SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • મૂર્ત બનાવીને મૂકતા કે વાચકને કશું વિચારવાનું રહેતું જ નહીં. સર્જક ભાવકની આંગળી ઝાલીને એને વાર્તા પ્રદેશમાં દોરતો. આથી સહૃદયની શક્તિને પડકાર કે આહ્વાન થતું નહીં, પણ ધૂમકેતુની નવલિકા વિશેની વિભાવના આ વિષયમાં સારી એવી સુઝ ધરાવનારી છે. તેઓ કહે છે : “નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓ જુગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ - તણખો જ – મૂકે છે.” પરંતુ ધૂમકેતુનું સર્જન એમની આ વિભાવનાને ક્યાંક ચાતરી જાય છે. લલિતમોહન અને સુકેશી જેવાં પાત્રોની સૂત્રાત્મક ઉક્તિમાંથી નવલિકાનું રહસ્યોદ્ઘાટન થઈ જાય છે. ‘અખંડ જ્યોત’ કે ‘ગોવિંદનું ખેતર’ જેવી વાર્તાઓ તો રહસ્યની ખીંટી પર ટાંગેલા ડગલા જેવી બની ગઈ છે. ટૂંકીવાર્તાએ તો ધ્વનિ જ – તણખો જ – મૂકવાનો, એવી સમજ ધરાવનારા સર્જક ધૂમકેતુ વાચકને સહેજે આયાસ કે શ્રમ ન કરવો પડે એટલી હદે કેથયિતવ્યને પ્રગટ કેમ કરતા હશે ? શું ભાવક વિશેની એમની શ્રદ્ધા ઓછી હશે ? આમાં ભાવકની શક્તિના અપમાનની સાથેસાથે સર્જકને ખુદ પોતાનામાં ઓછો વિશ્વાસ લાગે છે. એ ગમે તે હોય, પણ ભાવકનો ‘અવ્યક્ત મધુર’ ખોળવાનો આનંદ તો હરી જ લે છે ! ‘તણખા મંડળ ૪'ની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ ‘એક જ વાક્ય” લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે. ક્યારેક વાર્તાના અંતે લાંબા ગદ્યખંડ પણ આવી રીતે જ લટકાવેલા હોય છે. આ સમયે જયંતિ દલાલની એક વાત યાદ આવે છે. તેઓએ કહ્યું હતું કે ધૂમકેતુએ કુમાર કાર્યાલયમાં ‘તણખા મંડળ ૧” છપાવવા આપ્યું ત્યારે તેમાંથી દરેક વાર્તાને અંતે એમાંથી નીકળતો સાર લખ્યો હતો. શ્રી બચુભાઈ રાવતે એનું સંપાદન કરતી વેળાએ આવો સાર કાઢી નાખ્યો હતો. ધૂમકેતુના ગદ્ય અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. ધૂમકેતુના ગદ્યમાં લય, ચોટ, ઉત્કટતા અને ચિત્રાત્મક્તા છે અને છતાંય દુર્બોધતા નથી. સળંગ વહેતા ઝરણા જેવું એમનું ગદ્ય છે. એમાં તર્ક કરતાં ઊર્મિનું બળ વિશેષ પ્રગટ થાય છે. કશીય વાગ્મિતાનો આશ્રય લીધા વિના ધૂમકેતુનું ગદ્ય સૂત્રાત્મક અને કાવ્યમય બની શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામના રંગદર્શી અધ્યાત્મનો એમાં અણસાર જોવા મળે છે. ગુજરાતી ગદ્યને સર્જનાત્મક છટા અને અપૂર્વ લયવાહિતાથી ધૂમકેતુએ પ્રયોજ્યું છે. એમની વર્ણનકલા પણ એટલી જ મોહક છે. આનંદપુરના એક ખૂણાનું, નંદગિરિનું, 0 ૧૮૦ ] • ‘ધૂમકેતુ'નો સ્થિર પ્રકાશ • ભૈયાદાદાની ઓરડીનું કે દરવેશની ઝુંપડીનું તેમ જ, ‘પોસ્ટ ઑફિસમાં આવતું પાછલી રાતનું અને ‘ભીખુ માં પ્રારંભનું વર્ણન વાર્તાને ઉઠાવ આપે છે. અમુક મનોદશા કે પરિસ્થિતિ આલેખતાં આ વર્ણનો ભાવોને સાકાર કરવાની સાથે ચિત્રાત્મકતા લાવે છે. પ્રાકૃતિક જીવનની સમૃદ્ધિને છલકાવતાં ‘પૃથ્વી અને સ્વર્ગ નાં વર્ણનો મુલાયમ વાતાવરણ સર્જે છે. ‘ગોવિંદનું ખેતર’ જેવી નવલિકાઓમાં વર્ણન ખુદ ‘રોમેન્ટિક' બને છે, તો વળી ધૂમકેતુની નવલિકાઓમાં વર્ણન idealized થઈ જાય છે. વાંચ્યું રાખવાનું મન થાય એવાં કેટલાંય વર્ણનો ‘તણખા મંડળ ૧'માંથી મળી આવે. ધૂમકેતુની વર્ણનકલાની આજ સુધી ઘણી પ્રશંસા થઈ છે. પણ એ સંદર્ભમાં વિચારાયું નથી કે આ વર્ણનો વાર્તાનો ખરે ખર ઉપકારક છે કે નહિ ? આ સંદર્ભમાં એમ કહેવું જોઈએ કે કેટલેક સ્થળે વર્ણનોની નાનીમોટી વિગતો સાથે બનીને કથયિતવ્ય તરફ દોરી જતી નથી. આ વર્ણનો બધે અર્થપૂર્ણ - ટૂંકીવાર્તાની અપેક્ષાએ – બનતાં નથી. ટૂંકીવાર્તામાં તો એને ઉપકારક ન હોય એ બધું જ એનું મારક બને છે. કેટલેક સ્થળે તો ધૂમકેતુને જે વસ્તુ રજૂ કરવી છે, તે માટે વર્ણનનો આશરો લીધા વિના ચાલે તેમ નથી. નવલિકાનો ભાવપરિવેશ જ આની માગણી કરે છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી માંથી વર્ણનો કાઢી નાખીએ તો કશું બચે ખરું ? ધૂમકેતુની નવલિકાઓમાં ઠેર ઠેર સચોટ અને હૃદયસ્પર્શી ચિંતનકણો મળે છે. લેખકની રોમૅન્ટિક તાસીરમાંથી આવાં ચિંતન કણો કે સૂત્રો ઊપસી આવે છે. ‘રજ કણ'માં પોતાના જીવનની વાત કહેતા હોય એ રીતે ધૂમતુ લખે છે : ચાંદની જેવી કીર્તિ આવે કે અંધારા જેવો અયશ આવે, મિત્રો નિદે કે મૂર્ખ વખાણે, કંઈ ફિકર નથી; જ્યાં સુધી કલાનાની રાણી હશે; છે ત્યાં સુધી મારું પ્યાલું છલોછલ ભરેલું છે.” ધૂમકેતુનાં આવાં ચિંતનકણો પર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામનો ઘણો પ્રભાવ છે. ખલિલ જિબ્રાને એના વિખ્યાત સર્જન ધ પ્રોફેટ’ વિશે પોતાની માનસિક દશાનું પૃથક્કરણ કરતાં લખ્યું, 'While I was writing the Prophet, the Prophet was writing me.' ખલિલ જિબ્રાનનું આ વાક્ય ધૂમકેતુનું પ્રિય વાક્ય હતું અને એ જ એમની રોમેન્ટિક પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. ૧૮૧ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy