SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ના રે સ્વામી ! એની જીભમાં જ જાણે કેવો જાદુ ભર્યો છે ! એણે એવો જવાબ આપ્યો કે આખી સભા હસી પડી. આ જાદુગરથી તો ચેતતા રહેવાની જરૂર છે.' પુરોહિતે કહ્યું. ‘ચિંતા નહિ. પછી એણે શો જવાબ વાળ્યો ?' રાજા દર્પણર્સને પૂછ્યું. ‘એણે કહ્યું કે પશુ કંઈ તમારાં સગાંવહાલાં છે કે એના હિત માટે ચિંતા કરો છો ? અરે ! સ્વર્ગ કોણ ચાહતું નથી ? પહેલાં તમારાં સગાં-વહાલાંને સ્વર્ગ અપાવો, તમારી જાતને અપાવો. પશુઓને બિચારાને તો આ પૃથ્વી જ સારી છે. સ્વર્ગમાં ખાવા ઘાસ નથી. રાજન્ ! એ તો તમે ઉદાર અને દયાળુ રાજવી છો, નહિ તો બીજો કોઈ રાજા બ્રાહ્મણનું અને એમાંય પુરોહિતનું અપમાન સાંખી ન લે. એક ઘા અને બે કકડા કરે !’ પુરોહિતે વાતને બરાબર વળ ચઢાવ્યો. ‘ચિંતા ન કરો. એ નાસ્તિક પણ છે. એની હું બરાબર ખબર લઈશ.' રાજા દર્પણસેને ઉગ્રતામાં કહ્યું. ‘પણ સંભાળજો સ્વામી ! એણે લોકો પર ભૂરકી નાખી છે. લોકોને કહ્યું કે આત્મા એ જ પરમાત્મા. પરમાત્માની જે ભાવથી ઉપાસના કરો છો, એ ભાવથી તમારા આત્માની ઉપાસના કરો તો તમે જ પરમાત્મા બની જશો. કહે છે કે પ્રભુમંદિરમાં જે ચોખ્ખાઈથી વર્તો છો, એવી રીતે દેહમંદિરમાં વર્તો. કહે છે કે નર જો નિજ કરણી કરે તો નારાયણ હો જાય. નરથી નારાયણ જુદા નથી--જો નર સમજે તો.' પુરોહિતજી બોલ્યા. ‘ઓહ, મારો ગુસ્સો હાથમાં રહેતો નથી. એને હું જીવતું નરક બતાવીશ.' ‘રાજન્ ! વધુ શું કહું ? બધું એણે એક આરે કરવા માંડ્યું છે. એ મને ઉદ્દેશીને બોલ્યો કે ગુણ પૂજાને યોગ્ય છે, જ્ઞાતિમાં પૂજવાનું શું ? વનમાં ઊપજેલું પુષ્પ ગ્રહણ થાય છે ને પોતાના અંગ પર ઊપજેલો મેલ તજી દેવાય છે.” ‘કાલે હું એની નજર સામે જ શિકાર ખેલવા જઈશ.' સ્વામી, તો તો એ તમારી પણ નિંદા કરશે.’ ‘મારી નિંદા શું કરે ? હું એનો જ શિકાર નહીં કરું ? એની બહેનને...’ રાજા દર્પણસેન બોલતાં અટક્યો. બહાર સ્ત્રીઓનું મોટું ટોળું આવ્યું હતું, તેમનો કોલાહલ સંભળાતો હતો. અરે ! આ તો ઉજ્જૈનીની પરમ શોભારૂપ ગણિકામંડળ છે. રૂપનો દરિયો કોઈ દિવસ નહિ, અને આજ આમ ઊમટેલો જોઈ બધાને આશ્ચર્ય થયું. આ બધી ઘર ઘરની જ્યોત હતી. અનેક ઘર સળગાવીને એની તાપણીમાં તેઓએ અત્યાર સુધી ટાઢ ઉડાડી હતી. રજપૂત વીરો એમના સ્વાગતે આગળ 188 D લોખંડી ખાખનાં ફૂલ વધ્યા. અરે, આ તો સ્વયં મહાદેવી હસ્તિની ! ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી ! સાધુ કાલક વીસરાઈ ગયા અને આ સુંદરીઓએ સહુનાં મન–ચિત્તનો કબજો લઈ લીધો. સહુ આ નવેલીઓનાં સુંદર અંગોનું નેત્રસુખ લૂંટવામાં પડી ગયા. ‘સ્વામિન્ ! અલબેલી ઉજ્જૈનીનો સૂર્ય આથમતો લાગે છે. શહે૨માં વિલાસને અસ્પૃશ્ય, યજ્ઞને હિંસક કહેવામાં આવે છે અને માણસને તો પરમાત્મા સાથે સરખાવવા માંડ્યો છે અને અમને તો એણે ગાળો જ દેવા માંડી છે.' કલિકાએ કહ્યું . ‘તમારે જે કહેવું હોય તે મને નિઃસંકોચ રીતે કહો, હે નગરશોભિનીઓ ! વિશ્વાસ રાખો કે હું અદલ ઇન્સાફ તોળીશ.’ રાજા દર્પણર્સને આશ્વાસન આપતાં કહ્યું. ‘ગાળો તે પણ કેવી ? એ કહે છે : આટલી ચીજો સારી હોવા છતાં ખોટી સમજવી : દંતશૂળ વિનાનો હાથી, ગતિ વગરનો અશ્વ, ચંદ્ર વિનાની રાત્રિ, સુગંધ વિનાનું પુષ્પ, જળ વિનાનું સરોવર, છાયા વિનાનું વૃક્ષ, શીલ વિનાની સુંદરી, સુલક્ષણ વિનાનો પુત્ર, ચારિત્ર્ય વગરનો પતિ, દેવ વિનાનું મંદિર ને ધર્મ વિનાનું જીવન.' ‘અરે ! આ તો કોઈ વેદિયાની વાણી જેવું લાગે છે.' ‘નાજી ! લોકો અમને કહેવા લાગ્યા કે તમે ખોટી સુંદરીઓ છો. સુંદરી તો શીલવાળી હોય. જીવન તો ધર્મવાળું હોય. શું આ અમારી નિંદા નથી ?' કલિકાએ કહ્યું. ‘જરૂર છે.’ બધાએ ટેકો આપ્યો. ‘અરે ! એ તો આથી પણ આગળ વાત કરે છે : અમારાં સુંદર અંગોને એ નિંદે છે; કહે છે : આ તમારું મુખ શું છે ? શ્લેષ્મ અને પીઆનો દાબડો જ ને ! આ તમારાં વક્ષસ્થળો શું છે ? નર્યા માંસના લોચા જ ને ! આ તમારી દેહ શું છે ? કેવળ ગંદકીની પરનાળ જ ને ! એમાં મોહાવાનું શું ? સ્વામી ! આને તો હવે નાથવો જ રહ્યો.' “બસ કરો. મારાથી આ સંભળાતું નથી. હું કાલે જ શિકારે નીકળીશ.' રાજા દર્પણસેને કહ્યું. ‘સ્વામીને તકલીફ લેવાની જરૂર નથી. આ અલકા પોતે જ એના શિકારે નીકળવાની છે : સ્વામી શાંતિ સૈવે. સિંહને શિયાળ બનાવીને શીઘ્ર તમારી સમક્ષ હાજર કરીશ. ઉજ્જૈનીની વારવનિતાઓના પંજાનો સ્વાદ આ પુરુષ પણ ભલે એક વાર ચાખી લે.' ‘જેવી મહાસુંદરીઓની મરજી !' દર્પણસેને કહ્યું ને ધીરે ધીરે બધાં વીખરાયાં. સિંહ કે શિયાળ ? D 189
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy