SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તે ય હવે ઓછી થઈ છે. વ્યક્તિને બે રીતે સજ્જતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવા જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે. સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજબરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ. પ્રજાનું હીર અને સત્ત્વ અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણિજતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ અસિધારાવ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે. મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુઃખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે. ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે. અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. કેનેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે. પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વને વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી. એફ. આર. લેવિસે કવિતા સાથે ‘કેન્દ્રીય માનવત્વ'નો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દ્રષ્ટિ આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટેક્નૉલોજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે. સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના વન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારોનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે. વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે કોઈ એક સાહિત્યપ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ. જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે.
SR No.034289
Book TitleAajno Aapno Padkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVishva Vikas Trust
Publication Year2017
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy