SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ લીધી અને શાંતિલાલજી નાહરે એમને કાંગડા તીર્થોદ્ધારની વાત કરી, ત્યારે એમણે કહ્યું, ‘સુપ્રિન્ટેન્ડન્ટ મહોદય આવશે પછી આ શક્ય બનશે.’ ‘હોરી યાત્રા' (હોળી)નો ઉત્સવ આવ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી આર. સી. સુબ્રમણ્યમ્ કાંગડા આવ્યા. એમને વિનંતી કરવામાં આવી અને એમણે મંદિરની નાનકડી દેરી પાસે બિરાજમાન વિશાળ પ્રતિમા જોઈને કહ્યું, ‘આ પ્રતિમા હકીકતમાં આ મંદિરની નથી, એથી એને અન્ય સ્થળે બિરાજમાન કરી શકાશે.” બરાબર આ જ વખતે તળેટીમાં તીર્થભૂમિ પર પ્રભુપૂજનની બોલીઓ ચાલી રહી હતી. કાર્યકર્તાઓની વિનંતીને માન આપીને ડૉ. સુબ્રમણ્યમે અંગ્રેજીમાં પોતાનો અભિપ્રાય આપ્યો. ત્રણ દિવસ માટે પૂજા કરવાની પરવાનગી આપી. એવામાં ડૉ. સુબ્રમણ્યમના સ્થાને ડૉ. અસલમ નામના સરકારી અધિકારી આવ્યા. એમણે પણ પૂર્વ નિર્ણયનો સ્વીકાર કર્યો. હોરી યાત્રાના ત્રણ દિવસ માટે પ્રભુપૂજન કરવાની પરવાનગી પ્રાપ્ત થઈ. એનો અર્થ એ થયો કે ફાગણ સુદ તેરસ, ચૌદસ અને પૂનમ એ ત્રણ દિવસે જ ભક્તજનો પ્રભુનું પૂજન કરી શકે. આ નિયમને પરિણામે લોકોના હૃદયમાં થોડો આનંદ થયો, પણ ત્રણ દિવસના પૂજન-અર્ચનથી શું થાય ? પ્રભુને તો રોજ મસ્તક નમાવવાનું હોય ! એમનાં દર્શન-પૂજનથી પાવન થવાનું હોય. વળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર મૂળનાયક આદીશ્વરદાદાનો મહિમા છે, તો કાંગડા તીર્થમાં આદીશ્વરબાબાનો મહિમા થવો જોઈએ. સહુના હૃદયમાં એ ભાવ હતો કે આ કાંગડા તીર્થને પંજાબનું શત્રુંજય બનાવવું છે. જિનશાસનરત્ન શ્રદ્ધેય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના આદેશ પ્રમાણે ઈ. સ. ૧૯૭૮માં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ ચાતુર્માસ માટે અહીં આવ્યાં. આ સમયે પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો. શ્રી અગરચંદજી નાહટા અને શ્રી ભવંરલાલજી નાહટાએ પણ આને માટે પ્રયત્ન કર્યા. કાંગડામાં ચાતુર્માસ કરવાની પાછળનો સાધ્વીશ્રી મૃગાવતીજીનો હેતુ આ શાંત, એકાંત નિર્જન પ્રદેશમાં આત્મસાધના કરવાનો હતો. ધ્યાનસાધનાને માટે આ સ્થળ અત્યંત અનુકૂળ હતું. સમાજના અગ્રણી એવા લાલા શાંતિસ્વરૂપજી અને લાલા રિખવદાસજીને બોલાવ્યા અને સાધ્વીજીએ એમની ભાવના વ્યક્ત કરી. કાંગડામાં ધર્મશાળા હતી, પણ કોઈ મંદિર નહોતું. માત્ર કિલ્લામાં આવેલા એક રૂમમાં ઋષભદેવ ભગવાનની પ્રતિમા હતી. | ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! સાધ્વીજીનો કાંગડામાં આવવાનો વિચાર સાંભળીને આ બંને અગ્રણીઓ પ્રસન્ન થઈ ગયા. આમે ય સાધ્વીશ્રી મૃગાવતીજી ચાતુર્માસ માટે એકાંત અને શાંત સ્થળ પસંદ કરતાં. કલાકો સુધી ધ્યાનમાં તલ્લીન રહેતાં. એકાંતમાં મૌનસાધનામાં મગ્ન રહેવામાં એમને અનોખી મજા આવતી હતી. જ્યારે બીજી બાજુ આ અગ્રણીઓને એમ થયું કે આ પ્રાચીન તીર્થનો પુનરુદ્ધાર કરવો છે, તો તેને માટે સાધ્વીજી આવશે તો સઘળો કઠિન માર્ગ સરળ બની જશે. પંજાબના બીજા સંઘોએ સાધ્વીજીને ચાતુર્માસ માટે વિનંતી કરી હતી અને કોઈએ તો કહ્યું કે શહેર છોડીને આવા જંગલમાં શું કામ જાઓ છો ? ત્યાં તો જૈનધર્મીનું એક ઘર પણ નથી. કોઈએ એવી તાકીદ પણ કરી કે જે પંચાવન વર્ષમાં થયું નથી, તે કાંગડા તીર્થ હવે ક્યાંથી આપણને મળશે ? સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે, તે થાય કે ન થાય, એ તો ભગવાનના હાથમાં છે, પણ મારી આત્મસાધના તો થઈ શકશે ને ! છેલ્લાં પાંચસો વર્ષમાં કોઈ જૈન સાધ્વીએ કાંગડાની પ્રાચીન પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ કર્યો નહોતો, કાંગડા તીર્થસમિતિના સભ્યોએ સાધ્વીશ્રીના સ્વાગત માટે ઘણી તૈયારી કરી. જુદા જુદા શ્રીસંઘોને નિમંત્રણ આપ્યું. લુધિયાણા, જાલંધર, અંબાલા, હોશિયારપુર, જીરા અને પટ્ટી જેવાં પંજાબનાં અનેક શહેરોમાંથી સેંકડો લોકો ચાતુર્માસ પ્રવેશના સ્વાગતોત્સવ સમયે ઉપસ્થિત રહ્યા. મુંબઈના યાત્રીઓને લાવવા માટે એક સ્પેશિયલ બોગીનો પ્રબંધ કરવામાં આવ્યો. બેન્ડવાજાની મધુર સુરીલી ધૂન સાથે મહાનુભાવોની યાત્રા કાંગડા તરફ ચાલી. ઘનઘોર જંગલમાં ધર્મોત્સવનું મંગલ સર્જાઈ ગયું. ભક્તિની સીમાની પરાકાષ્ઠા સહુને નજરોનજ ૨ જોવા મળી. સહુ કોઈ આનંદવિભોર બની, મસ્ત થઈને નૃત્યગાન કરી રહ્યા હતા અને પંજાબ કેસરી ગુરુવલ્લભના નામનો જયજયકાર ચોમેર ગુંજી રહ્યો. ચાતુર્માસ પ્રવેશની પૂર્ણાહુતિ પછી તરત જ મુશળધાર વરસાદ શરૂ થયો. આ વરસાદને કારણે રસ્તાની બાજુ ની ભેખડો ધસી પડી અને તેથી ત્રણ દિવસ સુધી વાહન-વ્યવહાર ચાલુ થઈ શક્યો નહીં. પ્રવેશના સમયે આવેલી વિશાળ જનમેદનીની સઘળી જરૂરિયાતોનો પૂરો ખ્યાલ લાલા શાંતિસ્વરૂપજી અને એમની સમિતિએ રાખ્યો. જંગલમાં મંગલ થઈ રહ્યું.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy