________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિના ઓજસ
ઠીક થયા પછી પૂજ્ય મહારાજજીએ કહ્યું કે, ‘હું તો શ્રીસંઘની દુવાઓથી ઠીક થઈ છું, દવાઓથી નહીં.'
૧૯૮૧ની ૨૪મી મેએ લુધિયાણા શહેરમાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં ચિ. રેણુબેનની દીક્ષાનો પ્રસંગ ભવ્ય રીતે ઊજવાયો. અંબાલાના પ્રતિષ્ઠિત શિક્ષાપ્રેમી લાલા ગોપીચંદજી વકીલની દોહિત્રી અને અંબાલા જૈન કોલેજના સંનિષ્ઠ પ્રમુખ શ્રી અમરચંદજી વકીલના નાના ભાઈ શ્રી દ્વારકાદાસજી અને શાંતાબેનની દીકરી રેણુબેન પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના પાવન સાન્નિધ્યમાં ચાર વર્ષ સુધી રહ્યાં હતાં. લુધિયાણા, કાંગડા અને બે વર્ષ દિલ્હીમાં તેમની સાથે રહ્યા બાદ પૂ. ગણિ જનકચંદ્રવિજયજીના હસ્તે તેમની દીક્ષા ખૂબ ધામધૂમપૂર્વક થઈ અને તેઓનું નામ ‘સાધ્વી સુપ્રજ્ઞાજી મહારાજ ' રાખવામાં આવ્યું. તેઓનાં માતા-પિતા તથા ભાઈશ્રી સુભાષકુમાર અને પ્રવીણકુમારે આ દીક્ષાની ખુશાલીમાં ‘રેણુબાલા ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી. તેમની દીક્ષા સમયે દીક્ષાર્થીની કાંબળી સિવાય અન્ય સહુને કાંબળી વહોરાવવાની વાત આવી, ત્યારે પૂ. મૃગાવતીજીએ ભરી સભામાં જાહેરાત કરી કે અમારે એક પણ કાંબળી લેવી નથી. જેને કાંબળી વહોરાવવી જ છે, તે પોતાની રકમ હોમિયોપેથી ઔષધાલય માટે દાનમાં અર્પણ કરી દે. આને પરિણામે ઔષધાલય માટે સારી એવી રકમ એકઠી ગઈ ગઈ. દીક્ષાના આ મંગલ અવસરે પૂ. સુપ્રજ્ઞાજીનાં માતા-પિતાએ ચતુર્થ વ્રતનાં પચ્ચકખાણ લીધાં હતાં.
તે પછી લુધિયાણામાં ઉપાધ્યાયશ્રી સોહનવિજયજીની પુણ્યસ્મૃતિમાં સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસના મકાનનું નિર્માણ કરાવીને તેનું ઉદ્ઘાટન કરાવ્યું અને ‘વિજયાનન્દ' પત્રિકાનું પ્રકાશન અહીંથી થવા લાગ્યું. બાર દિવસની ‘શ્રી વિજયસમુદ્રસૂરિ દર્શન જૈન શિબિરનું કન્યાઓ માટે આયોજન કર્યું. શ્રી અભયકુમારજી ઓસવાળને કોઈએ કહ્યું કે આપ પોતાની હૉસ્પિટલનો શિલાન્યાસ ઇન્દિરા ગાંધીથી અથવા મધર ટેરેસાથી કરાવો, ઓસવાળજીએ તુરંત ઉત્તર આપ્યો પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ અમારા માટે ઇન્દિરા ગાંધી પણ છે અને મધર ટેરેસા પણ છે. અમે તો એમના જ કરકમલોથી આ
કાર્ય સંપન્ન કરાવીશું. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રત્યે એવી અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર શ્રી વિદ્યાસાગર ઓસવાલના સુપુત્રોએ એની પૂજ્ય માતા મોહનદઈની સ્મૃતિમાં ‘શ્રી મોહનદઈ ઓસવાલ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' શરૂ કર્યું. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતી પ0 બેડની હૉસ્પિટલની યોજના તૈયાર થઈ અને ૧૯૮૧ની ૧૭મી જૂને એનો શિલાન્યાસ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની પ્રેરણા અને એમના જ કરકમલોથી કરાવ્યો.
૧૯૮૧માં તેતાલીસમો ચાતુર્માસ અંબાલામાં કર્યો. અંબાલાના ચાતુર્માસ દરમિયાન સાધ્વીશ્રી દ્વારા જાણે મહાન જ્ઞાનયજ્ઞ થયો. એ સમયે અંબાલાની શ્રી આત્માનંદ જૈન કૉલેજ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતી હતી, સાધ્વીશ્રી મૃગાવતીજીએ શ્રી આત્મવલ્લભ જૈન ઍજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવાની પ્રેરણા આપી અને એમની પ્રેરણાથી કૉલેજને માટે દાનગંગા વહી હતી. શ્રી શાદીલાલજીએ પોતાના સુપુત્રો શ્રી પ્રફુલ્લચંદ્ર તથા શ્રી અનિલકુમારના સહયોગથી માતા જ્ઞાનદેઈ બ્લોક અંબાલા જૈન કૉલેજને અર્પણ કર્યો. સર્વના સહકારે કૉલેજને સર્વ પ્રકારે વિદ્યાવિકાસના પથ પર મૂકી દીધી. આ કૉલેજ પર સદાય એમની સવિશેષ કૃપા વરસતી રહી.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીને જ્ઞાનનો અપાર મહિમા હતો. સરસ્વતીમંદિરોની રચના અને એના વિકાસ પર હંમેશાં એમની દૃષ્ટિ રહેતી. આથી અંબાલાના આ ચાતુર્માસ દરમિયાન તેમણે અંબાલાની એસ. એ. જૈન હાઈસ્કૂલ, મૉડેલ હાઈસ્કૂલ, કન્યા વિદ્યાલય, શિશુવિઘાલય વગેરે સંસ્થાઓના સર્વતોમુખી વિકાસને માટે શ્રાવકોને પ્રેરણા કરી અને તેથી એ સંસ્થાઓ આર્થિક રીતે પગભર જ નહીં, બલકે ઘણી સધ્ધર બની. અંબાલા જૈન કૉલેજમાં એમની પ્રેરણાના પ્રભાવે લાઇબ્રેરીની પણ સ્થાપના થઈ. શ્રી આત્માનંદ જૈન સભા વડે સંચાલિત વાચનાલય અને પુસ્તકાલયનો વિકાસ કરાવ્યો. વલ્લભ-વિહાર (ગુરુમંદિર)ના ધ્વજદંડ, શિખર અને કાર માટે પ્રેરણા આપી અને એના સમગ્ર સંકુલનું નવીનીકરણ કર્યું. અપ્રાપ્ય ‘વિધિ સહિત પંચ પ્રતિક્રમણ' પુસ્તકનું પ્રકાશન કરાવ્યું.
૧૧૬