SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ કરુણામયી કર્મયોગિની માટે તેમજ વધુ ધર્મનિષ્ઠ કરવા માટે સ્ત્રીશક્તિને સમાજમાં યોગ્ય સ્થાન આપવું પડશે. જિનશાસનમાં ઋષભદેવ ભગવાનની પુત્રી બ્રાહ્મીથી માંડીને અનેક નારીરત્નોએ ધર્મક્ષેત્રે અને કર્તવ્ય ક્ષેત્રે અજવાળાં પાથર્યા હતાં. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીનાં નારીશક્તિ અને નારીગરિમાનાં પ્રત્યેક વચનને પોતાના જીવનમાં તાણાવાણાની જેમ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુંથી બતાવ્યું. ગુરુની ભાવના અને આદર્શોને પોતાનાં કાર્યોથી ચરિતાર્થ કરી બતાવ્યાં. એમની આ નારીશક્તિની અને ચારિત્રપાલનની દૃઢતા તો કૅન્સરની વ્યાધિ સમયની આ ઘટનામાં સચોટ રીતે દૃષ્ટિગોચર થાય છે. મહત્તરાજી દિલ્હીમાં હતા અને અસાધ્ય રોગ થવાને કારણે ઑપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઑપરેશન નક્કી થયું, ત્યારે ઑપરેશન કરાવવા માટે આ જૈન સાધ્વી નવ કિલોમીટર પગપાળા ચાલીને હૉસ્પિટલમાં ગયા. એબ્યુલન્સનો કોઈ ઉપયોગ કર્યો નહીં. વ્યાધિને કારણે ખૂબ શારીરિક અશક્તિ આવી ગઈ હતી, તેમ છતાં જાતે દાદર ચડીને ઉપરના માળે ગયા હતા. લિફ્ટનો ઉપયોગ કર્યો નહીં. અન્યને માટે ઉપયોગમાં લીધા હોય, તેવાં સાધનો પોતાના ઑપરેશનમાં ઉપયોગમાં લેવાય નહીં, તેની તાકીદ કરી હતી. આથી થર્મોમીટર, ઇન્જ ક્શનની સિરિજ , બ્લડપ્રેશર માપવાનું સાધન અલગ રખાવ્યા. પોતાની પાટ પણ જુદી રાખતા હતા. ઑપરેશન પૂર્વે ડૉક્ટરને પણ તાકીદ કરી કે સંજોગોવશાતુ કોઈનું લોહી ચડાવવાની જરૂર પડે, તો લોહી ચડાવશો નહીં. મહત્તરાજીએ આજીવન નિરતિચાર બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરી હતી. મહત્તરાજીએ આત્મા અને દેહની ભિન્નતાને પૂર્ણ રૂપે જાણી લીધી હતી. આ સમયે એમની સમીપ બેઠેલા શિષ્યા સાધ્વી સુવ્રતાજીએ પોતાનું લોહી આપવાની તૈયારી બતાવી, તો એમણે માર્મિક અને લાક્ષણિક ઉત્તર આપ્યો, ‘તમારી આરાધના, સાધના કદાચ મારાથી પણ ઊંચી હોય એટલે હું એમ પણ થવા ન દઉં.” મહારાજીનાં આ વચનોની પાછળ એમની અપ્રતિમ વિનયશીલતા, આચારની દૃઢતા અને શિષ્યાને આદર આપવાની વૃત્તિ પ્રગટ થાય છે. ઑપરેશન બાદ ડૉક્ટરે કહ્યું કે તમારા શરીર પર પરસેવો ન થાય તે અત્યંત આવશ્યક છે. પંખો રાખો. ત્યારે મૃગાવતીજીએ એની પણ ના પાડી. દરિયાગંજ વિસ્તારની એ હૉસ્પિટલમાં પોતાની જગા એવી પસંદ કરાવી કે જ્યાંથી રોજ સવારે દિગંબર જિનમંદિરનાં શિખરના આનંદકારી અને મનોહારી દર્શન થઈ શકે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી પૂ. સાધ્વીશ્રી દિગંબર સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રી પ્રેમચંદજી(શાકાહારભવનવાળા)ના ઘરે તેમની આગ્રહભરી વિનંતીથી ત્રણેક અઠવાડિયા રોકાયા હતા. હૉસ્પિટલમાં એમનો પ્રવેશ થતાં કેટલાય ડૉક્ટરો, નર્સો અને અન્ય દર્દીઓ બહાર બૂટ-ચંપલ કાઢીને એમની પાસે વાસક્ષેપ નખાવવા આવતા હતા. હૉસ્પિટલમાંથી રજા મળી ત્યારે એમણે નીચે ઊતરવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો નહીં. સ્ટ્રેચરમાં સૂતા નહીં, વાહનનો ઉપયોગ કરીને ઉપાશ્રયમાં પહોંચવાની તો કલ્પના પણ ક્યાંથી થાય ? એ રસ્તામાં ચાલતા-ચાલતા થાકી જાય તો શિષ્યા સાધ્વીજીઓનો ટેકો લઈને ઊભા રહેતા, પણ વ્હીલ ચેર કે વાહનની કોઈ વાત નહીં. ધીરે ધીરે વિહાર કરી દિલ્હીના દરિયાગંજથી પાંચ દિવસે રૂપનગર ઉપાશ્રયમાં પહોંચ્યા. એક બાજુ એમના આંતરજગતમાં જ્ઞાનની ગરિમાનો ગુંજારવ હતો, તો એમનો ભીતરનો આત્મા તો સાધનાની ચરમસીમાએ બિરાજેલો હતો. બાહ્ય વિરોધો કે વિપત્તિઓ તેમને સહેજે ચળાવી શકતી નહીં. સામાજિક નવજાગરણનો ભેખ લેનારના નસીબે ઘણું સહન કરવાનું આવે છે. રૂઢિચુસ્તોને આ સહેજે પસંદ પડતું નથી. સ્થાપિત હિતોને પોતાનું પ્રભુત્વ તૂટતું લાગે છે. કોઈને પોતાનું પદ કે સત્તા છીનવાઈ જવાનો ભય લાગે છે, તો કોઈને સ્થાનભ્રષ્ટ થવાની ચિંતા જાગે છે. આજે વર્તમાન સમયમાં પણ શ્વેતાંબર સમુદાયમાં સાધ્વીઓની સ્થિતિ આપણે સહુ જાણીએ છીએ. વર્ષો પૂર્વે પાટ પર બિરાજમાન થઈને મહત્તરાજીએ વ્યાખ્યાનો આપ્યાં હશે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિનો એમને સામનો કરવો પડ્યો હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના વ્યક્તિત્વના પ્રભાવે વિરોધો ઓગળી જતા હતા. પૂ. ગુરૂઆચાર્ય વલ્લભસૂરિજીની પદ્ધતિ હતી કે વાતના મૂળને પકડી લઈ ચર્ચામાં પડ્યા વગર સમાધાન પ્રસ્તુત કરવું. પૂ. મૃગાવતીજી પણ આ જ પદ્ધતિને અનુસરતા હતા,
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy