________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આવા મહાસમર્થ જીવો પરમ વીતરાગમય સ્થિતિમાં રહેવા છતાં, લોકસમસ્તના જીવો માટે સતત કલ્યાણભાવ વેદતા જ હોય છે, તેથી તેમનાથી છોડાયેલા કલ્યાણનાં પરમાણુઓમાં આ મહાસંવરના માર્ગને આદરવા માટેનું ગુપ્ત વીર્ય સમાયેલું હોય છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે મહાસંવરના માર્ગ પર ચાલવા માટે દાતાની સ્થિતિ પરમ વીતરાગમય હોવા છતાં લોકકલ્યાણના ઉત્તમ ભાવથી નીતરતી રહે છે. એ મહાન આત્મા એક જ સમયે વીતરાગ અવસ્થા અને લોકકલ્યાણના ભાવ વેદે છે. તે માટે તે જીવ તેનો આત્મોપયોગ એટલા વેગથી ફેરવે છે કે જ્યારે તે પોતાની પરમાર્થિક દશાનુસાર વીતરાગતા અનુભવે છે તે જ સમયે તે લોકકલ્યાણના ભાવ પણ ઉત્કૃષ્ટતાએ વેદે છે.
આવી અપૂર્વ પ્રક્રિયા કરવાનું પરિણામ એ આવે છે કે જીવ જ્યારે લોકકલ્યાણના ભાવ કરે છે ત્યારે તેના આત્મામાંથી પરમાર્થ કલ્યાણનાં પરમાણુઓ બહાર નીકળી આખા લોકમાં ફેલાય છે. આ કાર્યથી ધર્મનું મંગલપણું, આણાએ ધમ્મો, અને આણાએ તવોની ત્રિકરણ પ્રક્રિયા એકસાથે કાર્યકારી થાય છે. આ પ્રક્રિયા કરવાથી એ જીવને ઉત્તમ પ્રકારનું પરમાર્થ પુણ્ય બંધાય છે. વળી એ જ સમયે તે જીવ ભાવપૂર્ણ આજ્ઞામાં રહી રાગરહિત એવી વીતરાગમય સ્થિતિમાં આવો પુણ્યબંધ કરે છે; તેને લીધે તેને કોઈ પદાર્થ, વસ્તુ કે ભાવની સ્થૂળતાએ ઇચ્છા હોતી નથી. ઇચ્છાના આવા અભાવને લીધે એ પરમાર્થ પુણ્યનો ઉદય તરતમાં થાય છે અને તેને રક્ષણ કરવાવાળું આજ્ઞાકવચ મળે છે. આ આજ્ઞાકવચની સહાયથી તેને ઉત્તમ સંવર પ્રાપ્ત થાય છે. વળી તેને વર્તતી વીતરાગતાને કારણે તે શીઘ્રતાથી સકામ નિર્જરા પણ કરે છે, કેમકે જો તે ન હોય તો વીતરાગતા પણ ન હોય. આમ સંવર તથા નિર્જરા બંને ઉત્તમતાએ થાય છે. અર્થાત્ તેને આશ્રવ નહિવત્ અને નિર્જરા અમાપ થાય છે.
અહીં આપણને જિજ્ઞાસુભાવ થાય કે જીવને જો અતિ અલ્પ કર્માશ્રવ હોય તો તેના લોકકલ્યાણના ભાવને પુદ્ગલદેહ આપવા માટે પૂરતા પુદ્ગલો ક્યાંથી સંપ્રાપ્ત થાય છે! આ પુદ્ગલો તેમને તેમના આત્મામાં સંઘરાયેલા પૂર્વ કર્મોમાંથી જ મળે છે.
૧૫૩