મારા હાથનો તું સ્વીકાર ન કરીશ. અલબત્ત, આમ કરીને હું મારા સર્વનાશનો ધર્મ નોતરું છું : પણ ખીણવાળા મુનિના શબ્દો, એની આત્માની વાતો મને આજે શાંતિ આપે છે. સુખ શરીરનો ધર્મ નથી, મનનો છે. શરીરના સંતાપથી આનંદ-સ્વભાવી આત્મા કરમાતો નથી, બલ્ક ઉનાળે આંબા પ્રફુલ્લે એમ પમરે છે.' રાજ કુમાર કાલક પત્ર વાંચતા વાંચતો અટકી ગયો ને સરસ્વતી તરફ જોઈને ગદ્ગદ કંઠે બોલ્યો : ‘સરસ્વતી ! આપણા આર્યોને વ્રતનું, તપનું, શીલનું ગુમાન હોય છે : આપણે અભિમાન સેવીએ છીએ કે વતિયાં તો આપણે ! તપિયાં તો આપણે ! શીલ તો આપણું ! પણ અંબુજાના શીલ પાસે મારું મસ્તક નમે છે. વાસ્તવમાં તો મારે લગ્ન કરવાં નથી. મને તો મારું સોણલું સાદ કરે છે, નહિ તો....' કોલકે વાક્ય અધૂરું રાખ્યું. ‘એમ ઉતાવળે આત્મનિર્ણય ન આપો. આખો કાગળ પૂરેપૂરો વાંચો. આ પત્રે મારું તો ચિત્ત હરી લીધું છે. વાહ દેવી અંબુજા !” સરસ્વતી બોલી, અને એટલું બોલતાં એની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી રહ્યો : “ આપણે એને અભારતીય આત્મા કહેતા, ખરું ને ? પ્રાયશ્ચિત્ત કરવું પડશે, ભાઈ !' કુમાર કાલકે કંઈ જવાબ ન આપ્યો. એનું મૌન જ એનો જવાબ હતો. થોડી વારે સરસ્વતી બોલી, પત્ર પૂરો કરો. સુનયના પ્રવાસના શ્રમથી થાકેલાં હશે.” “ના, મને પ્રવાસનો શ્રમ જ લાગ્યો નથી !' સુનયનાએ કહ્યું. “કંઈ એમ હોય ? ભાઈ લાગણીમાં છે. લાવો, હું વાંચીને પત્ર પૂરો કરું.’ સરસ્વતીએ કાલકના હાથમાંથી પત્ર લેતાં કહ્યું : “અરે ! પણ અહીંથી અક્ષરો બદલાયા લાગે છે.” ‘બહેન ! એ અક્ષરો મારા છે. અંબુજાદેવીએ મારી પાસે લખાવ્યું છે. પછી સ્વહસ્તે લખવાની શક્તિ એ મહાદેવી ગુમાવી બેઠાં હતાં.' સુનયનાએ કહ્યું. એ શબ્દો શબ્દો નહોતા, જાણે રૂપેરી ઘંટડીઓનો રણકાર હતો. ‘વારુ !' સરસ્વતીએ પત્ર આગળ વાંચવા માંડ્યો : ‘પ્રિય કાલક ! આત્મસંબંધે તું મારો છે, દેહસંબંધ ભલે તું અન્યનો હો. વેદના ને વિષાદની તું કલ્પના ન કરતો. સત-ધર્મના જુદ્ધ ચઢી છું : માથું આપવું પડશે તો આપીશ. ઇચ્છા બધી કંઈ બર આવતી નથી. ઇચ્છાઓ પણ ઋતુઋતુનાં ફૂલ જેવી હોય છે. એક ઋતુમાં ખીલે, બીજીમાં કરમાય. ‘હું જાણું છું કે બુલબુલને બાગ જોઈએ , વસંતને કોકિલ જોઈએ, ભ્રમરને પુષ્પ જોઈએ; તારે પણ કોઈ સાથી જોઈશે. એ સાથી તરીકે અતિ સુંદર પુષ્પ-પુષ્ય શું પુષ્પોની રાણી મોકલું છું. પૃથ્વીમાં સ્વર્ગ ઉતારે તેવી છે, અને અબળામાં અપ્સરા જેવી છે. વળી ભારતીય છે. ‘મને ભૂલી જ જે ! એને તું સ્વીકારજે. ખીણવાળા મુનિની મુલાકાત પછી તારા ચિત્તમાં જબ્બર પરિવર્તન આવ્યું છે, તે હું જાણું છું. તું સંસારને વામાચારથી, અંધ ચારથી, તંત્ર ને મંત્રના પરિબળથી દૂર લઈ જવા માગે છે : એ માટે તું રાજયોગી થવા ઇચ્છે છે, પણ એક વાર સુનયનાને સ્વીકારજે , તારો ગૃહસ્થાશ્રમ ધન્ય ન થઈ જાય, તો મને કહેજે. ‘તું કદાચ કોઈ નિર્ધાર કરી ચૂક્યો હોય, તારા નિર્ધારના વજીને હું જાણું છું, પણ એક વાત એક વાર મારી માની લેજે . તારા નિર્ણયમાં તું સ્વતંત્ર છે, પણ તારો નિર્ધારની ફેર વિચારણા માટે એક વાર સરિતા-તટ પર, તું અને સુનયના એકલાં નૌકાવિહાર કરી આવજો. માત્ર તમે બે જ જણાં જજો, બહેન સરસ્વતી પણ નહિ. પછી જે તારો નિર્ધાર થાય તે જણાવજે . મને ભૂલી જજે !' ‘સુનયનાને અપનાવજે !! ‘તારો પંથ સુખકર હો.’ - છેલ્લી છેલ્લી તારી અંબુજા. પત્ર પૂરો થયો. ત્રણે જણાં ચિત્રમૂર્તિઓ જેવાં સ્તબ્ધ બનીને બેસી રહ્યાં. વાણીનો વ્યાપાર ત્યાં શક્ય નહોતો : લાગણીનાં પૂર અનહદ વહેતાં હતાં. 118 લોખંડી ખાખનાં ફૂલ મને ભૂલી જજે ! | 119
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy