SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું વધતી ગઈ, સાથે સાથે તેમની અવધાની, જ્યોતિષી અને કવિ તરીકેની ખ્યાતિ પણ વધતી ગઈ હતી. પરંતુ વધતા વૈરાગ્યને કારણે તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા માંડ્યો. પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પરચા આપવા, વર્તમાનપત્રો કે માસિકોમાં લેખો કે કાવ્યો લખી મોકલવાં, અવધાનના પ્રયોગો જાહેરમાં કરવા વગેરેનો વિ.સં. ૧૯૪૩ સુધીમાં તેમણે ત્યાગ કર્યો હતો, અને તે પછીથી તેઓ આત્માની ખોજમાં વિશેષ વિશેષ લીન થતા ગયા હતા. વિ. સં.૧૯૪૦-૪૨ માં તેમણે મોક્ષમાળા, ભાવનાબોધ ની રચના કરી હતી. આ બંને ગ્રંથોમાં તેમનો વૈરાગ્ય તથા વીતરાગમાર્ગનું તેમનું શ્રદ્ધાન સ્પષ્ટપણે અનુભવાય છે. આ જ અરસામાં તેમણે રચેલાં પુષ્પમાળા, બોધવચન આદિ નીતિ વચનો તથા મુનિસમાગમ, દ્વાદશાનુપ્રેક્ષા આદિ લઘુ લેખોમાં તેમનો વૈરાગ્ય નજરે તરી આવે તેવો છે. જેમાંથી તેમની સંસારથી મુક્ત થવાની ભાવના પ્રબળ થતી દેખાય છે. જૈન સુત્રો તથા શાસ્ત્રના અભ્યાસને કારણે તેમને ઈશ્વરના શુધ્ધ તથા નિર્દોષ અને પવિત્ર સ્વરૂપનો લક્ષ આવ્યો, અને આવા શુધ્ધાત્મા ઈશ્વર રાગદ્વેષમય જગતનું સંચાલન કરવાથી પોતે અશુધ્ધ થાય એ સમજ આવતાં જગત્કર્તા ઈશ્વરની માન્યતા મંદ થઈ ગઈ. ઈશ્વર પૂર્ણ વીતરાગ છે, અને પૂર્ણ વીતરાગતામાં જ સાચું સુખ છે એ સમજાતાં, પોતાના આત્માને શુદ્ધ કરવાની તેમની તાલાવેલી વધી ગઈ. તે શુદ્ધિ વધારવાના થતા પુરુષાર્થમાં તેમનામાં અનેક ગુણો ખીલતા ગયા હતા. સં.૧૯૪૨ માં જ્યારે કૃપાળુદેવ મુંબઈ આવ્યા ત્યારે તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રયોગો જાહેરમાં અનેક નામાંકિત વ્યક્તિઓ સમક્ષ કર્યા હતા. તેમણે કરેલા અવધાનના પ્રયોગોની નોંધ મુંબઈ સમાચાર, જામે જમશેદ, ધ ઈન્ડિયન સ્પેક્ટટર, ટાઈમ્સ આદિ વર્તમાનપત્રોએ લીધી હતી, અને તેમની ભારોભાર પ્રશંસા પણ કરી હતી. તેમણે શતાવધાન સુધીના સફળ પ્રયોગો કરી બતાવી ઘણી ઘણી નામના મેળવી હતી. આમ સં.૧૯૪૩માં તેઓ અવધાનથી મળેલી કીર્તિની ટોચે હતા, છતાં વૈરાગ્યને કારણે એમણે એ વર્ષથી અવધાનના પ્રયોગો કરવા બંધ કર્યા હતા, આ ઉપરાંત આ વર્ષથી તેમણે ધર્મેતર સાહિત્યની રચના કરવી પણ છોડી દીધી હતી. ૨૨૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy