SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ એ ગરીબ માનવી પરિણીત હતો. અડધો ડઝન જેટલાં બાળકો અને પત્નીને નિરાધાર છોડીને ચાલ્યો ગયો ! તરત જ શ્રીમતી શેરિડન પેલા ગરીબને ત્યાં મીઠાઈ મોકલવાનો ‘brilliant idea’ આપે છે. અહીં એક કટાક્ષ પણ છે કે શ્રીમંતની હમદર્દી આથી વધુ શું આપી શકે ? લૉરા કહે છે કે પાર્ટીનું વધેલું એને આપવું એ યોગ્ય છે ? તરત જ એની માતા એના પર ગુસ્સે થાય છે. એ કહે છે કે કલાક-બે કલાકે પહેલાં આ ગરીબ તરફ સહાનુભૂતિ ધરાવવાનું કહેતી હતી અને અત્યારે એ સહાનુભૂતિ ક્યાં જતી રહી ? લૉરા મીઠાઈની ટોપલી સાથે ઘર છોડે છે. સાથોસાથ પાર્ટીનો આનંદ, ઠઠ્ઠામશ્કરી, ચુંબન, ખખડતા ચમચાઓ અને કપાયેલા ઘાસની ગંધ પાછળ રહી જાય છે. એ એક નવા જ વિશ્વમાં પ્રવેશે છે. નાના, સુરેખ વર્ણનથી લેખિકા બીજા વાતાવરણને રચી દે છે. મૃત વ્યક્તિની ઝૂંપડીમાં પ્રવેશતી વખતે લૉરાના મનમાં જાગતા વિવિધ ભાવોની લીલા લેખિકાએ કલામય રીતે બતાવી છે. એક જીવતી છોકરી મૃત્યુના જગતમાં જતી જણાય છે. લૉરા મરનારની પત્ની પાસે આવે છે. વાતાવરણમાં વિષાદ તો છે જ, પણ એની સાથે એક બાલિકાની જિજ્ઞાસા પણ તરવરે છે. લૉરા સૂવાની ઓરડીમાં આવે છે અને મૃત માનવીને નિહાળે છે. બીજા મૃત્યુથી ડઘાઈ ગયા છે, ત્યારે લૉરા એક પ્રકારનો રોમાંચ અને જિજ્ઞાસા અનુભવે છે. આ બાલિકાને એ મૃત માનવી આવો લાગે છે– ‘ત્યાં એક યુવાન માણસ સૂતો હતોગાઢ નિદ્રામાં. એ નિદ્રા એટલી ઊંડી અને ગહન હતી કે એ, બંનેથી (લૉરા અને શ્રીમતી કૉટની બહેનથી) ખૂબ દૂર હતો. ઓહ, અતિ દૂર અને પ્રશાંત. એ સ્વપ્નસૃષ્ટિમાં વિહરતો હતો. એને કદી ઉઠાડશો નહીં. એનું માથું ઓશીકામાં ખૂંપેલું હતું. એની આંખો બંધ હતી. બિડાયેલાં પોપચાં ‘ધ ગાર્ડન પાટી’ પાછળ પણ એ બિડાયેલી હતી. એણે પોતાની જાત સ્વપ્નોને સોંપી દીધી હતી. ગાર્ડન પાર્ટીઓ, (મીઠાઈની) ટોપલીઓ અને લેસવાળા ફ્રૉકનું એને શું ? તે આ બધાંથી દૂર હતો. એ અદ્ભુત લાગતો હતો, સુંદર લાગતો હતો.' બાળકમનની આતુરતાને મૃત વ્યક્તિનો દેખાવ ‘અદ્ભુત પણ લાગે ! અન્ય લોકો મૃત્યુને કારણે મૂઢ બન્યા છે, ત્યારે લૉરા એને સાહજિકતાથી લઈને મૃત્યુ-જીવનનો અર્થ ખોળવા મથે છે. લૉરા આંસુભીની આંખે ઝૂંપડીમાંથી બહાર નીકળી જાય છે. વાર્તાને અંતે જીવન વિશેના એક નવા અનુભવને લઈને બહાર આવેલી લૉરા દેખાય છે. આ નવલિકાની ઘટના તો સાવ સામાન્ય છે. પડોશમાં કોઈ મરી જાય તો કંઈ ઉત્સવ બંધ રાખવામાં આવતો નથી. જગતમાં ઘણું બિનંગત – impersonal ચાલે છે, તો પછી એક શ્રીમંતને ત્યાં યોજાયેલી પાર્ટી પડોશમાં વસતા ગરીબના કમોતથી બંધ રહે ખરી ? આ વાર્તા આ સામાન્ય ઘટનામાંથી એક બીજા ગુણને લીધે ચિરંજીવ સંતર્પકતા મેળવે છે. આ નવલિકામાં આ ઘટના કરતાં વિશેષ તો લૉરાના ચિત્ત પર થતી ઘટનાની અસર નિરૂપવામાં આવી છે. એ reactionથી જ નવલિકાની action ચાલે છે. એક બાળકને એ ખબર નથી કે જગત આટલું બધું impersonal હશે ! બાળક એક સંવેદનશીલ, કાવ્યમય, ઊર્મિશીલ અને લાગણીઓથી તરબતર એવું વિશ્વ લઈને આવે છે. એને જીવનની એકેએક પળ માણવાની ઇચ્છા હોય છે. એના ભાવ-પ્રતિભાવ નિબંધ ખળખળાટ વહેતા ઝરણાની જેમ ચિત્તમાં વહેતા હોય છે. આવી સાહજિક, યથેચ્છાભ્રમણ કરનારી બાળકની વૃત્તિ કે જિજ્ઞાસા પ્રસ્થાપિત રૂઢિ અને રીતરસમ ધરાવતા સમાજના સંઘર્ષમાં આવે છે. સમાજને કોઠે પડી ગયેલી જડતા બાળકને કોરી ખાય છે.
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy