SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ વાણીની વસંતનો વૈભવ પૂજા, પાઠ, માળા જેવી ધાર્મિક ક્રિયાઓનું જીવનમાં શું સ્થાન છે તે સમજાવતાં તેઓ કહેતાં કે ક્રિયાઅનુષ્ઠાનોનું સ્થાન આભૂષણ સમાન છે અને માનવતાના ગુણોનું સ્થાન વસ્ત્ર સમાન છે. કોઈ વ્યક્તિએ આખા શરીર પર કિંમતી આભૂષણો પહેર્યા હોય, પણ તેનાં કપડાં મેલાં-ઘેલાં અને ફાટેલાં હોય, તો તે વ્યક્તિ કેવી લાગે ? ઓછામાં ઓછું એનાં કપડાં સ્વચ્છ, સુઘડ અને ધોયેલાં તો હોવાં જોઈએ. કદાચ એક આભૂષણ ઓછું હોય તો ચાલે. આ જ રીતે એકાદ ક્રિયા કદાચ ઓછી થાય તો ચાલે, પણ માનવતાના ગુણો સમાન કપડાં તો વ્યવસ્થિત હોવાં જોઈએ. શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી ધર્મપાલજી ઓસવાલ તો જણાવ્યું કે પૂ. મૃગાવતીજી મહારાજે બધાને ‘પ્રેક્ટિકલ જૈન ' બનાવ્યા છે, જૈન ધર્મના આચાર-વિચારોને વાસ્તવિક રૂપે આચરણમાં મૂકતાં શીખવ્યું છે. ૧૯૬૭ની ત્રીજી ઑગસ્ટે મુંબઈના શ્રી નરનારાયણ સત્સંગ મંડળના ઉપક્રમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજીએ ‘શ્રીકૃષ્ણના જીવન' વિશે વક્તવ્ય આપ્યું અને કહ્યું કે શ્રીકૃષ્ણ અનાસક્ત યોગી હતા અને પાપના માર્ગમાં આગળ વધી રહેલા જગતને મુક્ત કરવા અને સદાચારનું પુનઃસ્થાપન કરવા માટે તેઓએ જન્મ ધારણ કર્યો હતો. એક જૈન સાધ્વીજી શ્રીકૃષ્ણ પર વ્યાખ્યાન આપે, એ ઘટના રૂઢિચુસ્ત સમાજને આશ્ચર્યકારી લાગી, તો સમાજનો સર્વાગી વિચાર કરનારા નૂતન દૃષ્ટિ ધરાવનારા વર્ગને વર્તમાન યુગમાં આવશ્યક અને અનુકરણીય જણાઈ. જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા સમાજ સમક્ષ અનેક વિષયો પર સાધ્વીજીએ પોતાના નિર્ભીક વિચારો પ્રગટ કર્યા અને ધાર્મિક તથા નૈતિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું કે “સંપ્રદાય અને ગચ્છના બંધનમાં રહીને આપણે સાચા ધર્મથી ખૂબ દૂર જતા જઈએ છીએ. તપશ્ચર્યા દ્વારા ક્રોધને દૂર કરવો જોઈએ. જેમ આપણે તપ કરીએ છીએ, તેમ ક્રોધની પણ અઠ્ઠાઈઓ અને માસક્ષમણ કરવાં જોઈએ. કર્મોની નિર્જરા કરવા સાચી ભાવના ભાવવી જોઈએ. ભગવાન મહાવીરે પ્રબોધેલાં બાર વ્રતો દરેક અપનાવે તો કર્મના બંધનમાંથી સાચી સ્વતંત્રતા લાવી શકાશે.” સાધ્વીશ્રીની પ્રભાવક વ્યાખ્યાનવાણીએ સમાજમાં નવ જાગૃતિ સર્જવાનું કામ કર્યું અને એથીય વિશેષ તો વ્યાપક જનસમૂહને એક જૈન સાધ્વીની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાનો પરિચય થયો. એમનાં વ્યાખ્યાનોએ નારી જાગૃતિની નવી લહેર ફેલાવી અને એનું શ્રવણ કરનારા સહુ કોઈને માનવજીવનના સાફલ્ય માટે વિચારતા કરી મૂક્યા. શ્રીસંઘમાં જાગૃતિ આવે તે માટે સાધ્વીશ્રી અવારનવાર બહેનો માટે, બાળકો માટે જ્ઞાનશિબિરો, અધ્યયન સત્રો વગેરેનું આયોજન કરતાં. મુંબઈમાં ૧૯૬૭માં પાયધુનીમાં આવા એક જ્ઞાનસત્ર પ્રસંગે તેઓ વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપીને જ્ઞાનસત્રોનું મહત્વ સમજાવતાં, માર્મિક રીતે જણાવે છે કે, ‘વર્તમાન પરિસ્થિતિનો દોષ ગાવા માત્રથી તેનું નિવારણ થવાનું નથી. આધ્યાત્મિક સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે, જેના દુઃખદ પરિણામો બધા જ ક્ષેત્રમાં અનુભવાય છે. આ માટે બાહ્ય કારણો શોધવા કરતાં શાસનમાં - ધર્મમાં આપણી ડગી રહેલી શ્રદ્ધાને મજબૂત બનાવવાની જરૂર છે. આપણે યોગ્ય દ્રવ્ય અને ક્ષેત્રની યોજનાથી ઉચ્ચ ભાવો ઉત્પન્ન થાય તેવી પદ્ધતિ અપનાવી શુભ વાતાવરણ સર્જી શકીએ. આ ધ્યેય સિદ્ધ કરવા કેવળ આદર્શો નહિ પણ વ્યવહારુ અને શક્ય અનુભવસિદ્ધ યોજનાઓ યોજવી જોઈએ. કન્યાઓને સંસ્કાર આપવામાં ન આવે તો એથી એમને પોતાને તો ગેરલાભ થાય છે સાથે કુટુંબ અને સમાજને પણ નુકસાન થાય છે. અત્યારે વેરવિખેર બની ગયેલી નીતિમત્તા અને સંસ્કારિતાને કારણે અધોગતિ તરફ જઈ રહેલા આપણા માનવસમાજને સંસ્કારસંપન્ન અને કેળવાયેલી કન્યાઓ જ બચાવી શકશે. અને તે માટે જ્ઞાનસત્રોની યોજના જરૂરી છે. આવા સત્રો અશાંતિ દૂર કરવાનો એક પ્રયોગ છે. આવા પ્રયોગો યોજાતા જાય તો ભારતની કાયાપલટ થઈ જાય.” વર્તમાન સમયના જૈન શ્વેતાંબર સમાજમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ વ્યાખ્યાન આપીને એક નવો માર્ગ સર્યો. જિનશાસનના સમદર્શી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સિવાય ભાગ્યે જ કોઈએ સાધ્વી સમુદાયમાં રહેલી શક્તિ અને વિશેષતાને સમાજમાં પ્રગટ કરી છે અને એમના ઉત્સાહને વધાર્યો ઈ. સ. ૧૯૫૩માં મુંબઈના ગોડીજીના ઉપાશ્રયમાં પાટ પર બેસીને ૮ - Be
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy