SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 13 મરકટ અને મદિરા યુવાની આવીને દ્વાર પર ઊભી હોય, પણ અંદર આવતી ન હોય ને બહારથી માત્ર ડોકિયાં જ કરતી હોય : એનું રંગભર્યું - મદભર્યું મોં ડોકાતું હોય, ને વળી અદૃશ્ય થતું હોય એ સ્થિતિ જીવનની મધુરમાં મધુર સ્થિતિ છે. એ વખતે માણસ સ્વપ્નાં જોતો હોય છે, સ્વપ્નાંમાં જીવતો હોય છે ! કાલકકુમારના એવા દિવસો વ્યતીત થતા હતા. માણસ તરીકે જુઓ તો સદ્ગુણનો ભંડાર ! ક્ષત્રિય તરીકે જુઓ તો શૂરાતનનો અવતાર ! રાજકુમાર તરીકે જુઓ તો રાજા રામની પ્રતિમા ! જોતાં જ મનડું મોહી જાય એવો યુવક ! દેશદેશથી રાજકન્યાઓનાં કહેણ આવતાં હતાં. કહેણ પણ કેવાં કેવાં ? ભારતના મોટા મોટા ચમરબંધી રાજવીઓની દુહિતાઓનાં. એ વખતની પ્રથા મુજબ ઠેર ઠેરથી બ્રાહ્મણ પુરોહિતો છબીકારો સાથે હાજર થયા હતા. રાજરાજના છબીકારોએ જ્યારે છબીઓનો ખોલીને ઢગલો કર્યો, ત્યારે એક અપૂર્વ સૌંદર્યમેળો ત્યાં જામી ગયો. એક અલકલટની શોભાથી માનવના મનને મુગ્ધ કરનાર બંગાળાની ને અવન્તિની રાજકન્યાની છબીઓ એમાં હતી. અંગની ફૂદા જેવી ફોતરી અંગનાઓ એમાં હતી. વંગનાં રસની ડાળે ઝૂમતાં પતંગિયાં પણ એમાં હતાં. કેકયદેશની ઊઘડતા કેસૂડાના રંગવાળી રાગભરી રમણીઓ પણ એમાં હતી. કેસરની ક્યારી જેવી કાશ્મીરની કન્યાઓ પણ એમાં હતી. સપ્તસિંધુની સ્વાસ્થ્યભરી સુંદરીઓ પણ હતી-જેના ચિબુક પર ચમરબંધીઓ જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. અનેક દેશની અનેક સુંદરીઓનાં કહેણ આવ્યાં હતાં. ગમે તેવો પુરુષ એ સૌંદર્ય જોઈ ઘેલો થઈ જાય, નાચવા લાગે, ઝૂમવા લાગે : પણ રાજકુમાર કાલક એ જોઈને નાચી ન ઊઠો, ઝૂમી ન ઊઠ્યો, બલ્કે કંઈક વિચારમાં પડી ગયો. છબીઓ લાવનારા તો મનમાં કંઈ કંઈ કલ્પનાઓ લઈને આવ્યા હતા. તેઓને તો અનેક રજવાડાંઓના રંગભર્યા અનુભવો હતા. રાજકુમારો છબીકારોની સાથે એ સુંદરીનાં અંગોપાંગની છૂટથી ચર્ચા કરતા, અને એ વખતે કાવ્ય, અલંકાર ને નાટ્યશાસ્ત્ર સજીવ થઈ જતાં. એ વખતે છબીકારના માટે રાજકુમારનું મન પ્રસન્ન કરવું એ કપરી કસોટીરૂપ થઈ જતું. આખું કામશાસ્ત્ર ત્યાં સજીવ કરવું પડતું ! સ્ત્રીનાં કયાં અંગમાં વધુ ખૂબી! સ્ત્રીનું કયું અંગ પુષ્ટ જોઈએ, કયું અપુષ્ટ જોઈએ, સુંદરી કઈ વાતમાં દીર્ઘ જોઈએ, સ્ત્રી કઈ વાતમાં લઘુ જોઈએ ! છબીકાર જે સુંદરીની છબી લઈ આવતો એને માથે એ છબીની સુંદરી અનુપમ લાવણ્યવાળી છે, એ સિદ્ધ કરવાનો ભારબોજ રહેતો. એ કામગીરીની સફળતા-નિષ્ફળતા પર જ એનું ઇનામ નિર્ભર રહેતું. કામશાસ્ત્રની ચર્ચા થયા પછી લક્ષણશાસ્ત્ર ચર્ચાતું. લક્ષણની દૃષ્ટિએ સુંદરીના આ દેહમાં કયું લક્ષણ સારું છે, એ નક્કી કરી આપવું પડતું. પછી જ્યોતિષ આવતું. જ્યોતિષની દૃષ્ટિએ રાશિ અને ગ્રહોનો મેળ છે કે નહિ, તે પણ ચર્ચાતું. આટલી ઝીણી ચાળણીએ ચાળ્યા પછી, રાજકુમાર ચાર-પાંચ કન્યાઓ પસંદ કરતો. એમાંથી સર્વ શ્રેષ્ઠની ચૂંટણીની જહેમત જાગતી. આ પ્રસંગે રાજકુમાર કાલકને એક ભયંકર અનુભવ થયો. એણે કેટલીક છબીઓ જુદી તારવીને મૂકી. પોતાની વાતને વધુ વેગ આપવા એક છબીકારે એક રાજકન્યાનું સ્નાન સમયનું ચિત્ર રજૂ કર્યું, ને એ બોલ્યો : ‘કુમાર ! સૌંદર્યઝરણના સ્નાનમાં દિન-રાતનું ભાન ભૂલી ન જાઓ, તો મને કહેજો.' આ શબ્દોએ રાજકુમાર કાલકને એકદમ વ્યાકુળ બનાવી નાખ્યો. એણે છબી ઉઠાવીને ફેંકી દીધી ને છબીકારને કાન પકડીને ઊભો કરી દીધું. છબીકાર કાલકના લોખંડી પંજામાં બિલ્લીના હાથમાં ઉંદર તરફડે એમ તરફડી રહ્યો. કાલકકુમાર બોલ્યો : ‘રે ! તમે રાજકુમારોને શું પશુ સમજો છો ? જાઓ, બધી છબીઓ અહીંથી ઉઠાવી જાઓ.' મરકટ અને દિરા D 97
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy