SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અને પેલાં દૂર દૂર કળાતાં બે વહાણોની સામે જવા નીકળી પડ્યા. આ નાવડીઓ નાની હતી, પણ એમની માતા જેવી હૂંફાળી હતી, ને આ રત્નાકર તો તેમનો પિતા હતો.* આ વહાણવટીઓ ભારે કુશળ હતા. નાની સરખી નાવડી પણ એમના હાથમાં પડીને મોટા જહાજનું કામ કરતી અને બાણ ચલાવવામાં તો એ બીજા અર્જુન જેવા હતા. ગમે તેવું લક્ષ્ય અંધારી રાતે, આંખે પાટા બાંધીને માત્ર શબ્દના આછા અણસારે વીંધી શકતા. આ લોકો લહેરી અને મરજીવા હતા. એ કોઈ વાર માછલી પકડતા, કોઈ વાર મોતી લઈ આવતા, તો કોઈ વાર માણસ પકડતા અને કોઈ વાર યુદ્ધે ચડી, વિજય વરીને ધન, ધાન્ય, સુવર્ણ ને સ્ત્રીઓની લૂંટ કરી લાવતા. પણ ગાય, બ્રાહ્મણ અને સાધુને એ ન અડતા. સ્ત્રીની બાબતમાં એ નીતિ પાળતા, છતાં સ્ત્રીને કેદી તરીકે પકડતાં અચકાતા નહીં. સુવર્ણની શોધ એ એમનું મુખ્ય ધ્યેય હતું. રત્નાકર એમના ધંધાની મોટી પેઢી હતો. આકાશમાં ઉષાએ હમણાં જ ગુલાબી રંગ પૂર્યો હતો ને પૃથ્વી પરથી શ્યામ અંચળો હજી હવે ઊઠી રહ્યો હતો. આવા ઝાંખા પ્રકાશમાં આ લોકોનો પ્રવાસ સુખદ થતો, ને પાછલા પહોરની નિદ્રાનો લાભ સારો મળતો. થોડીવારમાં પચીસ-ત્રીસ નાવડીઓ વેગથી પેલાં બે આગંતુક વહાણો તરફ સરવા લાગી. દરેક નાવમાં સશક્ત અને સશસ્ત્ર જુવાનો હતા, થોડાક વૃદ્ધો પણ હતા, અને કેટલાક જુવાનીને ઉંબરે આવતા કિશોરો પણ હતા. કિશોરોનો ઉત્સાહ અજબ હતો. તેઓ શિખાઉ હતા, અને લડવાના આવેગમાં આમતેમ શસ્ત્રો ઘુમાવી રહ્યા હતા. સામેથી આવતાં જહાજોનો નૌકાદીપ હજી જલતો હતો. જહાજના આગળના ભાગમાં સશસ્ત્ર યોદ્ધાઓની એક પંક્તિ ઊભેલી નજરે પડતી હતી. ઉષા અરુણને સાદ દેતી હતી. સાગરપેટ પર પ્રકાશ પથરાતો હતો, ત્યાં નાની નાની નાવોમાંથી શંખ ફૂંકાયા, ભેરી વાગી ને સાથે સળગતાં બાણો છૂટ્યાં. આ બાણોનો વેગ અપૂર્વ હતો; થોડીવારમાં લક્ષ્યને ભેદી નાખે તેવો હતો. પણ ત્યાં તો સામેથી એટલા જ વેગથી, એટલી ચોક્સાઈથી બાણ આવવા લાગ્યાં. અને બાણે-બાણ ભટકાઈને સાગરશરણ થવા લાગ્યાં. આગંતુક જહાજો પણ એ જ ગતિથી આગળ વધતાં હતાં. એમને હૈયે લેશ પણ થડકારો લાગતો નહોતો. - થોડીવાર બન્ને તરફથી બાણોની ઉપરાછાપરી વર્ષા થઈ રહી, પણ એકેય બાણ પેલાં બે જહાજોને સ્પર્શી ન શક્યું. નાની નાની નાવોનો સમૂહ ધીરે ધીરે વધી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં ચારપાંચ જુવાન એક એક નાવને લઈને આવી રહ્યા દેખાતા હતા. સહુ જાણે મોજ માં હતા. કોઈ ધંધાદારી કામે જતા હોય, તેવું તેમના ઉત્સાહ પરથી અને આવડત પરથી લાગતું હતું. મોતી શોધવા, માછલી પકડવા કે યાત્રાળુ વહાણ લુંટવા એ રોજ આ રીતે નીકળતા; એમનો એ રોજિંદો વ્યવસાય હતો. દરિયામાંથી જે મળે – રત્નાકર રોજી તરીકે રોજ જે આપે તેમાંથી અમુક ભાગ દેવભાગ તરીકે તારવીને મંદિરમાં અર્પણ કરતા અને બાકીનો ભાગ જૂથવાર સમાન ભાગે વહેંચાતો. આગંતુક બન્ને વહાણ મોટાં હતાં, માલદાર લાગતાં હતાં, ને એના પરના પ્રવાસીઓ પણ કંઈક સુખી હોય તેવા દેખાતા હતા. આજ સારો શિકાર મળશે એ વિચારથી બધાનાં મન ઉમંગમાં આવી ગયાં હતાં. નાની નાની નાવો હવે ઠીક ઠીક આગળ વધી હતી ને જહાજની સમીપ જવા પ્રયત્ન કરી રહી હતી. કોઈ મોટા ગઢની અંદર પ્રવેશ કરવા પાયદળ લશ્કર પ્રયત્ન કરે એમ, આ લોકો યત્ન કરતા હતા. કેટલાક તીરંદાજી કરી રહ્યા હતા, તો વળી કેટલાક એકદમ પાસે સરકી જઈને આ કડિયાવાળી રસ્સીઓ જહાજ પર ફેંકવા લાગ્યા હતા. આ રસી જહાજમાં ભરાવી, તે વાટે જહાજ પર ચઢી તેઓ હાથોહાથનું યુદ્ધ ખેલવા માગતા હતા. જીતનો નિર્ણય આ પ્રકારની લડાઈ કરી આપતી. રસ્સીઓ ઊંચે ફેંકવામાં આવી અને જેવી ફેંકાઈ તેવી ધાર્યા નિશાને ભરાઈ પણ ગઈ. મોંમાં તલવાર, પીઠ પર ધનુષ્યબાણ ને કમરમાં ફરસી લઈને નાવમાંથી જુવાનો ઉપર ચડવા લાગ્યા. રસ્સી પર વાનરો ચડે એ કુશળતાથી તેઓ ચડી ગયા, પણ તેઓ પોતાના કાર્યનો પ્રારંભ કરે એ પહેલાં તો યુક્તિપૂર્વક તૂતક પર ગોઠવેલું પાટિયું ખસી જતાં, બધા વહાણના ભંડારિયામાં જઈ પડ્યા. જોતજોતામાં તેમના સૌરાષ્ટ્રની ધરતી પર 385 * આજની બંગાળની ખાડીનું પ્રાચીન નામ મહોદધિ હતું ને અરબી સાગરનું પુરાણું નામ રત્નાકર હતું. ‘હિંદ’ શબ્દ મુસ્લિમોથી પણ બારસો વર્ષ પ્રાચીન છે. ઈરાની સમ્રાટ ઘરાના શિલાલેખમાં ‘હિંદુ શબ્દ છે, સિંધુ હિંદુના સમીકરણથી જ યુનાની લેખકોએ Indos-ઇંડોસ-કહ્યો. ઇડોસમાંથી ‘ઇંડિયા’ આવ્યું. સિંધુનું પ્રાચીન નામ સૌવીર. 384 લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy