SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. બધું વજનદાર લાગતું હતું, શ્વાસ પણ વજનદાર લાગતો હતો; અને દેહ પણ ભારે લાગતો હતો. રાજાએ યોગીરાજને પ્રશ્ન કર્યો, ‘આપણે થાકી નહી જઈએ ? હજી કેટલે દૂર જવાનું છે આપણે ?' મહાત્માએ જવાબ આપ્યો, ‘થાકી જઈશું પણ મરી નહીં જઈએ. ચિંતા તો મરવાની જ છે ને ?' ‘હા યોગીરાજ ! ડર તો મોતનો જ છે; બાકી થાક તો એની મેળે ઊતરી જશે.’ બંને જણા વળી આગળ વધ્યા. હવે તો એક સંસારની ઇતિશ્રી થઈ ગઈ હતી, અને નવો સંસાર શરૂ થયો હતો. મોટા મોટા વેલા, મોટાં મોટાં પાન, મોટાં મોટાં ફળ, બધી જ વનરાજી મોટી મોટી પણ ખાનાર ત્યાં કોઈ ન મળે ! આગળ જતાં વળી એક મોટો સાપ પડેલો દેખાયો. ન જાણે કેટલાય વખતથી એણે કાંચળી જ ઉતારેલી નહિ હોય. એના મોં આગળ કેટલાંય દેડકાં કૂદે, તોય એકેનો ભક્ષ કરવાની એની મરજી હોય તેમ ન લાગ્યું. ચેતનનો અવતાર એ નાગરાજ સાવ શિથિલ થઈને પડ્યો હતો. રાજા અને યોગી આગળ વધ્યા. ત્યાં દૂર દૂર એક સરોવર દેખાયું. એના ચારે કિનારા પાણીથી છલોછલ હતા. રાજાએ કહ્યું, ‘મહાત્માજી ! શું આજ એ અમર તળાવડી કે જેનું જળ પીનારાને મોત કદી સ્પર્શતું નથી !' મહાત્માએ કહ્યું, ‘હા, એ જ આ અમર તળાવડી પણ રાજા, મારી મંજૂરી લીધા પહેલાં એનું પાણી પીતા નહીં.' રાજાએ કહ્યું, ‘પ્રભુ, તળાવે આવી તરસ્યા નહીં રહેવાય. મારે અમર થવું છે.’ મહાત્માએ પ્રશ્ન કર્યો, ‘અમર શા માટે થવું છે ?” રાજાએ કહ્યું, ‘જીવનનો લહાવો લેવા. આ ધન, આ ધાન્ય, આ પુત્ર, આ પરિવાર, આ ક્ષણભંગુર દેહથી તે કેટલું ભોગવાય ? હું અમર થઈશ, નિર્ભય થઈશ પછી સંસારના તમામ ભોગ મારા થશે.’ મહાત્મા જવાબમાં ફક્ત હસ્યા ને બંને વળી આગળ વધ્યા. રાજા મોટી મોટી ફલાંગો ભરતો ચાલતો હતો. અમર તળાવડીનાં જળ હવે નજીક દેખાતાં હતાં. એના કિનારા અનેક જીવોથી ભરપૂર હતા. પણ બધે નિગૂઢ શાંતિ હતી. સ્મશાનમાં આવેલા ડાઘુઓના જેવું સહુનું વર્તન હતું. 312 D લોખંડી ખાખનાં ફૂલ મોટાં મોટાં પંખીઓ હતાં પણ કોઈ ગાતાં ન હતાં. જળચરો અનેક હતાં, પણ કોઈ રમતાં નહોતાં. મોટા મોટા મગરમચ્છોનાં જડબાં ખુલ્લાં હતાં. એમાંથી અનેક માછલીઓ જા-આવ કરતી હતી, પણ મગર જડબું બંધ કરતો નહોતો. જાણે એ કોઈને ખાવા માગતો નહોતો. એમ ને એમ ભૂખ્યો - તરસ્યો રહીને દેહને પાડી નાખવા માગતો હતો. પણ દેહ અહીં પડતો નહોતો, કારણ કે એ અમર ભૂમિ હતી. રાજાએ તળાવ તરફ જવાની ત્વરા કરી. એ ત્વરામાં એક સાપ પર એનો પગ પડી ગયો. રાજાએ બૂમ પાડી, ‘ઓ બાપ રે ! ખાધો !' મહાત્માએ શાંતિથી કહ્યું, ‘અહીં મોત છે જ નહિ. મોત હોત તો આ સાપનો છુટકારો ન થાત ? પેલી સર્પસુંદરી માટે આ બે સાપ લડે છે. લડીને બંને મરણતોલ થઈ ગયા છે. પણ અહીં મોત નથી એટલે એકે મરતો નથી અને લડાઈ અટકતી નથી. સર્પસુંદરી પણ બિચારી બેમાંથી એક ઓછો થાય તો વરવા તૈયાર ખડી છે.’ રાજાનું મુખ મલક્યું. એણે વિચાર્યું, “મારે તો મનગમતી સુંદરીઓ છે. એ મને વરેલી છે. હું અમર થઈશ, એનો એમને કેટલો આનંદ હશે !' રાજા અને યોગી ત્યાંથી પણ આગળ વધ્યા. રાજાથી હવે ઝાલ્યા રહેવાતું નહોતું. એ પાણી પીવાની ઉતાવળમાં હતો. એની નજર બીજી સૃષ્ટિ પર નહોતી, ત્યાં એક જળચરે કાંઉ કાંઉં કરી ઊડવા ચાહ્યું ને પાછું નીચે પટકાયું. એણે ભયંકર ચીસ પાડી. એ ચીસના પડઘા પડ્યા, ‘મને મીઠું મોત મળો !' તળાવના કિનારા પર પડેલા બધા જીવોએ પાંખો ફફડાવી, દાંત કચકચાવી બૂમો પાડી, ‘મોત અમને ખપે !' દિશાઓમાં સર્વત્ર મોત મોત શબ્દ જ ગુંજી ઊઠ્યો. એ શબ્દમાં કોઈ અનેરી મીઠાશ હોય તેમ મોત શબ્દને બધા ફરી ફરીને રટવા લાગ્યાં. રાજાને ભારે આશ્ચર્ય થયું. એણે યોગીને પ્રશ્ન કર્યો, ‘આ મૂરખાઓ મોત કેમ માગે છે ? મોત તે કાંઈ મિષ્ટાન્ન છે ?' મહાત્માએ કહ્યું, ‘રાજન ! આ જીવોને જીવન અબખે પડ્યું છે. જીવનથી એ કંટાળી ગયા છે. હવે એમને મોતની તાજગી જોઈએ છે. માટે એ મોત સામે ચાલીને માર્ગ છે.' ‘મૂર્ખ છે આ જાનવરો. માણસ આવી ભૂલ ન કરે. મહાત્મા, આજ્ઞા કરો, હું પાણી પી લઉં.' મહાત્મા કહે, ‘રે તું ડાહ્યો માણસ છે. અમર તળાવડીની આજુબાજુની દુનિયાને બરાબર નીરખી લે, અને પછી તારો નિર્ણય લે.' અકારું અમરપદ | 313
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy