SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અંબુજા વસંતનું સુંદર પ્રભાત એની તમામ સુંદરતા સાથે ખીલી રહ્યું હતું. મગધની પાંચ પવિત્ર ટેકરીઓની વચ્ચેથી શીતળ જળનાં ઝરણાં મધુર અવાજ કરતાં વહી જતાં હતાં. પંખીઓ વસંતની શોભાને વધારતાં ગાઈ રહ્યાં હતાં. મયુર ને મયૂરી, મૃગ ને મૃગી, કપોત અને કપાતી અંતરમાં સ્નેહના ઉછાળા લઈ સ્નેહી સંગે ઘૂમતાં હતાં. આવે ટાણે મહાગુરુની સિદ્ધકુટીઓની પાસે બે યુવતીઓ અને એક યુવાન શીતળ ઝરણાને કાંઠે આવેલી મીઠી આમ્રઘટામાં બેઠાં હતાં. ત્રણે શાંત બેઠાં છે, પણ અંતર કંઈક અશાંત છે. એક નર છે, એ કાલક છે. બે નારીઓ છે, તે સરસ્વતી અને અંબુજા છે. ત્રણે જણા આ વનમાં ને પહાડોની ખીણોમાં ઘણી વારથી ચિત્રવિચિત્ર ઔષધિઓ નીરખતાં ફરતાં હતાં. ચિત્રાવેલી જે સુવર્ણસિદ્ધિ માટે કામ આવતી તે, અને કૃણમૂડી જે માણસને નવયૌવન માટે ઉપયોગી નીવડતી-તેની શોધમાં ઘણો વખતે નીકળી ગયો હતો. વસંતની મીઠી હવા મંદ મંદ વહેતી હતી. અંબુજા વારંવાર કોઈ ગિરિખીણમાં ખોવાઈ જતી. કાલક જઈને એને શોધી લાવતો. જલદી હાથે આવે એવી એ છોકરી નહોતી. સરસ્વતી નરી સરળતાનો અવતાર હતી, એ તો ભાઈનો કેડો ન છોડતી, પગલે પગલું દબાવતી ફરતી, પણ અંબુજા ભારે ખેપાની હતી. કોઈ વાર કાંટાળી વિલમાં પ્રવેશ કરતી અને બુમ પાડીને કાલકને બોલાવતી, આ રહી કૃષ્ણમૂડી ! કાલક, આમ આવ !” કાલક ત્યાં દોડી જતો, પણ જ્યાં એ પાસે જતો ત્યાં બૂમ પાડીને એને દૂર થોભાવીને એ કહેતી : અરે કાલક ! ત્યાં જ થોભી જજે. આ તો કૃષ્ણ મૂંડી નથી, પણ નવયૌવનની વેલ છે. આઘો રહેજે ! તને બૂઢાને જુવાન બનાવી દેશે.' કાલકના સ્વસ્થ મન પર અંબુજા આ રીતે ઘા કરતી, સરસ્વતી આ મશ્કરીને નિર્દોષ માની એમાં રસ લેતી. એ પોતાના ભાઈનો બચાવ કરતી કહેતી : ‘મારો ભાઈ તો યૌવનમૂર્તિ છે. પણ વિદ્યાની ઉપાસનાની યોગ્ય મર્યાદા એ જાળવે છે. હવે તો ગણ્યાગાંઠ્યા દહાડા બાકી છે. પછી તું એની રસમસ્તી જોજે. પછી હું જ ભાઈ માટે કન્યા શોધવા જવાની છું. મને મદદ કરીશ ને, તું ?” ‘જરૂર, સરસ્વતી, ગમે ત્યારે બોલાવજે , પણ તારે મને પણ મદદ કરવી પડશે.' ‘જરૂ૨, વારુ કયા કામમાં મારી મદદ જોઈએ તારે ?’ સરસ્વતીએ સહજ ભાવે પ્રશ્ન કર્યો. એને એમ હતું કે અંબુજા કહેશે કે મારા ભાઈ દર્પણ માટે કન્યારત્નની શોધમાં તું મને મદદ કરજે . અંબુજા હસીને બોલી : “સરસ્વતી ! તમને તમારાં વડીલોએ મનને મારતાં શીખવ્યું છે. અમારી કેળવણી એથી જુદી છે. એવું મનમાં તેવું જીભમાં. જેવું હૈયામાં તેવું હોઠે. તમે હૈયામાં કંઈ ને હોઠે કંઈ – આવા નિયમનને વ્રત કહો છો. અમે એને દંભ માનીએ છીએ, પાપ લેખીએ છીએ.” અંબુજાએ કાંટાળી વેલના ઝુંડમાં પ્રવેશતાં કહ્યું. લાલ ફૂલવાળી વેલોની વચ્ચે શ્વેતાંગી અંબુજા બહુ મનોહર લાગતી હતી. એક કાંટાવાળી વેલમાં એના કેશ ભરાઈને છૂટા થઈ ગયા હતા અને એ કેશની અલકલટો એના ચંદ્ર જેવા મુખ પર ઊડી ઊડીને દ્રષ્ટાની નજર પર નજરબંદીનો જાદુ ચલાવતી હતી. ‘હવે વાતમાં મોણ નાખવાને બદલે ઝટ કહી દેને !સરસ્વતીએ આ માથાભારે યુવતીથી થાકીને કહ્યું, ‘તને વાદવિવાદમાં હરાવે એવો પતિ શોધી દેવો પડશે.” ‘વરની શોધ ? અરે, હું એ જ વાત તને કહેતી હતી. જો હું વરની શોધમાં નીકળું તો તું મને મદદ કરીશ ખરીને ?' અંબુજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. ‘હું ?” આટલું બોલીને ઝીણી નજરે સરસ્વતી તરફ એ જોઈ રહી. ‘હા, તું જ , એ વખતે મદદ કરી શકે તો તું એકલી જ કરી શકે તેમ છે.” અંબુજા [ 19
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy