SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું શયનગૃહ શેતાનનો આવાસ નથી, એ ઘર ધર્મરાજનું મંદિર છે. સંસારનાં પુણ્યશાળી સત્ત્વ ત્યાં દેહ ધરવા આવે છે !' અંતઃપુર ! ! આ વિશ્વાસઘાતી અંતઃપુરનો આજ સર્વનાશ કરીશ. સરસ્વતી પાતાળમાં છુપાયેલી હશે તો એને ત્યાંથી શોધી કાઢીશ. મારું તો જે થશે તે, પણ એને તો નષ્ટભ્રષ્ટ કરીને જ જંપીશ. દર્પણ આગળ વધ્યો. અંદરના ખંડમાં પ્રવેશ્યો. ત્યાં સરસ્વતી નહોતી. ત્યાંથી આગળ વધ્યો. બીજા ખંડમાં એ ઘૂમી વળ્યો. સરસ્વતીનું નામોનિશાન ન દેખાયું. ફક્ત એ ખંડમાં કેટલીક સ્ત્રીઓનાં પથ્થરનાં નગ્ન પૂતળાં હતાં. રાજાએ એ મનોરમ અંગો પર તલવારના ઘા કર્યા. પથ્થર સાથે લોઢું અફળાયું. તણખા ઝર્યા. એ તણખાના આછા ઝબકારમાં એક ઘૂંઘટ કાઢેલી સ્ત્રી અંદરના ખંડમાં દેખાઈ. એણે સુંદર વસ્ત્ર સજ્યાં હતાં; મોહક અલંકારો ધારણ કર્યા હતા. રાજાએ તલવાર ફેંકી દીધી. ૨ શસ્ત્ર શું ? એને પોતાને પોતાનું અપમાન લાગ્યું. એના જેવાને વળી તલવારની શી જરૂર ? સરસ્વતી જરા પણ બળ બતાવે તો, કમળના ફૂલને ચૂંથી નાંખતાં કેટલી વાર ! રાજા અંદરના ખંડમાં દોડ્યો. પેલી ઘૂંઘટપટવાળી સ્ત્રી બીજા ખંડમાં સરી ગઈ. રાજા ત્યાં દોડ્યો. એણે સ્ત્રીને કબજે કરવા હાથ લંબાવ્યો. સુંદરી સરીને ત્રીજા ખંડમાં ચાલી ગઈ. રાજા ખસિયાણો પડી ગયો, છતાં એ આંધળા ઝનૂનથી દોડ્યો. આખરે સ્ત્રીને પકડી લીધી; પકડીને એનો ઘૂંઘટ ખેંચી લીધો. સ્ત્રી ખુલ્લા મોંએ ઊભી રહી. રાજા ફરી ખસિયાણો પડી ગયો, “કોણ, અવન્તિની વારવનિતા અલકા ? રે રંડા ! તું અહીં ક્યાંથી ? સુકાયેલું વાસી ફૂલ, અને દેવના ચરણની ઝંખના ? છત્ !! ‘હા, હું અલકા. કાલકમુનિની શિષ્યા. રાજા, આ હઠ છોડી દે. આગ સાથે રમત ન રમ.” અવન્તિની ગણિકા બોલી. અલકા આજે ગુરુઋણ અદા કરવા આવી હતી. કાલકે એને કહ્યું હતું કે અલકા ! તું ધર્મને તાબે થા, સંસાર તારા તાબામાં છે, હું તારા તાબામાં છું. દર્પણનું અભેદ્ય અંતઃપુર આમ આજે એકાએક કાણું માલુમ પડ્યું. અરે ! અગ્નિ તો હું છું. તમે સ્ત્રીઓએ આજ મારી સામે બળવો કર્યો છે કે શું ?” રાજા દર્પણ બોલ્યો. આજ સુધીમાં એણે અનેક સ્ત્રીઓને શીલભંગ કરી હતી. પણ ક્યારેય એને એવો અનુભવ નહોતો થયો; બધે ઊંધા જ અનુભવો થયા હતા. રાજા દર્પણની શય્યાભાગિની થનાર સ્ત્રી પોતાને મહાભાગ્યશાળી ગણતી. 258 D લોખંડી ખાખનાં ફૂલ દર્પણનાં વૈભવ, વિલાસ ને વીરતાનો તો દુનિયામાં ડંકો દેવાતો હતો. ને અહીં આજે એની ખોખરી હાંડલી બોલતી હતી ! અને તે સ્ત્રીઓના હાથે ! રાજાએ આગળ વધી એ ગણિકાને ઊંચકી, ને એને નીચે પછાડવા જતો હતો ત્યાં એ બોલી, ‘રાજા, તારે ક્ષુધા શમાવવાથી સંબંધ હોય તો હું એ માટે જ આવી છું. જોઈ લે મારું રૂપ. સરસ્વતી મારા પગની પાનીએ પણ ન પહોંચે!' રાજા વધારે કુદ્ધ થયો અને તેણે પથ્થરની દીવાલ સાથે ગણિકાને જોરથી પછાડી અને બોલ્યો, ‘રે રંડા !તું શું જાણે ? રાજા દર્પણસેનને બત્રીસાં પકવાન જમ્યા પછી સદાવ્રતનો સૂકો રોટલો ખાવાના ભાવ થયા છે.' પછી રાજા દર્પણસૈન આગળ વધ્યો. એને વિશાળ સપ્તભૂમિકા પ્રાસાદ આજે આકરો લાગ્યો. આટઆટલા ખંડ-ઉપખંડ ન હોત તો એની સાથે આવી ભુલભુલામણીની રમત તો કોઈ ન રમત ! અત્યારે તો એ ક્યારનો પોતાના જીવનનું એક અધૂરું અરમાન પૂરું કરીને પાછો વળી ગયો હોત. ખરી રીતે દર્પણ હવે જૂનો અતિકામી અને અતિવિલાસી દર્પણ નહોતો રહ્યો; પણ સરસ્વતીની બાબતમાં બે વાત હતી, એક તો પ્રતિહિંસાની તૃપ્તિ અને બીજું કાલકના જૂઠા ધર્મને પડકાર. રાજા આગળ વધ્યો. નવા ખંડમાં પ્રવેશ્યો. રોજ બીજાને ભુલભુલામણીમાં ભૂલા પાડતો રાજા, આજે વગર ભુલભુલામણીએ પોતે જ ભૂલો પડતો જતો હતો! નવા ખંડમાં વળી એક શૃંગારસજ્જ સ્ત્રીને એણે જોઈ. એને થયું કે આ જ સરસ્વતી ! પણ એને તરત યાદ આવ્યું કે હું કેમ વીસરી ગયો કે સરસ્વતી સાધ્વી છે, ને એને માથે મુંડો છે. કેવો મૂરખ હું છું ! પળવાર પહેલાંની વાત જ વિસારે પડી ગઈ ! રાજા ફરીવાર છોભીલો પડી ગયો. કાલકના શબ્દો યાદ આવ્યા, ‘અપૂર્વ અંધ છે કામી ! રાત-દિવસ તે જોતો નથી !! આજનો અનુભવ એને પોતાની જાત ઉપર જ ચીડ ઉપજાવતો હતો. યુદ્ધમાં એ કદી આટલો પાછો પડ્યો નહોતો, રાજ કાજમાં એને કોઈએ આટલો પરેશાન કર્યો નહોતો. ને આજ ત્રણ ટકાની સ્ત્રીઓ એને બનાવી રહી હતી ! રાજા આગળ ન વધ્યો. હવે એ ખરેખર ચિડાઈ ગયો હતો. એણે કમર પરથી કટારી કાઢી, અને એ સ્ત્રીની છાતી પર તાકતાં બોલ્યો, “કોણ છે તું, એ કહે, નહીં તો આ કટારી તારું કાળજું વીંધી નાખશે.' છતાં સ્ત્રી શાંત ઊભી રહી. કટારી કરતાં કામિની બળવાન ભાસી, એણે કંઈ જવાબ ન વાળ્યો. મ્યાનનાં મૂલ ઘણાં 259.
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy