________________
GGGGGG BUGGGGGGG
વાંચન અને ચિંતનની કેડીએ ચાલતાં પ્રસંગો અને વિચારો સાંપડતા રહે છે. આવા કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને એમાંથી જાગેલું ચિંતન આલેખવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગો જીવનની મૌલિક દૃષ્ટિ પ્રદાન કરે તેવા છે અને એથી જ એ દ્વારા જીવન વિશે નૂતન અભિગમ અને સ્વસ્થ ચિંતન જાગે તેવી અપેક્ષા છે.
આ પુસ્તકના પ્રકાશનમાં સ્વ. ચુનીલાલ નારણદાસ વોરા અને સ્વ. ચંપાબેન ચુનીલાલ વોરાના પરિવારનો એમને હુંફાળો સાથે અને ઉષ્માભર્યો સહકાર મળ્યો છે.
મહાયોગી આનંદઘન વિશે મહાનિબંધ લખતાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગ્યો. દેશ-વિદેશની સાંસ્કૃતિક યાત્રાએ એને વ્યાપ આપ્યો. જુદા જુદા ધર્મોના દર્શનનો અભ્યાસ કર્યો અને એમાંથી ઝાકળબિંદુ જેવા નાના પ્રસંગમાંથી મોતી સાંપડ્યાં, જેનું અહીં આલેખન કર્યું છે.
‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી લોકપ્રિય એવી “ઝાકળ બન્યું મોતી” નામની કૉલમમાં આમાંનાં કેટલાંક લખાણો પ્રગટ થતાં હતાં તે નવેસરથી તૈયાર કરીને આમાં મૂક્યાં છે. આ પ્રસંગમાં માત્ર ચિંતન જ નથી, બલ્ક માનવમનનો અભ્યાસ પણ અનુસૂત છે. આ માટે ‘ગુજરાત સમાચાર 'નો તથા સર્વશ્રી શાંતિભાઈ શાહ, શ્રેયાંશભાઈ શાહ, બાહુબલિ શાહ, નિર્મમ શાહ અને અમમ શાહનો આભારી છું.
આ પુસ્તકના પ્રકાશન માટે મારા સ્વજન શ્રી મુકુંદભાઈ શાહ અને શ્રી હેમંતભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પુસ્તકમાં સંકલિત થયેલા પ્રસંગોના આલેખન પાછળ શ્રી રમણિકભાઈ પંડ્યાએ આપેલો સાથ અને સહયોગ ભૂલી શકાય તેમ નથી.
આશા રાખું છું કે આ પ્રસંગમાધુરીમાંથી જીવનઆનંદની થોડીક ક્ષણો મળી રહેશે.
૨૧ માર્ચ, ૯૯
- કુમારપાળ દેસાઈ