SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થપાઈ જાય, સ્ત્રીમાત્ર પુરુષને રમવાનું રમકડું બની જાય; સતીત્વ સ્વપ્ન બની જાય, ને સારી સંતતિ સંસાર પર દુર્લભ બની જાય.' આર્યગુરુ હૃદયની વેદના ઠાલવી રહ્યા. મઘા યજ્ઞકુંડ જેવા લાલચોળ બનેલા ગુરુના મુખ સામે તાકી રહી. ગુરુ આવેશમાં આવે તેમ શકરાજ ઇચ્છતા નહોતા, એમને જોઈતું રાજ, જોઈતી ધરતી અને જોઈતું ઐશ્વર્ય સાંપડી ગયું હતું. શાંતિનો રોટલો ને ઓટલો છોડી હવે ગુરુને ખાતર મેદાને પડવું રુચતું નહોતું. ઉજ્જૈનીના દર્પણસેનની પ્રચંડ તાકાતની તરેહવાર વાતો એમને કાને આવી રહી હતી. કોઈ ગુફાવાસી સિંહની જેમ ગુરુ ખંડમાં આંટા મારી રહ્યા. થોડીવારે બોલ્યા, ‘શકરાજ ! હવે તમારે નજીકના ભવિષ્યમાં શસ્ત્ર ઉપાડવાનાં છે.” ‘ગુરુદેવ ! વરસાદ ખૂબ છે. ઘોડા, રથ કે શકટ ચાલે તેવા માર્ગ રહ્યા નથી.’ શકરાજે કહ્યું. ‘હું એ બરાબર જાણું છું. મને એનું પૂરેપૂરું ભાન છે, પણ યુદ્ધ પહેલાં યુદ્ધની તૈયારીઓ તો આદરવી જોઈએ ને ! પૂર્વ તૈયારીઓ પર જ યુદ્ધનો આખરી અંજામ અવલંબેલો હોય છે. તમે ભારતનાં ઇતિહાસ ને ભૂગોળ સમજ્યા?' “સમજ્યો છું, સમજવા પ્રયત્ન કરું છું. પણ મને તો આપના એ શબ્દો યાદ આવે છે કે યુદ્ધ શાપ છે ! આપનો ઉપદેશ કેમ ભુલાય ?' શકરાજે જાણે સગવડ મુજબ જૂની વાતનું સ્મરણ કરાવી રહ્યા. ‘મારું તીર અને મને જ ઘા ? શંકરાજ ! ન માનશો કે મારી ગુંથેલી સાદડી મને વિખેરતાં વાર લાગશે.' આર્ય ગુરુએ ગર્ભિત ધમકી આપી. એમની આંખોમાં કેસરી સિંહની આંખોની લાલિમા ચમકી રહી. ‘ગુરુદેવ ! સેવકને તો આપનો જ સમજો. આ તો મેં સાંભળ્યું છે કે રાજા ગર્દભિલ્લુ અજબ મંત્રધારક રાજા છે. એનાથી બધા ઘૂજે છે. એ મેલી વિદ્યા પણ જાણે છે. મહાબળવાન છે. અમારી પાસે લડાઈને યોગ્ય શક્તિ છે, પણ મંત્રશક્તિ તો નથી જ. શત્રુ પાસે જે શક્તિ હોય એને પહોંચી શકાય તેવી શક્તિ હોય તો જ સામનો કરવો ઘટે.' ‘રાવણથી તો વધુ બળવાન નથી ને ? જેનાં ત્રાજવામાં સત્ય છે એને જયપરાજયની ખેવના નથી. ધર્મનો જય કરવો છે, અધર્મનો જય થાય તો એ જોવા માટે જીવવાની કંઈ જરૂર નથી ! શકરાજ , ચિંતા ન કરશો. જરૂર પડશે તો હું પોતે સેનાપતિપણું સંભાળી લઈશ; અને તમે શિબિરમાં સુંદરીઓ સાથે સુખચેનથી રમજો . બૂડેલાને બે વાંસ ઉપર વધુ.’ આર્યગુરુના અંતરનો લાવા બહાર માર્ગ કરી રહ્યો. શકરાજ વગર સ્પર્શ દાઝી રહ્યા. 416 લોખંડી ખાખનાં ફૂલ શકરાજે જોઈ લીધું કે આર્યગુરુને આ બાબતમા ભોળવી શકાય તેમ નથી. એ એમના કોપાનલથી દાઝયો હોય તેમ બે ડગલાં પાછળ હઠડ્યો. એણે મઘાને આંગળી કરી. મઘા બોલી, ‘ગુરુદેવ ! એક સરદારોએ બહેન સરસ્વતી મુક્તિ આંદોલનમાં સર્વસ્વ અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રવિજયી શક યોદ્ધાઓનો ઉત્સાહ દ્વિગુણ થયો છે. આજ ભારત-વિજય કરવા એ થનગની રહ્યા છે. શક શહેનશાહના જમાઈ ઉષવદાત પણ સાહસોમાં ભાગ લેવા આવવાના છે.' આર્યગુરુનાં નેત્રમાં અગ્નિ પ્રગટ્યો હતો, મઘાનાં વચનોથી એ કંઈક શાંત થયો. એમણે કહ્યું, ‘મઘા ! યુદ્ધ મને પ્રિય નથી. યુદ્ધ પ્રિય હોત તો ક્ષત્રિય રાજ કુમાર તરીકે જન્મ્યો હતો. રાજા બનીને રણક્ષેત્રમાં ઘૂમત. હું માનું છું કે શસ્ત્રથી શાંતિ નથી સ્થપાતી, બાહ્ય યુદ્ધ માં જીવનનો વિજય નથી, આંતરયુદ્ધ દ્વારા જ વ્યક્તિનો વિજય નક્કી થાય છે, પણ એક એવી પરિસ્થિતિમાં મુકાયો છું, જ્યારે મારે અનિવાર્ય રીતે સાધુપદનો ત્યાગ કરી ક્ષત્રિયપદ ફરી સ્વીકારવું પડ્યું છે.” ‘રાજાની સાન પ્રજા ઠેકાણે આણે. એ પરિસ્થિતિને પ્રજા પોતે હલ ન કરી શકે અને સાધુનો શાંતિનો માર્ગ નષ્ટ કર્યો. મને એ પ્રજા તરફ તિરસ્કાર છે. એ પ્રજામાં પ્રાણ કેવા ?' શકરાજે ફરી ચર્ચામાં ભાગ લીધો. | ‘પ્રજા સદાકાળ એવી ને એવી છે. પછી એ ભારતની હોય કે શકદ્વીપની. આપે શકદ્વીપ છોડ્યો ત્યારે પ્રજા શું કરતી હતી ? તમારો પડછાયો પણ કોઈ પ્રજાજન લેતું હતું ? ધન્યવાદ આપો મધાને ! એણે પ્રજાને તૈયાર કરી. અવન્તિની પ્રજાનું પણ એવું છે. જો એનામાં પ્રાણ હોત તો મારે ધર્મનું આસન છોડવું પડત જ કેમ ? અરે, જો પ્રજામાં પ્રાણ રહ્યા હોત તો તમે આટલા ગણ્યાગાંઠ્યા સૈનિકોથી આટલી સહેલાઈથી સૌરાષ્ટ્રનો વિજય મેળવી શક્યા ન હોત. પ્રજાનો પ્રાણ પરવારી ગયો છે, ખોખું પડ્યું છે. મેં પ્રજાને પૂરેપૂરી નાણી જોઈ પછી જ આ પગલું ભર્યું છે. એ અત્યાચારી વરુ સામે ઘેટાંના ટોળા જેવી લાગી. મેં કરવા જેવી કોઈ વાત બાકી રાખી નથી. મેં મહાજનની શક્તિને જગાડવા માગી ને મહાજન હાડકાંનો માળો લાગ્યું. મેં અમલદારોનો સંપર્ક સાધી એમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કર્યો ને એમને મેં સત્ય ને ધર્મ વિનાની સ્વામીભક્તિમાં જ મગ્ન જોયા. અરે ! મેં ખુદ આતતાયીને વીનવ્યો, સમજાવ્યો, કાકલૂદી કરી, પણ ઘેટાંના ટોળામાં નિર્દૂદ્ધ રાજ ચલાવતા એ વરુએ મને પણ એક બેં બેં કરતું ઘેટું જ માન્યું, મઘા ! સત્ય અને ધર્મ વિનાના રાજને ચાલવા દઈએ, તો પૃથ્વી પર દેવાંશી લોકો ન અવતરે, પૃથ્વી અધર્મથી ગંધાઈ ઊઠે. મહામાનવો ત્યાં ન સંભવે. શુદ્ર કીડા જ મનુષ્યરૂપ પામે.’ જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે 417
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy