SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કેદમાં પૂરી દેવામાં આવ્યા છે. શહેનશાહ અકબર આ સમાચાર સાંભળીને આનંદવભોર બની ગયા. એમણે જોયું તો સામે સ્વસ્થ અને શાંત મુનિરાજ ઊભા હતા. પોતાના આનંદને પ્રગટ કરતાં શહેનશાહ અકબરે કહ્યું, “જુઓ મહારાજ, આપનું આગમન થયું અને આ અપાર આનંદના સમાચાર મળ્યા. અમારા આ આનંદના અવસરે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારી પાસેથી કશુંક સ્વીકારો. અમે આપને આપેલા વચનનું પૂરેપૂરું પાલન કરીશું.” ત્યાગી મુનિને માગવાનું શું હોય ? એમને વિચારમાં ડૂબેલા જોઈને શહેનશાહ અકબરે ફરી કહ્યું, “મુનિરાજ, હું જાણું છું કે આપ ત્યાગી છો. આમ છતાં આજનો આ રૂડો અવસર છે. આવા અવસરે કંઈ માગો તો અમારો આનંદ વધે.” મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “આપની વાત સાચી છે. આજના આનંદના અવસરે હું તો એટલું માગું કે આપના આનંદમાં સહુ કોઈ સહભાગી બને. આપના મિત્ર અને આપના દુશ્મન પણ ખરા.” મુનિ ભાનુચંદ્રજીની વાત સમ્રાટ સમજી શક્યા નહીં. એમણે કહ્યું, “આ અવસર મારે માટે આનંદનો ખરો, મારા શત્રુને માટે નહીં. એને વળી હું કઈ રીતે આનંદ આપી શકું ?" મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “મારું એટલું જ કહેવું છે કે મને એવી ભિક્ષા આપો કે આજનો અવસર મારી અને આપની તો ઠીક, પણ આપના દુશ્મનની જિંદગીમાં પણ યાદગાર બની જાય.” મુનિ ભાનુચંદ્રજીની વાત સાંભળીને સમ્રાટ અકબર વિમાસણમાં પડ્યા. એમણે પૂછ્યું કે આવું કઈ રીતે બને ? દુશ્મનનું દુઃખ એ મારું સુખ. શત્રુને કેદ એ મારો વિજય. મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “આથી જ હું આપની પાસે એટલી ભિક્ષા માગું છું કે જામ સતાજીને કારાવાસમાંથી મુક્ત કરો. એમના સૈનિકોને છોડી દો.” શહેનશાહ અકબર વિચારમાં ડૂબી ગયા. વચનપાલક શહેનશાહે મુનિરાજની વાત માન્ય રાખી. શહેનશાહ અકબરે જામનગરના રાજવી અને એમની સેનાને બંધનમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો. કથામંજૂષા ૧૮ ૧૦. ભિક્ષાનો આનંદ સરોતર નામનું ગામ. આ નાનકડા ગામમાં મહાન સાધુનો પ્રવેશ થયો. ગામ આખું ચોરી અને રંજાડ માટે જાણીતું. ગામલોકોને ચોરી એ ખેતી લાગતી. લૂંટ એ ભાગીદારનો ભાગ પડાવ્યા જેવી ગણાતી. અત્યાચાર આવડતનો અંશ મનાય અને વ્યસન એ રોજની મોજ મનાય. જેવા રાજા એવી પ્રજા. ગામની પ્રજા અવળા ધંધા અજમાવે અને એ બધામાં સૌથી હોશિયાર ગણાય ગામનો ઠાકોર અર્જુનસિંગ. લોકોનું આંચકી લેવામાં અર્જુનસિંગને જોરાવરી લાગતી. વ્યસનો એટલાં બધાં વળગેલાં કે એકે બાકી નહીં. માખી મારવી અને માનવી મારવો એને મન સમાન લાગતાં. ગામમાં સાધુ આવે એટલે ઠાકોરને દર્શને તો જવું પડે. એમાંય આ તો આચાર્યશ્રી હીરવિજયસૂરિ આવ્યા હતા. ખુદ મુઘલ સમ્રાટ શહેનશાહ અકબરે એમનાં દર્શનની-ઉપદેશની ઝંખના પ્રગટ કરી હતી. ઠાકોર અર્જુનસિંગ આચાર્યશ્રીનાં દર્શને આવ્યા અને વિનંતી કરી, “આચાર્યશ્રી, આપ મારે ત્યાં પધારો અને ભિક્ષા ગ્રહણ કરો. મારા પર મોટો ઉપકાર થશે.” કથામંજૂષા ૧૯
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy