________________
પ્રેરણાની પાવનમૂર્તિ આશીર્વાદને પરિણામે તેઓ અનેક અસાધ્ય રોગોના દર્દીઓને આરોગ્ય પ્રદાન કરી શક્યા. સાધ્વીજીના લોકસેવાનાં વચનોનું સદૈવ સ્મરણ કરીને ડૉ. શશીમોહન શર્મા પરોપકારમય અને પ્રસન્ન જીવન ગાળવા લાગ્યા.
મહત્તરાજી સહુ કોઈની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતા. ક્યાંય કોઈની અવગણના નહીં, લેશમાત્ર તિરસ્કાર નહીં. સામાન્યમાં સામાન્ય માનવીને એમની કરુણાદૃષ્ટિનો લાભ મળતો હતો. જનકલ્યાણ અને સર્વમંત્રીની ઉદાત્ત ભાવના અને એમની પ્રતિભાસંપન્ન મુખાકૃતિ સહુના હૃદયને આપોઆપ જીતી લેતી હતી.
શ્રી વીરેન્દ્રકુમાર કોહલીને પૂ. સાધ્વીજીમાં છલોછલ ગુરુભક્તિના અને ભારોભાર કરુણાના દર્શન થાય છે. તેઓ લખે છે, “ કહે છે કે ભણતા ભણતા જ્ઞાનીઓના જીવનમાં એક દિવસ એવો આવે છે કે જ્યારે જ્ઞાનનું પુસ્તક હાથમાંથી પડી જાય છે. છૂટી જાય છે. પછી વાંચવાનું કાંઈ રહેતું નથી. તેમનું આચરણ જ જ્ઞાન થઈ જાય છે અને જ્ઞાન જ આચરણ. જેમણે મહત્તરાજીને નજીકથી જોયા હશે તેઓ જાણતા હશે કે આ દિવસોમાં તેઓ કેવી ગુરુભક્તિમાં નિમગ્ન છે. તે ગુરુભક્તિ જ બોલે છે, ગુરુભક્તિને જ જોવે છે અને ગુરુભક્તિનો જ ઉપદેશ દે છે. આજે તેમની ચારે બાજુ પવિત્ર વાતાવરણ બની ગયું છે. તેમના દર્શનથી તીર્થને ભેટવા જેવો આનંદ પ્રાપ્ત થાય છે, તે કોઈને જુવે છે તો જાણે આંખોમાંથી નિચ્છલ કરુણા વરસતી હોય !”
નાનાં બાળકો સાથે બાળકની માફક વાત કરી શકતા, તો વૃદ્ધો સાથે વૃદ્ધોની પેઠે વાત કરતા. તેઓ જે કોઈ કામ સોંપે, તેને સામી વ્યક્તિ તત્કાળ સ્વીકારી લેતી. આનું કારણ એ હતું કે એમની પાસે સામેની વ્યક્તિની ક્ષમતાનું ચોક્કસ માપ રહેતું અને તેથી એવું બન્યું કે એમણે જે કોઈ જૈન કે જૈનેતરને કાર્ય સોંપ્યું હોય, એ કાર્ય સામેની વ્યક્તિ તત્કાળ સ્નેહપૂર્વક શિરોધાર્ય કરતી. સાધ્વીજીના આદેશનો અસ્વીકાર કર્યો હોય કે એ અંગે આનાકાની કરી હોય, એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ જણાય.
સાધ્વીશ્રીની આંખોમાંથી વહેતી વાત્સલ્યપૂર્ણ કરુણા સહજ રીતે જ હૃદયને ભાવવિભોર બનાવી દેતી. એમના ચહેરાનું પ્રખર તેજ સામી વ્યક્તિના
કરુણામયી કર્મયોગિની સત્ત્વગુણને પ્રગટાવતું હતું. એમના ચારિત્ર્યની શુદ્ધિને કારણે વાતાવરણમાં સાત્ત્વિકતા સર્જાતી, આથી એમનું એક વાર દર્શન પામનાર સદૈવ ધન્યતાનો અનુભવ કરતો હતો.
તેઓનું વિશાળ-તેજસ્વી લલાટ, નિકછલ સૌજન્ય, કરુણાનીતરતી આંખો, ગુલાબના ફૂલ જેવો સુખ-દુઃખમાં સદા ખીલેલો ચહેરો, સ્નેહામૃત વરસાવતી દૃષ્ટિ દર્શનાર્થીને એવું આકર્ષે કે એ જે સ્થાને હોય તે સ્થાને ભક્તિભાવપૂર્વક હાથ જોડીને ઊભો રહી જાય. એમની પાસે સહુને ચાંદનીની શીતળતાનો મનભર અનુભવ થતો અને કરુણા અને વાત્સલ્યની સરિતામાં અવગાહન (જ્ઞાન) કરતા હોય એમ લાગતું. આમ એમનું બાહ્ય વ્યક્તિત્વ ભવ્ય, આકર્ષક અને પ્રભાવક હતું, પણ એથીય વધુ પ્રભાવકે એમનું અંતરંગ વ્યક્તિત્વ હતું. વ્યક્તિ જેમ જેમ એમના સાનિધ્યમાં આવે, તેમ તેમ એમની ગુણગરિમાનો અને જ્ઞાન સંપદાનો પરિચય થતો. પ્રત્યેક વ્યક્તિમાં રહેલા ગુણોને જોતાં અને તેની અનુમોદના કરતા. સામાન્ય ગુણને પણ મહત્ત્વપૂર્ણ બનાવી દેતા અને એ રીતે એમનામાં પ્રમોદભાવનાનો ગુણ જન્મજાત હતો. - ૧૯૫૪થી માંડીને ૧૯૮૬ સુધી પંજાબ અથવા પંજાબી ગુરુભક્તોમાં એમણે આગવો ઇતિહાસ રચ્યો છે. જૈન ઇતિહાસમાં કેટલીક મહત્તરા સાધ્વીઓ થઈ જેમનામાં જ્ઞાન અને ચારિત્ર સાકાર રૂપે જોવા મળે છે પરંતુ વિપુલ ધનરાશિથી નિર્માણ કાર્યનો ઇતિહાસ ધરાવનાર એક માત્ર મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી છે. દાનની ભાવના સામાન્ય રીતે પ્રવર્તતી હતી એને સર્વોત્કૃષ્ટ બનાવવાનું કામ મૃગાવતીશ્રીજીએ કર્યું. ‘વિજયાનંદ’ પત્રિકા ને પ્રેસ પણ એમની દેન છે.
સમાજ ઉત્કર્ષના કાર્યો માટે કરોડોના દાન પ્રેરણા કરીને અપાવ્યા હતા, પરંતુ ક્યારેય યાચનાનો કોઈ ભાવ ધારણ કર્યો ન હતો.
બંગાળ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ, મૈસૂર વગેરે ક્ષેત્રોમાં સાધુજીવનના પચાસેક વર્ષમાં લગભગ સાઈઠ હજાર માઈલનો વિહાર કર્યો છે. પ્રત્યેક ગામમાં જઈને એમણે ગુરુવલ્લભના નામનો જયધોષ કર્યો છે. પ્રભુભક્તિ અને ગુરુભક્તિના ગીતો સાંભળતા તેઓ ભાવવિભોર થઈ જતા હતા. વળી