________________
114
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
પરંપરા પ્રમાણે આ વર્ણન શાસ્ત્રીય છે અને સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સત્ય છે. માનવ-પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિસ્તારને અર્થાત્ સમુદ્રોના ક્ષેત્રફળને એકત્ર કરીને સામૂહિક રીતે ફક્ત એક જ સમુદ્રના સ્વરૂપમાં દર્શાવ્યું છે. જમીન અને સમુદ્રના ભૌમિતિક આકારને અલગ કરવા માટે દર્શાવેલ જગતી સ્વરૂપ દિવાલ પરવર્તી આચાર્યોની એક કલ્પના કરતાંય કલાત્મકતા વધુ છે. કારણ કે જંબૂદ્વીપની જગતીની નજીક રહેનાર કોઈપણ ક્ષેત્રના લોકોને પણ આ જગતી દૃષ્ટિગોચર થાય છે, તેવું વર્ણન પણ ક્યાંય ઉપલબ્ધ નથી. માટે એમ માનવું પડે કે આ જગતી પણ એક કાલ્પનિક પદાર્થ છે. વળી જગતમાં ક્યાંય સમુદ્ર અને જમીન વચ્ચે આ પ્રકારની શાશ્વતી દિવાલ-જગતી હોય તેવું જોયું નથી. હા, કોઈક કોઈક નગર કે મહાનગરના સમુદ્ર કિનારે સુશોભન અથવા સંરક્ષણ તરીકે આ પ્રકારની દિવાલ બહુ જ થોડા કિનારા ઉપર કરવામાં આવી હોય તેવો સંભવ છે. કદાચ તેના ઉપરથી આ પ્રકારની શાશ્વતી જગતીની કલ્પના કરી હોય.